Columns

કિરણ બેદીનો ભોગ લેવાયો છે કે તેમને બઢતી મળવાની છે?

રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજા સિવાયનાં કોઈ પ્યાદાંની કિંમત હોતી નથી. શતરંજનો ખેલાડી રમત જીતવા માટે રાજા સિવાયનાં કોઈ પણ મહત્ત્વનાં પ્યાદાંનો ભોગ લઈ શકે છે. ભલે તે હાથી હોય, ઘોડો હોય, ઊંટ હોય કે વજીર હોય. તેમાં તેને જરાય દયા આવતી નથી. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચરીમાં પણ તેવું જ બન્યું છે. છેલ્લાં લગભગ પાંચ વર્ષથી પુડુચરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ફરજ બજાવતાં ડો. કિરણ બેદીને અચાનક રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે.

દિલ્હીની જેમ પુડુચરીમાં પણ લેફ્ટનન્ટ ગવર્નરનો હોદ્દો વિશેષ સત્તા ધરાવે છે. પુડુચરીમાં કોંગ્રેસના મોરચાની સરકાર છે, જેના મુખ્ય પ્રધાન નારાયણ સામી છે. તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેમનો લેફ્ટનન્ટ ગવર્નર ડો. કિરણ બેદી સાથે સંઘર્ષ ચાલે છે. કિરણ બેદી પર એવા આક્ષેપો કરવામાં આવતા હતા કે તેઓ સમાંતર સરકાર ચલાવે છે.

ચૂંટાયેલી સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક મહત્ત્વના નિર્ણયો કિરણ બેદી દ્વારા બદલી કાઢવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કિરણ બેદીનો ઉપયોગ પુડુચરીની સરકાર પર નિયંત્રણ રાખવા માટે અને ક્યારેક તેને હેરાન કરવા માટે પણ કરવામાં આવતો હતો. તેને કારણે કિરણ બેદી પ્રજામાં પણ અળખામણાં થઈ ગયાં હતાં.

પુડુચરીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તેની સાથે તેના રાજકારણમાં પલટો આવ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના બે  વિધાનસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. તેમાં  જાહેર બાંધકામ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન એ. નમ: શિવાયનો પણ સમાવેશ થતો હતો.

મળતા હેવાલો મુજબ તેમને ડો. કિરણ બેદી સાથે બારમો ચંદ્રમા હતો. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ડો. કિરણ બેદી સામે અઢળક ફરિયાદો કરી ચૂક્યા હતા, પણ કેન્દ્ર સરકારે તેને વજૂદ આપ્યું નહોતું. તેઓ ભાજપમાં જોડાયા તે પછી પણ તેમણે ડો. કિરણ બેદી સામે ફરિયાદો કરવાનું ચાલુ રાખ્યું હતું. ભાજપ હવે તેમના જોર પર ચૂંટણી લડવા માગતો હોવાથી કિરણ બેદીનો ભોગ લઈ લેવામાં આવ્યો છે.

ડો. કિરણ બેદી ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ તરીકે દુનિયાભરમાં વિખ્યાત થઈ ગયાં છે. તેઓ તિહાર જેલનાં ડીજીપી તરીકે કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા બદલ મેગસાયસાય ખિતાબ પણ જીતી ચૂક્યાં છે. દિલ્હીમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં જે આંદોલન થયું તેમાં પણ કિરણ બેદીએ મોખરાની ભૂમિકા ભજવી હતી.

આંદોલન પૂરું થયું કે તરત તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવી દીધાં હતાં. તેમના નેતૃત્વમાં ભાજપનો ધબડકો થયો હતો. તો પણ ભાજપે તેમની શક્તિનો ઉપયોગ કરવા માટે ૨૦૧૬ ના મે મહિનામાં તેમને પુડુચરીનાં લે. ગવર્નર બનાવી દીધાં હતાં.

ડો. કિરણ બેદી પુડુચરીનાં લે. ગવર્નર બન્યા કે તરત કોંગ્રેસી મોરચાની સરકાર સત્તા પર આવી હતી, જેના મુખ્ય પ્રધાન વી. નારાયણસામી બન્યા હતા. કિરણ બેદીએ પહેલા દિવસથી ચૂંટાયેલી સરકાર સામે મોરચો માંડ્યો હતો. કેન્દ્ર દ્વારા તેમને જે ભૂમિકા સોંપવામાં આવી હતી તે તેમણે આબાદ નિભાવી હતી. તેમણે રાજ પેલેસમાં જનતા દરબાર યોજવા માંડ્યા હતા અને સરકાર સામેની પ્રજાની ફરિયાદો સાંભળવા માંડી હતી.

જો તમામ રાજ્યપાલો આ રીતે પ્રજાની ફરિયાદો સાંભળવા માંડે તો દેશમાં સોનાનો સૂરજ ઊગે. જો કે પુડુચરીમાં તે ભાજપની રાજનીતિનો ભાગ હતો. કિરણ બેદી ક્યારેક જનતાની ફરિયાદોની ચકાસણી કરવા સ્થળ પર પહોંચી જતાં અને પ્રધાનોને મુસીબતમાં મૂકી દેતા. ૨૦૧૭ માં તેમણે એક સરકારી અમલદારને વ્હોટ્સ એપ પર અશ્લીલતાનો પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કર્યા ત્યારે તેમનો મુખ્ય પ્રધાન સાથે પણ સંઘર્ષ થયો હતો. નારાયણસામી સરકાર દ્વારા તેના અમલદારો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેની વિરુદ્ધ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર લે. ગવર્નર કિરણ બેદીએ રદ કર્યો હતો.

ડો. કિરણ બેદી સરકારની દરેક બાબતમાં માથું મારતાં હતાં. સરકારે ગરીબોને બે કિલો ચોખા મફત આપવાનો નિર્ણય કર્યો તે કિરણ બેદીએ રદ કર્યો હતો અને તેને બદલે તેમના ખાતામાં રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરાવ્યો તેને કારણે પણ તેઓ અળખામણાં થઈ ગયાં હતાં. સરકારે સરકારી સ્કૂલનાં બાળકો માટે મેડિકલ અને ઇજનેરી કોલેજમાં ૧૦ ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કર્યો તે ડો. કિરણ બેદીએ રદ કર્યો હતો. ડો. કિરણ બેદીના આપખુદ વર્તન સામે વિરોધ નોંધાવવા ખુદ મુખ્ય પ્રધાન નારાયણસામી ૨૦૧૭ માં અને આ વર્ષના જાન્યુઆરીમાં ધરણાં પર બેઠા હતા.

તાજેતરના દિવસોમાં પુડુચરીના રાજકારણમાં અચાનક પલટો આવ્યો છે. પુડુચરી વિધાનસભાની કુલ ક્ષમતા ૩૦ બેઠકોની હતી. તેમાં કોંગ્રેસના ૧૫ વિધાનસભ્યો હતા. તેને ડીએમકેના ત્રણ વિધાનસભ્યોનો ટેકો હતો.

આ રીતે કુલ ૧૮ વિધાનસભ્યોના ટેકા સાથે કોંગ્રેસની સરકાર ચાલતી હતી. ૨૦૧૭ માં લે. ગવર્નર કિરણ બેદીએ તેમને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભામાં ભાજપના ત્રણ સભ્યોની નિમણૂક કરી હતી. તેને કારણે વિધાનસભાની ક્ષમતા ૩૩ પર પહોંચી ગઈ હતી, પણ સરકારે ૧૮ વિધાનસભ્યોના ટેકા સાથે બહુમતી જાળવી રાખી હતી.

ભાજપે બીજાં રાજ્યોની જેમ પુડુચરીમાં પણ સરકારને તોડવા માટે વિધાનસભ્યો ખરીદવા માંડ્યા હતા. કોંગ્રેસના ચાર વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. કોંગ્રેસે એક વિધાનસભ્યને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કાઢી મૂક્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા બે વિધાનસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા.

વિધાનસભાની કુલ ક્ષમતા ઘટીને ૨૮ થઈ ગઈ હતી. તેમાં કોંગ્રેસના ૧૦ અને ડીએમકેના ત્રણ વિધાનસભ્યો ઉપરાંત ભાજપના ત્રણ વિધાનસભ્યો છે. ૨૮ સભ્યોના ટેકા સાથે કોંગ્રેસની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ છે. ૨૮ સભ્યોમાં અન્ના ડીએમકેના ચાર વિધાનસભ્યોનો અને એન. આર. કોંગ્રેસના ૭ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.

જો હવે કોંગ્રેસની સરકારનું પતન થાય તો પુડુચરીમાં લે. ગવર્નરનું શાસન આવી શકે છે. બીજી સંભાવનામાં ભાજપના ત્રણ સભ્યો બીજા ૧૨ વિધાનસભ્યોનો ટેકો લઈને સરકાર પણ બનાવી શકે છે.  જો ચૂંટણી દરમિયાન પુડુચરીમાં ભાજપની સરકાર હોય તો ચૂંટણીમાં તંત્રનો ઉપયોગ થઈ શકે તેમ છે.

તામિલનાડુમાં આવતા માર્ચ-એપ્રિલમાં ચૂંટણી થાય તે સાથે પુડુચરીમાં પણ ચૂંટણી થવાની છે. ચૂંટણી નજીક છે ત્યારે લે. ગવર્નર તરીકે ડો. કિરણ બેદીનું રાજીનામું લઈ લેવાના અનેક સૂચિતાર્થો છે. પહેલી સંભાવના એ છે કે કિરણ બેદી ફરીથી ભાજપમાં જોડાઈ જશે અને તેમને ભાજપનાં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવામાં આવે.

તેને કારણે તેમણે પાંચ વર્ષ દરમિયાન કેટલી લોકચાહના મેળવી છે તે પરખાઈ જશે. બીજી સંભાવના એવી છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેટલાક નેતાઓના દબાણ હેઠળ ઝૂકીને કેન્દ્ર સરકારે ડો. કિરણ બેદીને પડતાં મૂક્યાં છે. તેમને કદાચ કોઈ બીજા રાજ્યના ગવર્નર બનાવવામાં આવશે. રાજકારણમાં કોઈ વસ્તુ અસંભવિત નથી મનાતી. પુડુચરીમાં ભાજપની અથવા છેવટે ભાજપના મોરચાની સરકાર આવે તે માટે ભાજપની નેતાગીરી કોઈ પણ અણધાર્યા નિર્ણયો લેવા માટે તૈયાર છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top