કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત ‘લાપતા લેડીઝ’ 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ એકેડેમી એવોર્ડ્સમાં ભારતના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલ મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મમાં રવિ કિશન અને છાયા કદમે મહત્વની ભૂમિકા ભજવી છે.
29 ફિલ્મોને પાછળ છોડી
હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’, પિતૃસત્તા પર હળવા વ્યંગ વાળી આ ફિલ્મને 29 ફિલ્મોની યાદીમાંથી પસંદ કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડની હિટ ‘એનિમલ’, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા ‘આટ્ટમ’ અને કાન્સની વિજેતા ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’નો પણ સમાવેશ થાય છે. ‘ આસામી દિગ્દર્શક જાહનુ બરુઆના વડપણ હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘લાપતા લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મે તમિલ ફિલ્મ ‘મહારાજા’, તેલુગુ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ અને ‘હનુ-માન’ને પણ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અને ‘આર્ટિકલ 370’ પણ 29 ફિલ્મોની યાદીમાં સામેલ હતી.
હાલમાં જ કિરણ રાવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર માટે મોકલવામાં આવે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કિરણ રાવે કહ્યું કે તેમની ઈચ્છા છે કે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કારની રેસમાં સામેલ કરવામાં આવે. અને આજે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મને ઓસ્કારમાં સત્તાવાર પ્રવેશ તરીકે મોકલવાની પુષ્ટિ કરી છે.