SURAT

કિરણ હોસ્પિટલ સાથેના કડવા અનુભવ બાદ સુરત મનપાએ આ સંગઠનને જમીન નહીં ફાળવવા લીધો નિર્ણય

સુરત: (Surat) સુરત ડાયમંડ એસો. (SDA) આરોગ્ય ટ્રસ્ટની હોસ્પિટલ (Hospital) માટે મોટા વરાછામાં (Varacha) જગ્યા ફાળવવાની દરખાસ્તમાં (Proposal) ટ્રસ્ટ (Trust) મનપાને (SMC) ભાગીદારી તેમજ પીપીપી ધોરણે ચલાવવાની સાથે મનપા નિયુક્ત પ્રતિનિધીઓને સમાવવાના મુદ્દે અસંમત થતાં સ્થાયી સમિતી દ્વારા જગ્યા ફાળવણી પર બ્રેક મારી દેવામાં આવી છે.

  • ડાયમંડ એસો. આરોગ્ય ટ્રસ્ટ મનપાની ભાગીદારી મુદ્દે અસંમત થતાં જમીન ફાળવણી પર બ્રેક
  • મનપાની જમીન પર ઊભેલી કિરણ હોસ્પિ.ના અનુભવને પગલે આ વખતે શાસકો ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના વિસ્તૃતીકરણ માટે જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. જેથી સ્થાયી સમિતિ સમક્ષ ફાઇનલ ટી.પી. સ્કીમ નં.24 (મોટા વરાછા-ઉત્રાણ)માં સેલેબલ ફોર કોમર્શિયલના હેતુ માટે અનામત રાખવામાં આવેલી ફાઇનલ પ્લોટ નં.193 વાળી 10735 ચોરસ મીટર જગ્યા ડાયમંડ એસો. આરોગ્ય ટ્રસ્ટને હોસ્પિટલ, નર્સિંગ કોલેજ તેમજ હોસ્ટેલના નિર્માણ માટે ફાળવવા દરખાસ્ત મૂકવામાં આવી હતી. જો કે કિરણ હોસ્પિ.માં હોસ્પિટલમાં મનપાએ કરોડો રૂપિયાની જમીન આપી હોવા છતાં આ હોસ્પિ.માં મનપાના તંત્રવાહકોનું કોઇ સાંભળતું નથી કે ભલામણો પણ ધ્યાને લેવાતી નથી. ઉપરાંત ડાયમંડ એસો.ની વરાછા ચીકુવાડી ખાતે બનેલી હોસ્પિટલ પણ મનપાની જમીન પર હોવા છતાં ત્યાં પણ મનપાના સહકારથી એવું બોર્ડ સુદ્ધાં મુકાયુ નથી. તેથી આ વખતે મનપા દ્વારા જમીન ફાળવણીની દરખાસ્તમાં મનપાની ભાગીદારીની શરત મુકાઇ છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા તેની સામે વાંધો ઉઠાવાયો હોય હાલ પુરતી આ દરખાસ્ત મુલતવી રાખવાનો નિર્ણય સ્થાયી સમિતી દ્વારા લેવામાં આવ્યો છે.

અન્ય બે ટ્રસ્ટ મનપાને જમીન સામે હોસ્પિટલમાં ભાગીદારી આપવા તૈયાર
રાહત દરે આરોગ્ય સેવા ઉપલબ્ધ બને તે માટે મનપા દ્વારા સામાજિક ટ્રસ્ટોને જમીન ફાળવવા તૈયાર છે, પરંતુ એક વખત મનપા પાસેથી કરોડો રૂપિયાની જમીન મેળવ્યા બાદ જે તે હોસ્પિટલના ટ્રસ્ટીઓ મનપાના તંત્રવાહકોને ગાંઠતા નથી તેવો અનુભવ છે. તેથી હવે મનપાના હિતને ધ્યાને રાખી ભાગીદારીનો કોન્સેપ્ટ અપનાવાઇ રહ્યો છે. અન્ય બે ટ્રસ્ટો દ્વારા પણ આ રીતે હોસ્પિટલ માટે જગ્યા માંગી છે.

Most Popular

To Top