National

કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીનું રાજીનામું નકાર્યું, બની રહેશે મહામંડલેશ્વર

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તે માત્ર બે દિવસ પછી જ પરત ફરી છે. તેણીએ જાહેરાત કરી છે કે તે સાધ્વીનું જીવન જીવતી રહેશે. મમતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી આચાર્ય મહામંડલેશ્વરે તેને સમજાવી હતી, તેને પગલે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે.

વીડિયોમાં મમતાએ કહ્યું નમસ્તે, હું મમતા છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા પટ્ટા ગુરુ ડૉ. શ્રી આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપ લગાવ્યા હતા. એ લાગણીમાં મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું પણ તેમણે તે રાજીનામું નકારી કાઢ્યું. હું તેમની આભારી છું કે તેમણે મને આ પદ પર જાળવી રાખી છે અને આગળ વધીને હું મારું જીવન કિન્નર અખાડા અને સનાતન ધર્મને સમર્પિત કરીશ.

નોંધનીય છે કે મમતા કુલકર્ણીએ મહાકુંભમાં પોતાનું પિંડદાન કર્યું હતું. તેણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી, તેના લીધે ઘણો વિવાદ થયો હતો. ત્યાર બાદ મમતાએ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતી વખતે મમતાએ કહ્યું હતું કે હું કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી રહી છું. હું બાળપણથી જ સાધ્વી છું અને ભવિષ્યમાં પણ રહીશ.

આ અગાઉ મમતાએ પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડામાં દીક્ષા લીધી હતી અને તેને તરત જ મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી. તેણીએ પિંડદાન કર્યું, સંગમમાં સ્નાન કર્યું, પછી તેણીનો અભિષેક કરવામાં આવ્યો અને તેને મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી.

મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનતાની સાથે જ અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા. બાબા રામદેવથી લઈને ઘણા સંતો અને અખાડાના લોકોએ આનો વિરોધ કર્યો હતો. મમતા વિશે એવું કહેવામાં આવતું હતું કે જે ગઈકાલ સુધી સાંસારિક સુખોમાં વ્યસ્ત હતી તે એક જ દિવસમાં અચાનક સંત બની ગઈ છે અને મહામંડલેશ્વર જેવી પદવીઓ ધારણ કરી રહી છે.

Most Popular

To Top