Sports

પ્રબળ ઈચ્છા શક્તિ, અનંત ઊર્જાનો સાગર, ભાંગી પડ્યા પછીની અટલ સાધનાનો સરવાળો એટલે કિંગ કોહલી

ઓક્ટોબર 05, 2007… હૈદરાબાદનું ખીચોખીચ ભરાયેલું રાજીવ ગાંધી સ્ટેડિયમ ભરચ. ભારત વિ ઓસ્ટ્રેલિયા વન ડે મેચ. સચિન તેંદુલકર 43 રને બ્રેડ હોગના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. તે જ વર્ષે બંને ટીમો વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી અને બોલ બ્રેડ હોગના હાથમાં હતો. જ્યારે તે 39મી ઓવરમાં આવ્યો ત્યારે માસ્ટરે 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે તેનું સ્વાગત કર્યું. ટેસ્ટમાં આવા હુમલાની કોઈને અપેક્ષા નહોતી. પરંતુ તેની પાછળની કથા કંઇ અલગ હતી. હૈદરાબાદમાં જ્યારે હોગે સચિનને ક્લીન બોલ્ડ કર્યો ત્યારે તેણે મેચ બાદ બોલ પર સચિનનો ઓટોગ્રાફ લીધો હતો, જેના પર ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે લખ્યું હતું કે Never again mate…।અર્થાત મિત્ર હવે પછી આવું કદી નહીં બને.

આ વાતનો મર્મ અલગ હતો, એ માત્ર આઉટ થવાની વાત નહોતી પણ તે મજબૂત ઈચ્છા શક્તિ અને સાધનાની બાબત હતી, જેના કારણે સચિનને વિશ્વાસ થયો કે આવું ફરી ક્યારેય નહીં બને અને બન્યું પણ નહીં. 2021માં જ્યારે ભારતીય ટીમ કોઈપણ વર્લ્ડકપમાં જ્યારે પહેલીવાર પાકિસ્તાન સામે હારી ત્યારે વિરાટ કોહલીને સૌથી મોટું કલંક લાગ્યું. ત્યારે તત્કાલીન કેપ્ટન વિરાટે પોતાની જાતને કહ્યું હશે- હવે ફરી આવું નહીં થાય, પોતાના માસ્ટર ક્લાસનું ટ્રેલર બતાવીને, વિરાટ કોહલીએ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમના ઐતિહાસિક મેદાન પર પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની મેચમાં દિવાળીની પૂર્વસંધ્યાએ જે આતશબાજી કરી તેનાથી પાકિસ્તાનીઓ હતપ્રભ થઇ ગયા હતા.

લાંબા સમય પછી પણ આ હારની પીડા તેમને સતાવતી રહેશે. કોહલીનું આવું ‘વિરાટ’ સ્વરૂપ જો કોઈએ જોયું તો તે પાકિસ્તાન હતું. 2019 પછી જ્યારે કોહલીનું ફોર્મ બગડ્યું ત્યારે બધા તેન પર ખાર ખાવા માંડ્યા હતા. તે મનોમન મેદાન પર અને મેદાનની બહાર એકલો બધા સામે લડી રહ્યો હતો. તે સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. જેઓ તેને પોતાના ખભા પર બેસાડીને હંમેશા તેની પ્રશંસા કરતાં હતા તેઓ જ હવે તેને ટીમમાંથી બહાર કાઢવાનો ઈરાદો ધરાવતા થયા હતા. તોપના ગોળાની જેમ ધમાલ મચાવતું બેટ શાંત હતું. લોકો કહેતા હતા કે તેની બેટને કાટ લાગી ગયો છે. કોહલી પણ વિચારવા મજબૂર થઈ ગયો કે આખરે શું થઈ રહ્યું છે, જે બોલરો ડરથી ધ્રૂજતા હતા તેઓ આજે તેમની સામે વિરાટ કેવી રીતે બની ગયા? હજારો સવાલો હતા અને જવાબ માત્ર એક જ હતો – વિરાટ કોહલી પોતે. વિખેરાઇ ગયા પછી અટલ સાધનાનો સમય હતો. અને પ્રબળ ઇચ્છાશક્તિના સ્વામી કોહલીએ તે પછી પોતાની રીતે તેમાંથી બહાર આવવાની સાધના આદરી અને આજે પરિણામ બધાની સામે છે.

એશિયા કપ 2022માં જ્યારે તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી ત્યારે કોહલીના ચહેરા પર સ્મિત હતું. હિન્દી કોમેન્ટેટર આકાશ ચોપરાએ ત્યારે એક વાક્ય કહ્યું હતું તે લોકોને યાદ જ હશે કે, વિરાટ ચલા હૈ સીના તાન….તે એક ઇનિંગે ચાહકો માટે એશિયા કપમાંથી વહેલી વિદાય અને પાકિસ્તાન સામેની હારના ઘા પર મલમ જેવું કામ કર્યું. કોહલી આ સદીની કિંમત જાણતો હતો. 3 વર્ષ સુધી સંઘર્ષની અંધારકોટડીમાં લડ્યા પછી તે બેટનો કાટ તેણે ધોઇ કાઢ્યો હતો. એશિયા કપમાં જે થયું તે માત્ર પોસ્ટર રિલીઝ હતું અને પાકિસ્તાન સામે જે થયું તે ટ્રેલર હતું.

આખું પિક્ચર હજુ આવવાનું બાકી છે. વિરાટની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા, વિરાટ કોહલીની ઐતિહાસિક ઇનિંગ્સ અને ભારતની જીતના આનંદથી વાકેફ હતી. તે જાણે છે કે વિરાટ કોહલી માટે આ ઇનિંગ અને તેના હેલમેટ પરના ત્રિરંગા સાથે તે જે જીવન જીવે છે તેના માટે ભારતની જીત સિવાય બીજું કંઈ મહત્વનું નથી. તેથી જ રવિવારની એ એક ગૌરવપૂર્ણ ક્ષણ માટે, ભારતીય ક્રિકેટ ચાહકો એક કે બે કલાકમાં જેટલા ફટાકડા ફોડ્યા છે તે કેટલાક દેશોની જીડીપી પણ નહીં હોય અહીં વાત માત્ર પૈસાની નથી પણ ખુશી વ્યક્ત કરવાની વાત હતી. જો ઈસરો અને નાસા ઉપગ્રહમાંથી તસવીરો બહાર પાડે તો સમજાશે કે દિવાળીની પૂર્વ સંધ્યાએ એકાદ-બે કલાકમાં આખું ભારત ઝગમગી ઉઠ્યું હતું.

પોતાની કારકિર્દીમાં પાકિસ્તાનને ઘણી વખત હરાવવા છતાં દિગ્ગજ સુનીલ ગાવસ્કર આ જીત પછી પોતે બાળકની જેમ કૂદતા જોવા મળ્યા હતા. વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંત પણ તાળીઓ પાડતો હતો અને ઈરફાન પઠાણની આંખોમાં આંસુ હતા. બરાબર એક વર્ષ પહેલા 24 ઓક્ટોબર 2021ના રોજ પોતાની કપ્તાની હેઠળ પાકિસ્તાન સામેની હાર બાદ વિરાટ કોહલી ભાગ્યે જ આખી રાત સૂઈ શક્યો હતો. હવે જ્યારે તેણે 23 ઓક્ટોબરે એટલે કે એક વર્ષની અંદર પોતાના અપમાનનો બદલો લીધો, તો પણ તે ભાગ્યે જ ઊંઘી શક્યો. આ ખુમારીનો દોર હમણાં જ શરૂ થયો છે. આ એ જ બેટ છે, આ એ જ ક્રિકેટનું મેદાન છે અને આ આપણા બધાનો પોતાનો કોહલી છે. અને હા, છેલ્લે એક બીજી વાત આઇસીસીના શબ્દોમાં કહીએ તો કિંગ તો માત્ર એક જ છે અને તે છે વિરાટ કોહલી.

Most Popular

To Top