શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને કારણે મારી પાસે ફિલ્મો નથી પણ તેની પાસે તે પહેલાંથી જ ફિલ્મો નહોતી અને અત્યારે જે એક ‘પઠાણ’ છે તેની પર પણ કામ શરૂ નથી થયું. શાહરૂખ ટી.વી. સિરીયલોમાં કામ કરીને ફિલ્મોમાં આવ્યો હતો અને હવે ફરી એવી સિરીયલોમાં કે વેબસિરીઝમાં કામ ન કરી શકે તેનો સ્ટાર તરીકેનો ઈગો અમિતાભ કરતાં વધારે છે. શેર કભી ઘાસ નહીં ખાતા. આજ વાત તેને ઘાસ ખાવા મજબૂર કરે છે.
શાહરૂખને અત્યારે કોઈ સારા સલાહકારની જરૂર છે. હજુ તેણે ચાહકવર્ગ ગુમાવ્યો નથી એટલે નવી ફિલ્મો મળી શકે છે પરંતુ તેણે ઘણી સાવધાની રાખવી પડશે. એ આમિર ખાનની જેમ વિચારશીલ અભિનેતા નથી. આમિરે પોતાને ખૂબ સારી રીતે મેનેજ કર્યો છે પણ તે શાહરૂખને સલાહ ન આપી શકે. બાકી તેણે ફિલ્મ નિર્માણથી માંડી ટેલિવિઝન હોસ્ટિંગ ને સ્ટેજ પર્ફોમન્સ પણ આપ્યા છે. છતાં તેમાંય તેની ટક્કરમાં સલમાન વધુ સફળ ગણી શકો. અમિતાભ સામે તો તે મુકાબલો જ કરી શકે તેમ નથી. શાહરૂખની મુખ્ય ઓળખ રોમેન્ટિક સ્ટારની છે પણ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ સુધીમાં તે કોમેડી પર ઊતરી આવ્યો.
તેણે ‘રઈશ’માં અપરાધીની ભૂમિકા ભજવી પણ એ બાબતે અજય દેવગણથી વધુ સારુ કોઈ નથી. ખરું પૂછો તો તેને યશ ચોપરા જેવાની ખોટ નડી રહી છે. હવે તેને તેની ઈમેજ જાળવી આપે તેવા દિગ્દર્શક મળતા નથી અને તે પોતે પણ શોધી શકતો નથી. તે કાજોલ પછી કોઈ સાથે વધુ સારી જોડી પણ બનાવી શક્યો નથી. બાકી કેટરીના, ઐશ્વર્યા, દિપીકા પાદુકોણ સાથે ય કામ કર્યુ છે. સંજય લીલા ભણશાલીએ પણ ‘દેવદાસ’ પછી તેને રિપીટ નથી કર્યો. શરૂમાં તે ‘બાઝીગર’ અને ‘ડર’ જેવી ફિલ્મોમાં એન્ટી હીરો હતો પણ તેમાં અમિતાભ જેવી સફળતા કોઈને મળી નથી. ઉંમરના પંચાવનમાં વર્ષે તેણે બદલાવું પડે તેમ છે પણ પ્રેક્ષકો તેને એવો સમય આપશે ?
તે 29 વર્ષથી ફિલ્મોમાં છે અને હમણાં ટ્વિટર પર તેના ચાહકો સાથે વાતે ચડયો હતો. ‘આસ્ક એસઆરકે’ નામની આ સેશનમાં એકે પૂછયું કે તમે પણ અમારી જેમ બેકાર છો ? તો શાહરૂખ બોલ્યો, ‘જો કુછ નહીં કરતે વોહ…, ને પછી વાત અધૂરી મુકી દીધી કારણકે તે અત્યારે કમાલ કરી શકતો નથી. તેને પૂછાયું કે તેમની કંઈ ફિલ્મ હવે રજૂ થશે ? તેમાંય જવાબ આપ્યો કે આજના સંજોગોમાં ફિલ્મ રિલીઝ કરવામાં ખૂબ ધીરજ રાખવાની જરૂર છે. પણ તેણે કહ્યું કે ‘પઠાણ’ આવી રહી છે. અલબત્ત, તેનું મોટાભાગનું શૂટીંગ બાકી છે તેની સ્પષ્ટતા નથી કરી. ચાહકોએ પૂછયું કે તમારી પાસે કશુંક એનાઉન્સમેન્ટ કરવા જેવું છે ? તો તે બોલ્યો ‘લાઉડસ્પિકર્સ એનાઉન્સમેન્ટ કરતા હોય છે. અત્યાર સુધી પોતાને કિંગ ખાન ઓળખાવતો શાહરૂખ કબૂલતો નથી કે તે હવે કિંગ રહ્યો નથી. પણ એવું તો દરેક સ્ટાર્સના જીવનમાં બને છે. હા, શાહરૂખે હવે કોઈ નવી યોજના બનાવવી પડશે, પરંતુ તેણે નિર્માતા બનવાનું જોખમ લેવા જેવું નથી. તેને તે આવડતું નથી. સ્ટાર તરીકે માર પડતો હોય ત્યારે નિર્માતા તરીકે ય માર પડે તો તો ખલ્લાસ !