નિંદા અને ઇર્ષ્યા ખૂબ જ કાતિલ દોષો છે. માણસ ગમે તેટલો સારો હોય પણ તેનામાં આ બે દોષ હશે તો તેની જિંદગી ગમે ત્યારે ધૂળધાણી થઇ જાય છે. વ્યસન કે અન્ય વસ્તુ ત્યજી દેનાર માણસ આ બે દોષ છોડી શકતો નથી. કહ્યું છે ને કે માણસનો સ્વભાવ મરતાં સુધી ન બદલાય. પણ જો માણસ મકકમ મનનો હોય તો વ્યસનની જેમ આ બે દૂષણ પણ છોડી શકે છે. આ એક મહાન આત્માની કથા છે. એક મહાન જૈનાચાર્ય હતા જેમનું નામ નયશીલ સૂરીજી. ખૂબ જ્ઞાની પણ એમનું જ્ઞાન એ પચાવી ન શકયા. એમના એક વિદ્વાન શિષ્ય હતા. એ શિષ્ય વિદ્વત્તા સાથે વિનમ્ર પણ હતા.
જેથી અન્ય સાધુઓ એમની પાસે સ્વાધ્યાય કરતા. ગુરુદેવની જીવનશૈલી સુખપ્રધાન એટલે કાયમ આરામમાં રહેતા, આથી આ શિષ્ય વ્યાખ્યાનો પણ કરતા. આમ શિષ્યની બોલબાલા વધતી ગઇ. ગુરુજી નયશીલસૂરીજી આ જોઇ આનંદ પામવાના બદલે ઇર્ષ્યા કરવા લાગ્યા. એમનામાં રહેલો ઇર્ષ્યાભાવ વધવા માંડયો, પોતાના શિષ્યની વધતી લોકપ્રિયતા ખમી શકતા ન હતા. ગૌરવ લેવાને બદલે એ શિષ્યની નિંદા કરવા લાગ્યા.મનમાં બળતો ગુરુનો આત્મા એક દિ’ તેમનો દેહ છોડીને ચાલ્યો ગયો. તે આત્મા દૂષિત થતાં કાળો નાગ થઇ અવતર્યો.
એ નાગ પેલો શિષ્ય જયાં વસતો હતો તેના ઉપવનમાં રહેવા લાગ્યો. શિષ્ય રોજ એ ઉપવનમાં સાધુઓ સાથે વિહાર કરતા. નાગ મોકો શોધી રહ્યો હતો. એક દિવસ એ શિષ્યને ડસવા નાગ તેની પાસે કૂદી પડયો. અન્ય સાધુઓએ શિષ્યને ખેંચી લઇ બચાવી લીધો. પેલો નાગ તો દૂરથી પણ એ શિષ્ય સામે ફૂંફાડા મારતો હતો. ત્યાર બાદ એ શિષ્ય ધ્યાનમાં બેઠા. એ નાગના પૂર્વજન્મ વિષે ચિંતન કરતાં જણાયું કે એ પોતાના જ ગુરુજી છે. પૂર્વભવની ઇર્ષ્યાવૃત્તિના કારણે આ જન્મે ઝેરીલો નાગ બન્યા છે. આ વાત અન્ય સાધુઓને કરી. ત્યારે એ બધા ચોંકી ઊઠયા. હવે આની સદ્ગતિનું શું? બધા વિચારતા હતા, કર્મની કેવી લીલા છે? કર્મની ગતિ કોઇને ય છોડતી નથી.અને એ સાધુઓ પણ સદ્કર્મ માટે જ કૃતનિશ્ચયી બન્યા. દોષો અને કર્મ આત્મા સાથે જ જોડાયેલાં રહે છે. એ ભોગવ્યે જ છૂટકો.