સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની (Syudent)નું ગઈકાલે સાંજે અજાણ્યા દ્વારા અપહરણ (kidnapping drama) કરાયું હતું. વિદ્યાર્થિનીના પિતા (Father) ઉપર ફોન કરીને 10 લાખની ખંડણી (Ransom) માંગવામાં આવી હતી. જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થિની તેના પ્રેમી (Lover) સાથે ભાગી હોવાનું અને ફોન કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસે બંનેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વરાછા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરાછા લંબે હનુમાન રોડ પર ડાહ્યાપાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ સોલંકી હીરા ઘસવાનું કામ કરે છે. તેમની 20 વર્ષીય પુત્રી સીએનો અભ્યાસ કરે છે. હીરાબાગ પાસે આવેલા ક્લાસિસમાં અભ્યાસ કરે છે. ગઈકાલે વિદ્યાર્થિની સાંજે ઘરેથી સી.એ ની બુક લેવા જવાના બહાને નીકળ્યા બાદ પરત ઘરે આવી નહોતી. પરિવારે તેની શોધખોળ કરતા મળી નહોતી. તે ગુમ થયાના 50 મિનિટમાં લાખાભાઈના ફોન ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો.
ફોન કરનારે ‘દીકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી જાઓ’ તેવું કહ્યું હતું. લાખાભાઈએ ક્યાં આવવાનું પુછતા અજાણ્યાએ ફોન કટ કર્યો હતો. દિકરીનું 10 લાખની ખંડણી માટે અપહરણ થયાના ફોનથી પરિવાર ગભરાઈ ગયો હતો. અને પોલીસને જાણ કરી હતી. પોલીસની ઝીણવટ ભરી તપાસમાં સમગ્ર ઘટના શંકાસ્પદ જણાઈ આવી હતી. સીસીટીવી ફુટેજથી લઈને તમામ વિગતો મેળવતા યુવતી તેના પ્રેમી આકાશ સાથે ભાગી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના પ્રેમી આકાશ દ્વારા તેના પિતાને ફોન કરાયો હતો. વરાછા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિની કાપોદ્રા પોપડા સુધી જતી સીસીટીવી કેમેરામાં કેદ
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હિરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત યુવતિનો કાપોદ્રામાં રહેતા મૂળ રાજસ્થાની ખટીક નામના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનુ બહાર આવ્યું હતું.
બંને પોતાના મોબાઈલ ઘરે મુકી ગયા, નવું સીમકાર્ડ ખરીદ્યું
આકાશ અને યુવતી બંને પોતાના મોબાઈલ ઘરે મુકીને ગયા છે. આકાશે બે દિવસ પહેલા નવું સીમકાર્ડ ખરીદ કર્યું હતું. આ નવા કાર્ડ પરથી ફોન કરાયો હતો. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી છે અને પકડાઈ નહી જવાય તે માટે બંને પોતાના મોબાઈલ ઘરે મુકીને ગયા છે.
પિતાએ પ્રેમી સાથેના ફોટો જોઈ લીધા હતા
યુવતીના પરિવારે પોલીસ સાથે તેના પ્રેમ પ્રકરણની વાત શરૂઆતમાં છુપાવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા. જેથી ઠપકો પણ આપ્યો હતો. પોલીસને આ વાતની બાદમાં ખબર પડી હતી.