સુરત: ગોડાદરામાં પ્રેમિકા (Lovers) સાથે ભાગી પ્રેમલગ્ન (Love marriage) કરનાર યુવકના ભાઈ (Brother)ને સોસાયટીમાં રહેતા બે પરિચીતોએ 15 જેટલા અજાણ્યાઓ સાથે મળી માર માર્યો હતો. બાદમાં અપહરણ (kidnapping) કરી કારમાં બેસાડી લઈ ગયા હતા. સવારે ભોગ બનનારને હોશ આવ્યા બાદ એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો. ગોડોદરા પોલીસ સ્ટેશન (Police station)માં ફરિયાદ નોંધાઈ છે.
ગોડાદરા ખાતે લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા 27 વર્ષીય મુકેશભાઈ કૈલાશભાઈ પ્રજાપતિ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ રિંગરોડ ખાતે આવેલી જશ માર્કેટમાં નોકરી કરે છે. મુકેશે પરેશ આહીર (રહે. લક્ષ્મીપાર્ક સોસાયટી, ગોડાદરા), દેવાંગ (રહે. લક્ષ્મીપાર્ક સોસાયટી, ગોડાદરા) તથા 15 જેટલા અજાણ્યાઓની સામે ફરિયાદ નોંધાવી છે. મુકેશના ભાઈ સીતારામને છેલ્લા સાત વર્ષથી પુણાગામ ખાતે રહેતી પ્રાજલ (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી ગત 25 જુલાઈએ બંનેએ ભાગીને રાજસ્થાન અજમેરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રાજલના માતા-પિતાએ કાપોદ્રા પોલીસમાં મિસિંગની ફરિયાદ કરતા 29 જુલાઈએ પોલીસે મુકેશને નિવેદન માટે બોલાવ્યો હતો. જ્યાં સીતારામ સાથે ફોન ઉપર વાત કરાવી વોટ્સએપ પર લગ્ન નોંધણી પ્રમાણપત્ર મોકલી આપ્યું હતું.
ગત 30 જુલાઈએ મુકેશ રાત્રે નોકરીએથી મોટર સાયકલ ઉપર ઘરે આવતા હતા. તેમની સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યાં તેમના મકાનની નીચે રહેતા પરેશભાઈ અને તેના મિત્ર દેવાંગ બાઈક ઉપર આવીને રસ્તામાં ઉભો રાખ્યો હતો. દેવાંગે મુકેશનો કોલર પકડી લેતાં તેમનાથી બચવા મુકેશ બાઈક હંકારી મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે ભાગ્યો હતો. જ્યાં દેવાંગે તેને પકડી બાઈક પરથી નીચે ઉતારીને તેમની બાઈક ઉપર વચ્ચે બેસાડયો હતો. બંને મુકેશને લક્ષ્મીપાર્ક સોસાયટીના ગાર્ડનમાં લઈ ગયા હતા. પરેશ અને દેવાંગે ‘તારો ભાઈ અમારા સમાજની છોકરી લઈને ભાગી ગયો છે? તમારી શું ઓકાત છે. તારો ભાઈ ક્યાં છે? અમને બતાવ’ તેમ કહીને મુકેશને ગાળો આપી હતી. પરેશ અને દેવાંગ લાકડાના દંડા અને પ્લાસ્ટિકની પાઈપો વડે મુકેશને શરીરે અને પગ બાંધી પગમાં માર માર્યો હતો.
આ ઉપરાંત બીજા 15 જેટલા અજાણ્યાઓ ભેગા થઈને રાત્રે 3 વાગ્યા સુધી માર માર્યો હતો. બાદમાં મુકેશને સ્વીફ્ટ કારમાં બેસાડતા તે બેભાન થઈ ગયો હતો. સવારે તેની આંખ ખુલતા તે કારમાં હતો અને પરેશ તેની સામે બેઠો હતો. ત્યારબાદ પરેશે મુકેશને લક્ષ્મીપાર્ક સોસાયટીમાં એક્સિસ બેંકના એટીએમવાળા મકાનના ઉપરના માળે રૂમમાં ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ અજાણ્યા વારાફરથી મુકેશને જોવા માટે રૂમમાં આવતા હતા. ત્યારે એક અજાણ્યા પાસે ફોન લઈને વતન તેના ભાઈ સીતારામને ફોન કરીને પરેશ અને દેવાંગે માર મારી એક રૂમમાં બંધ કર્યો હોવાનું કહ્યું હતું. જેથી સીતારામે તેમના ઓળખીતા હિતેશ અને મુકેશને જાણ કરતા તેઓ શોધતા તેની પાસે પહોંચ્યા હતા અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.