સુરત : પાલનપુર પાટીયા પાસે રહેતા સોફ્ટવેર ડેવલપરનું કારમાં અપહરણ કરી કામરેજ પાસે લઈ ગયા હતા. અને ત્યાં દોઢ કરોડના હિસાબના પ્રકાશને આપવાની જગ્યાએ અજાણ્યાઓએ માંગ્યા હતા. આ માટે ઇનકાર કરતા તેને માર મારી મોબાઈલ લઈને તેમાંથી બ્રોકરને મેસેજ કરીને 29350 ડોલર એટલે કે 25 લાખ જેટલી રકમ વિડ્રો કરી લેવાઈ હતી. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાલનપુર પાટિયા ખાતે રામદેવનગર સોસાયટીમાં રહેતા 47 વર્ષીય જેસિંગભાઈ મનસુખભાઈ સુમેસરા સોફ્ટવેર ડેવલોપર છે. તેમણે સાયબર ક્રાઈમમાં પ્રકાશ ઉર્ફે ચુનીલાલ અઘારા (રહે. રાજકોટ) સહિત 9 અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રકાશભાઈએ ટ્રેડિંગ સોફ્ટવેરમાં કામ કરવુ છે તેમ કહીને જેસિંગભાઈનો સંપર્ક કરીને અડાજણ ખાતે બર્ગર કીંગ રેસ્ટોરન્ટમાં બોલાવ્યા હતા. ત્યાં મીટીંગ કરતા ટ્રેડીંગ સોફ્ટવેરમાં કામ કરવા તૈયાર થયા હતા.
30 મે ની સવારે પ્રકાશભાઈએ મળવા માટે જેસિંગભાઈને એલપી સવાણી રોડ પર કોટક મહિન્દ્રા બેંકના એટીએમ પાસે બોલાવ્યો હતો. ત્યાં આઈ-20 કારમાં બેસેલા પ્રકાશભાઈ અને બીજા ચાર અજાણ્યાઓએ તેમનું અપહરણ કરીને કામરેજ ચાર રસ્તાથી આગળ અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં જેસિંગભાઈને માર મારી રૂપિયાના માંગણી કરી હતી.
રૂપિયા આપવાની ના પાડતા જેસિંગભાઈનો મોબાઈલ ફોન લઈ તેનું લોક બળજબરી ઓપન કરાવ્યું હતું. અને તેમની મેટા ટ્રેડર4 એપ્લિકેશનમાં રહેલા કસ્મરોના ડેટા ચેક કર્યા હતા. અને તેમના મોબાઈલમાંથી બ્રોકર અજય સોનીને મેસેજ કરી અલગ અલગ કસ્ટમરોના એકાઉન્ટમાંથી 29,350 ડોલર એટલે કે 25 લાખ વિડ્રોની રીકવેસ્ટ આપી હતી. અને પીએમ આંગડીયા યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે અલ્પેશના નામે આંગડિયા કરાવ્યા હતા.
દોઢ કરોડના હિસાબને લઈને અપહરણ કરાયું!
અઢી વર્ષ પહેલા પ્રકાશ ઉર્ફે પકાલાલ લંગડા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારે પ્રકાશભાઈને એક ટ્રેડિંગ સોફ્ટવેર બનાવી આપ્યો હતો. અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા તેમને સારો એવો નફો કમાવી આપ્યો હતો. જેસિંગભાઈનું અપહરણ કરનારાઓએ તેમની પાસે દોઢ કરોડની માંગણી કરી હતી. આ દોઢ કરોડ પ્રકાશભાઈને આપવાના હતા તે અમને આપી દે તેમ કહ્યું હતું. પરંતુ જેસિંગભાઈએ આ હિસાબ અઢી વર્ષ પહેલા પુરો કરી દીધો હોવાનું કહ્યું હતું.