અત્યારે દરેકનું સ્ટારડમ હોલ્ટ પર છે. નિર્માતાઓ ખૂબ ઉત્સાહમાં આવી નવી ફિલ્મો શરૂ નથી કરતા. ફિલ્મોના મુહુર્ત સ્પેશિયલ બ્રાહ્મણો અત્યારે બહુ દોડાદોડમાં નથી. ડિસ્ટ્રીબ્યુટરો દરેક નવી ફિલ્મને શંકાથી જોઇ રહ્યા છે. આ સંજોગોમાં કોઇ પોતાને સ્ટાર માને તો ભુલ છે. ઘસાયેલા એટીએમ કાર્ડથી કેશ નીકળતી નથી. આવા સંજોગોમાં દરેકના ચહેરા પર ચિંતાની લકીર છે. કિયારા અડવાણી પર બધા ઘણા ખુશ હતા પણ અત્યારે તેની પાસેની ફિલ્મો ગણો તો રોકડી ત્રણ છે ને તેમાંની ‘રામચરણ ૧૫’ તો સાઉથની છે.
પરંતુ કિયારા સમજુ બની ગઇ છે. ફિલ્મ રજૂ થાય ત્યારે ચર્ચા શરૂ થાય તેવી રાહ જોવી તેને પોષાય તેમ નથી એટલે ટવિટર, ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બને છે. કયારેક સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધ વિશે બોલે તો પણ ચર્ચામાં આવે છે. એક સ્ટાર તરીકે તેનામાં જે આત્મવિશ્વાસ છે તે જબરદસ્ત છે. હમણાં કોફી વિથ કરનમાં તેણે પોતાના સંભવિત લગ્નની વાત કરી પણ સિધ્ધાર્થ સાથેના સંબંધ તે જાહેરમાં સ્વીકારતી નથી.
મતલબ તે બંધ પાનાથી બાજી રમે છે. સિધ્ધાર્થ તેના માટે ખાસ છે એવું જરૂર લાગે છે પણ તે વાત તે અંગત બનાવીને જાળવે છે. સિધ્ધાર્થ હમણાં ‘લાલબાગ ચા રાજા’ના દર્શને ગયો હતો ત્યારે પબ્લિકે પૂછેલું કે, ‘કિયારા કયાં છે?’ સિધ્ધાર્થ સાથે તેની મમ્મી પણ હતી એટલે વધારે નહીં બોલ્યો પણ એટલું કહ્યું કે ‘તે પણ આવશે.’ કિયારા આમ ખુશમિજાજ સ્વભાવની છે અને પોતાની કારકિર્દીથી ખુશ છે. હમણાં બધાને જ ઓછી ફિલ્મો મળે છે એટલે ફરિયાદ નથી કરતી. ‘કબીરસીંઘ’, ‘ગુડ ન્યૂઝ’, ‘શેરશાહ’ અને ‘ભુલભુલૈયા-2’ થી તેણે પોતાનો એક ચાહક વર્ગ ઊભો કરી લીધો છે. •