એક નાનકડો ૧૨ વર્ષનો છોકરો એક બંગલા પાસે દરવાજો ખખડાવી રહ્યો હતો. બંગલામાંથી શેઠાણી બહાર આવ્યાં. છોકરાએ આજીજી કરી,”આંટી ,કોઈ કામ હોય તો આપો ને.”શેઠાણીએ ના પાડી.છોકરાએ ફરી વિનંતી કરી,‘આંટી,તમારા બંગલાનું ગાર્ડન સાફ કરી દઉં? બે દિવસથી કંઈ ખાધું નથી. કોઈ કામ આપો ને.’શેઠાણીને દયા આવી. કહ્યું ,”ચલ તને ખાવાનું આપું .”ખુદ્દાર છોકરાએ ના પાડતાં કહ્યું,”ના, પહેલાં મને કામ આપો અને તે કામના પૈસા નહિ આપતાં મજૂરીના બદલે ખાવાનું આપજો.હું આ ગાર્ડન સાફ કરી દઉં.” શેઠાણીએ હા પાડી.
છોકરાએ એક કલાક દિલ દઈને ગાર્ડનની સાફ સફાઈ કરી.બધા સૂકા પાંદડાં સાફ કર્યાં.બધા કુંડા એક લાઈનમાં ગોઠવ્યા.ઘાસ બરાબર કાપીને સમથળ કર્યું. શેઠાણી પણ ગાર્ડનની સાફ સફાઈ જોઇને ખુશ થઇ ગયાં. શેઠાણી અંદર ગયાં અને રોટલી શાક લઈને બહાર આવ્યાં અને છોકરાને ખાવાનું આપ્યું.સાથે સાથે મજૂરી રૂપે સો રૂપિયા આપ્યા.તો પેલા છોકરાએ પૈસા લેવાની ના પાડી અને કહ્યું,”ના, આંટી માત્ર ખાવાનું જ આપો. પૈસા હું નહિ લઉં.” શેઠાણીએ બહુ આગ્રહ કર્યો છતાં છોકરાએ પૈસા ન જ લીધા અને ખાવાનું પણ ખાધું નહિ અને રોટલી શાક હાથમાં લઇ ઊભો થઇ જવા લાગ્યો.શેઠાણીએ કહ્યું,”રોટલી શાક તો ખાઈ લે.જોઈએ તો વધારે આપું.”
છોકરાએ ધીમે અઆજે કહ્યું, ‘ના,ઘરે મારી મા બિમાર છે અને તેણે કંઈ ખાઈને જ દવા લેવાની છે એટલે તેની પાસે જઈને પહેલાં તેને રોટલી ખવડાવીશ પછી જે બચશે તે હું ખાઈ લઈશ.”છોકરાની ખુદ્દારી અને તેની સાચી વાત સાંભળી શેઠાણીનું હૃદય રડી ઊઠ્યું.તેઓ અંદર ગયા અને સાથે જમવાનું ભરી ટીફીન લઈને બહાર આવ્યાં અને છોકરાને કહ્યું,”ચાલ,મારી જોડે ગાડીમાં બેસી જા.તારા ઘરે જઈને તારી મા ને જમાડીએ.”છોકરો ગાડીમાં બેઠો.
તેના ઘરે જઈ શેઠાણીએ છોકરાની મા ને પ્રેમથી નમસ્કાર કર્યા.પહેલાં છોકરાએ મા ને જમાડી અને દવા આપી.અને પછી શેઠાણીનો ખૂબ ખૂબ આભાર માન્યો.શેઠાણીએ છોકરાની મા ને કહ્યું,”તમે નસીબદાર છો કે તમારો દીકરો આટલો સંસ્કારી અને ખુદ્દાર છે અને તમે એને આવા સંસ્કાર આપ્યા છે એટલે તમે વંદનીય છો.” પછી છોકરાને કહ્યું કાલે બંગલા પર આવી જજે. હું તને શાળામાં દાખલ કરીશ અને બાકીના સમયમાં તું મારા ઘરે કામ કરજે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.