ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકાના પાણીખડક ગામના પટેલ ફળીયા, ટોપલ ફળીયા અને કનતોલ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેરગામ-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ (Women) સહિત આગેવાનોની ઉપસ્થિતમાં પાણી (Water) યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગામની મહિલાઓ અને આગેવાનો પણ જોડાયા હતા. ગામની મહિલાઓએ ખાલી બેડા સાથે યાત્રામાં પ્રદર્શન કર્યુ હતું.
ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ગંભીર સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે ખેરગામ તાલુકાના ગામો સરકારની વાસમો યોજનામાં આવરી લેવામાં આવેલા છે. પરંતુ ઘણા સમયથી યોજના મંજુર થવા છતાં લોકોને પાણી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. પાણીખડક ગામના ટોપલ ફળીયા, કાંતોલ ફળીયા અને પટેલ ફળિયામાં પાણીની સમસ્યા હોય મહિલાઓએ સ્ટેટ હાઇવે ઓળંગીને માથે બેળા લઈ પાણી ખાનગી બોર ઉપર પાણી ભરવા જવું પડે છે. આ સ્થિતિ વચ્ચે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાણીખડક ગામે પાણીયાત્રા ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી. જેમાં ગામની મહિલાઓ અને આગેવાનો પણ જોડાયા હતા. ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય રાજેશ પટેલ, સુભાષ પટેલ, પુરવ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય વિભાબેન દેસાઈ સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણી મેળવવું મુશ્કેલ : અનંત પટેલ
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે પાણીખડકના ત્રણ ફળિયામાં પાણીની સમસ્યાના કારણે લોકો ઘણા સમયથી પરેશાન છે, પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણી મેળવવું લોકો માટે મુશ્કેલ બને છે, આવી સ્થિતિ વચ્ચે મહિલાઓએ ખાનગી બોર સુધી માથે બેળા લઈ પાણી લેવા જવું પડે છે, અહીં તાત્કાલિક બોર થાય તો પાણીની સમસ્યા ઉકેલાય શકે છે, જેના માટે આજે ગ્રામજનો સાથે પાણીયાત્રા યોજવામાં આવી હતી.
લોકો મજૂરી કરે કે પાણી ભરવા જાય : વિભાબેન દેસાઈ
પાણીખડક ગામના મહિલા આગેવાન વિભાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ટોપલ ફળીયા, કન્ટોલ ફળીયા અને પટેલ ફળિયામાં પાણી માટે ઘણી મુશ્કેલી લોકોએ વેઠવી પડે છે. લોકો મજૂરી કરે કે પાણી ભરે, આવી સ્થિતિ વચ્ચે રસ્તો ઓળંગી મહિલાઓ પાણી ભરવા જાય છે, જ્યાં રસ્તા ઉપર વાહનોની અવાર જવર હોય અકસ્માતનો પણ ભય રહે છે.