ખેરગામ: (Khergam) ખેરગામમાં રહેતા એક વેપારીની માત્ર 14 વર્ષની પુત્રીને લાલુ તરીકેની ઓળખ આપી વિધર્મી યુવાને પહેલાં ફ્રેન્ડશીપ કરી હતી. બાદમાં મોબાઇલ નંબરની આપ-લે કરતાં છેલ્લા થોડા મહિનાથી પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ ઇન્સ્ટાગ્રામ (Instagram) આઇડી ઉપર મેસેજ કરનાર યુવાન વિધર્મી હોવાની પોલ ખૂલી જતાં કિશોરીએ પ્રેમસંબંધ (Love Affair) રાખવા ઇન્કાર કરી દીધો હતો. આથી વિધર્મીએ કિશોરીના ઘર નજીક જ આવીને ચપ્પુથી ડરાવી પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી હતી. વાત અહીંથી નહીં અટકતાં કિશોરીનાં માતાપિતાની ગેરહાજરીમાં જ તેના જ ઘરમાં ઘૂસી બળાત્કાર (Rape) ગુજારતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો છે.
- ઓનલાઇન શિક્ષણ બન્યું જોખમી, માતાપિતા માટે ચેતવા જેવો કિસ્સો
- હુસેન મનોહર વહોરાએ લાલુ નામ હોવાનું કહી મિત્રતા કેળવી, પરંતુ ઇન્સ્ટાગ્રામ આઇડીમાં પોલ ખૂલી ગઈ
- મુસ્લિમ હોવાની જાણ થતાં કિશોરીએ સંબંધ તોડી નાંખ્યા, તો ચપ્પુ બતાવીને ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરી
કોરોના કાળને કારણે બાળકોનું ભણતર બગડે નહીં એ માટે સરકાર દ્વારા ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ કરાયો હતો, પરંતુ એનાં જોખમી પરિણામો પણ સામે આવી રહ્યાં છે. જે માતાપિતા માટે જોખમી પૂરવાર થઈ શકે છે. આવો જ એક કિસ્સો ખેરગામ તાલુકામાં પ્રકાશમાં આવ્યો હતો. ખેરગામમાં એક પરપ્રાંતિય પરિવાર 17 વર્ષથી રહી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી આ પરિવારની ધો.8માં ભણતી 14 વર્ષની પુત્રી મોબાઇલ ઉપર ઓનલાઇન અભ્યાસ કરતી હતી. દરમિયાન ગત નવરાત્રિના બે દિવસ પહેલાં મોબાઇલ ઉપર ટેક્સ મેસેજ અને ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી હુસેન વોહરાના નામથી ટેક્સ મેસેજ આવતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. આ બાબતે પુત્રીની પૂછપરછ કરતાં તેણે ડરના માર્યા જણાવ્યું હતું કે, ગત તા.20-1-2021ના રોજ ગેરેજ પાસે મારી એની સાથે મુલાકાત થઈ હતી. એ વેળા તેણે પોતાનું નામ લાલુ હોવાનું કહી મારી સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ પછી ફોન નંબરની આપ-લે કરતાં પ્રેમસંબંધ બંધાયો હતો. બાદ કિશોરીના ઇન્સ્ટાગ્રામની આઇડી માંગતા કિશોરીએ નંબર આપતાં તેણે મેસેજ કર્યો હતો, પરંતુ મેસેજ કરતાં આઇ. એમ. હુસેન વોહરા નામ હોવાનું જણાતાં કિશોરીએ કહ્યું હતું કે, તું મુસ્લિમ છે, એટલે તારી સાથે હું પ્રેમસંબંધ નહીં રાખી શકું. આથી હુસેન મનોહર વહોરા (રહે.પટેલ ફળિયા, હાર્ડવેરની ગલીમાં, ખેરગામ)ની પોલ ખુલ્લી પડી જતાં તેણે ચપ્પુ કાઢી કિશોરી અને તેના પરિવારની હત્યા કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ પ્રેમસંબંધ જારી રાખ્યો હતો. એ બાદ હુસેન મનોહર વોહરાએ કિશોરીનાં માતાપિતાની ગેરહાજરીમાં તેના જ ઘરમાં મહિનામાં 4 થી 5 વખત આવીને બળાત્કાર ગુજાર્યો હતો. દીકરીની વાત સાંભળીને જ પરિવારના પગ તળેથી જાણે ધરતી ખસી ગઈ હતી. આબરૂ જવાના ડરથી પહેલાં તો પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી.
હું ચપ્પુ વડે બધાને મારી નાંખીશ
પરિવારે પુત્રી પાસેથી ફોન લઈ પુત્રીને બહાર એકલી જવા દેતો ન હતો. ત્યારબાદ તા.20-11-2021ના રોજ પરિવાર બહાર ફરવા જવાનો હતો એ દિવસે જ હુસેન વોહરા વેપારીની દુકાન પાસે આંટાફેરા મારતાં પુત્રી પાસે વેપારીએ ફોન કરાવ્યો હતો. હુસેન વોહરાને કહ્યું હતું કે, તું આંટાફેરા મારવાનું બંધ કરી દે. આજથી આપણો સંબંધ ભાઈ-બહેનનો જ રહેશે. આથી સાંજના પાંચ વાગ્યાના અરસામાં હુસેન વોહરા ઘરમાં ચપ્પુ લઈ ધસી આવ્યો હતો. પરિવારને ધમકી આપી કહ્યું હતું કે, તે મારી છે અને મારી જ રહેશે. હું એની સાથે લગ્ન કરવાનો છું. જો તેમ નહીં થાય તો હું ચપ્પુ વડે બધાને મારી નાંખીશ. બાદ આ પરિવાર બહારથી ફરીને તા.26 નવેમ્બરે પાછો ફર્યો હતો. એ પછી પણ ધમકી આપવાનું ચાલુ રાખતાં ખેરગામ પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ હુસેન વોહરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બીલીમોરાના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.પટણીએ વધુ તપાસ હાથ ધરી છે.