ખેરગામ: (Khergam) ખેરગામ એપીએમસી (APMC) માર્કેટયાર્ડમાં આસપાસના ખેડૂતો (Farmers) દ્વારા વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓ ચીખલીના સોલધરા ગામના ખેડૂત પાસેથી કેસર કેરીની ખરીદી કરી સુરત મોકલી આપે છે. ધર્મેશ પટેલ દ્વારા ચાલુ વર્ષે આંબાવાડીઓમાં મોરખીયા બાદ તેની સતત દેખરેખ જાળવણી તેમજ સમયસર જંતુનાશક દવાનો છટકાવ ખાતર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં આવતા તેમની આંબાવાડીમાં સૌથી સારી કેરીનો (Mango) પાક આંબાવાડીમાં જોવા મળ્યો છે.
- ખેરગામ એપીએમસી માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ
- એક નંબર કેસર કેરીના 20 કિલોના 2200 અને બે નંબરના 1600થી 1800
જેમાં કેસર, આફૂસ, લંગડો, દશેરી, આમ્રપાલી, વનરાજ, તોતાપુરી સહિતની કેરીનો પાક તૈયાર થઇ ગયો છે. તેઓ વર્ષોથી આંબાવાડી યુપીના વેપારી તૌફિકભાઈ કે ખાલીદભાઈને આપે છે. આ વાડીમાંથી તેઓ કેરી ઉતારી ધરમપુર, ખેરગામ, ચીખલી કે પીપલગભાણ કેરી માર્કેટમાં વેચાણ માટે લઈ જાય છે. ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો થવા સાથે સીઝન પણ દર વર્ષની સરખામણીએ એક માસ કરતા વધુ પાછળ ચાલી રહી છે. હજુ પણ ખાવાલાયક કેરી માર્કેટમાં આવતા ૧૦ થી ૧૫ દિવસ જેટલો સમય લાગે એમ છે. તેવા સમયે ધર્મેશ પટેલની વાડીમાંથી સોમવારે ૬૦ મણ જેટલી કેસર કેરી આંબા ઉપરથી ઉતારી ખેરગામ એપીએમસી માર્કેટ યાર્ડના વેપારી જાવેદભાઈને આપી હતી. જેમાં એક નંબર કેસર કેરી પ્રતિ 20 કિલોના 2200 રૂપિયા અને બે નંબર કેસર કેરી 1600 થી 1800 રૂપિયાના ભાવે સિધીજ વાડીમાંથી ખરીદી કરી ટેમ્પોમાં સુરત ભરાવી આપી હતી.
રાજાપુરી, લંગડો, દશેરીના ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા
આંબાવાડી રાખનાર યુપીના તૌફીકભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આંબાવાડીમાં કેરીનો પાક ઓછો ઉતરતાં સાથે દર વર્ષની સરખામણીએ કેરીની સીઝન ૩૦થી ૪૦ દિવસ મોડી શરૂઆત થઈ છે. ચાલુ વર્ષે કેરી ઓછી હોવાથી કેસર, આફૂસ કેરી સિઝનનો સરેરાશ હજાર રૂપિયાથી વધુ રહેવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત રાજાપુરી, લંગડો, દશેરી ૮૦૦થી ૧૦૦૦ રૂપિયાના ભાવે વેચાય છે.
ચાલુ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો પાક ખૂબ જ ઓછો
ખેરગામ એપીએમસી માર્કેટ શબયાર્ડના વેપારી જાવેદભાઈએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો પાક ખૂબ જ ઓછો છે આંબાવાડી રાખતા વેપારીઓ પાસેથી કેરી ખરીદી આંબાવાડીમાંથી જ સીધી મુંબઈ, સુરત મોકલવામાં આવી રહી છે. એપીએમસી માર્કેટમાં કેસર, હાફૂસ, લંગડો, દશેરી સહિતની કેરી આવતા હજુ દસથી પંદર દિવસ લાગશે.