ખેરગામ: (Khergam) ખેરગામ સહિત તાલુકાના વિસ્તારોમાં નવા વર્ષના આગમનની સાથે જ ફૂલ ગુલાબી ઠંડીની (Cold) શરૂઆત થઈ ચૂકી છે. બુધવાર અને ગુરુવારના રોજ વહેલી સવારે ખેરગામ સહિત સમગ્ર પથકમાં હિલ સ્ટેશન (Hill Station) જેવો માહોલ જોવા મળ્યો હતો.
- ખેરગામ તાલુકામાં ધુમ્મસની ચાદર છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ
- ઠંડી જામી પરંતુ ખેડૂતોને ચિંતા પેંઠી, ધુમ્મસ વધુ દિવસો ચાલુ રહે તો ઉભા પાકને નુક્સાનની ભીતિ
વહેલી સવારે નોકરી ધંધા અર્થે સ્કૂલ-કોલેજ જતા વાહનચાલકોને પણ વધારે દૂર સુધી જોવામાં તકલીફ પડતી હોવાના કારણે હેડલાઇટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. બુધવારે વહેલી સવારે એકાએક વાદળછાયા વાતવરણ અને ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સવારે ઠંડીનો માહોલ જામ્યો હતો. બુધવાર અને ગુરુવાર બંને દિવસે લગભગ દસ વાગ્યા સુધી ધુમમ્સની ચાદર છવાયેલી રહી હતી.
ધુમસીયા વાતાવરણને લઈ શાકભાજી પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં પણ ચિંતા દેખાઈ રહી છે, કારણ કે હાલમાં ખેતરોમાં મરચી સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવેલ હોવાથી પાકમાં ધુમ્મસના કારણે ફૂગ અને જીવાત પડવાની શક્યતા ખેડૂતો દર્શાવી રહ્યા છે. ખેરગામ વિભાગના ખેતી તજજ્ઞ ધર્મેશભાઈ લાડે જણાવ્યું કે બે દિવસથી ધૂમ્મસ પડી રહ્યું છે એનાથી પાકને કોઈ અસર થઈ શકે એમ નથી. પરંતુ હજુ પણ આગામી દિવસોમાં ધૂમ્મસીયું વાતાવરણ ચાલુ રહેશે તો પાકમાં ફૂગ અને જીવાત પડવાની શક્યતા રહેલી છે. જ્યારે કેરીના પાકમાં અગાઉનું ફ્લાવરિંગ હોય એમાં અસર થઈ શકે, પરંતુ અગાઉનું ફ્લાવરિંગ ખૂબ ઓછું જોવા મળ્યું છે.