ખેરગામ : ખેરગામ (Khergam) તાલુકાના આછવણી કોલ ફળીયા ખાતે રહેતા હિતેશ જગદીશ પટેલ દિવાળીનો તહેવાર(Diwali Festival) હોય ત્યારે પત્ની ટીંકલબેન પટેલ અને પુત્ર આરવ સાથે રાનવેરી ખૂર્દ મામાને ત્યાં દિવાળી કરવા માટે પોતાની મોપેડ (Moped) લઈને રવિવારના રોજ નીકળ્યા હતા. દરમ્યાન ધોલાર ડુંગરી ફળીયા સર્વિસ સ્ટેશન પાસે રાનકુવા જતા જાહેર રોડ ઉપર સામેથી આવી રહેલા એક ટેમ્પોના (Tempo) ચાલકે ટેમ્પો રોંગ સાઇડે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડને અડફેટે લેતા હિતેશ પટેલને જમણા હાથના ખભાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
ટેમ્પા ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો
પત્ની ટીંકલબેનને જમણા હાથના બાવડા ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે એક વર્ષીય માસૂમ દીકરો આરવને માથામાં મૂઢમાર તથા શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્માત કરી ટેમ્પા ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ હિતેશ પટેલે કરતા પોલીસે ટેમ્પાના અજાણ્યા ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જે.વી.ચાવડા કરી રહ્યા છે.
વેસ્મા ગામ પાસે ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા સાસુનું મોત, વહુને ઈજા
નવસારી : નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર વેસ્મા ગામ પાસે આઈસર ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા સાસુનું મોત નીપજ્યું હતું. જ્યારે વહુને ઈજાઓ થઇ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. ચીખલીના બોડવાંક ગામે દાદરા ફળીયામાં અને હાલ સુરત પર્વતગામ દેવધ રોડ સ્કાયવ્યુ હાઇટ્સની સામે શ્રી સદાશિવ ગુરૂકૃપા સોસાયટીમાં પલ્લવીબેન જીતેન્દ્રભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૨૩મીએ પલ્લવીબેન તેમની મોપેડ લઈને સુરતથી સાસુ ભાનુબેન સાથે ચીખલી તાલુકાના ચિતાલી ગામે રહેતા મામાજી સંદિપભાઈ જગુભાઈ પટેલના ઘરે જવા માટે નીકળ્યા હતા.
માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
દરમિયાન નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર વેસ્મા ગામ પાસે દાંડી ગરનાળા લીબર્ટી હોટલ સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા આઈસર ટેમ્પોના ચાલક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ રહેતા મોહમદ ફારૂક હબીબુલ્લાહ ખાને પલ્લવીબેનની મોપેડને ટક્કર મારતા પલ્લવીબેન અને સાસુ ભાનુબેન રસ્તા પર પટકાયા હતા. જેના કારણે ભાનુબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પલ્લવીબેનને શરીરે ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે પલ્લવીબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટેમ્પા ચાલક મોહમદ ફારૂક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.