Gujarat

દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે રાજ્યની ભાજપ સરકારનું ઓરમાયું વર્તન : મોઢવાડિયા

ભારતને અંધજન ઓડીઆઈ વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે, તેવું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

અર્જૂન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકરે વર્ષ 2018માં ભારતને અંધજન વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત આ ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધાઓમાં પોતાનું શાનદાર યોગદાન આપી દેશનું ગૌરવ વધારી ચુક્યા છે. આ માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો.

તેમને આશા હતી કે વર્લ્ડ કપ જીત્યા બાદ રાજ્ય સરકાર તેને નોકરી આપશે. સરકારે ત્યારે તેમની સાથે ફોટા પડાવી સિદ્ધીને બિરદાવવાની સાથે નોકરીની ખાતરી પણ આપી હતી. પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા છતાં આ ખેલાડીઓને નોકરી મળી છે, કે સરકારે આટલા સમયમાં તેમની તકલીફો જાણવાની પણ તસ્દી લીધી છે. એટલે આંખમાં આશું અને નિરાશા સાથે તેઓ મજુરીકામ કરવા મજબુર બન્યા છે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ત્રણેય ખેલાડીઓને નોકરી માટે વિધાનસભામાં રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શૂન્ય
મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ (વાંસદા, નવસારી)એ આ ત્રણેય ખેલાડીઓને નોકરી અને આર્થિક સહાય આપવા માટે વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી. પરંતુ નઘરોળ ભાજપ સરકાર ભાજપના જ ધારાસભ્યોની જનતાલક્ષી રજૂઆત સાંભાળતી નથી, તો પછી અમારા ધારાસભ્યોની રજૂઆત ક્યાંથી સાંભળે? જો કે કોંગ્રેસ પાર્ટી આ ખેલાડીઓને ન્યાય મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખશે. ભાજપ સરકારે ગુજરાતના ગૌરવ સમાન ખેલાડીઓને સન્માન અને સહાય આપવી જ પડશે

Most Popular

To Top