Madhya Gujarat

ખેડાના ભાઠા વિસ્તારમાં 50 વર્ષ બાદ બની રહેલાં રસ્તાની કામગીરી અધૂરી છોડી દેવાઈ

ખેડા, ખેડા નગરપાલિકાના ઓરમાયા વર્તનના ભોગ બનેલ વોર્ડ નંબર 1 ના ભાઠા વિસ્તારમાં છેલ્લાં 50 વર્ષોથી રોડ-રસ્તાના અભાવે પ્રજા ભારે હાડમારી વેઠી રહ્યું છે. આ મામલે સ્થાનિકોની વારંવાર રજુઆતો બાદ તંત્ર દ્વારા ભાઠા વિસ્તારના અમુક રોડ મંજુર કર્યાં છે. જે અંતર્ગત ભાઠા વિસ્તારના મહેરૂપુરામાં ગરનાળાનું કામ અને રોડનું કામ હાલમાં જ મંજુર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગરનાળાનું કામ ચાલુ પણ થઈ ગયું હતું. જોકે, ત્રણેક મહિના બાદ આ કામ એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


આ મામલે સ્થાનિકો જણાવે છે કે, ચોમાસા ટાણે અમારા વિસ્તારને જોડતાં માર્ગો પર કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. જેને પગલે આ વિસ્તારના બાળકો શાળા-કોલેજ જઈ શકતાં ન હતાં અને બિમાર દર્દીઓને દવાખાનામાં લઇ જવામાં પણ ખુબ જ તકલીફ પડી રહી હતી. જેથી અમે આ અંગે તંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી હતી. અમારી વારંવારની રજુઆતને કારણે રોડ મંજુર થઈ જતા અમે સૌ ખુશ હતાં. જોકે, ચોમાસાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ આ કામ અધુરૂ છોડી દેવાતાં અમારી ચિંતામાં વધારો થયો છે.

ચોમાસા પહેલાં જો ગરનાળા અને રોડ નું કામ પૂર્ણ નહિ થાય તો અમારા બાળકોનો ફરી અભ્યાસ બગડશે અને સાથે-સાથે અન્ય મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે. વરસાદ અને વરસાદી પાણીના કારણે અધૂરું નાળુ તૂટી જવાની પણ દહેશત છે. ત્યારે, આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અધૂરૂ છોડવામાં આવેલું રોડ અને ગરનાળાનું કામ વહેલીતકે ચાલું કરી, ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ છે. ખેડા એક સમયે જિલ્લા કક્ષાનું કેન્દ્ર હતું. જેના પગલે તે એક હજાર ગામડાંનું પ્રતિનિધિત્વ કરતું હતું. પરંતુ સ્થાનિક રાજકીય નેતાઓની અણઆવડત અને કોઠા સુઝના અભાવે વિકાસ રુંધાયો છે.

Most Popular

To Top