SURAT

ખટોદરા પોલીસે મધરાતે બંગલામાં ધૂસી પરિવારને ઉઠાડીને મકાન માલિક જ ચોર હોય તેમ ખખડાવ્યા

સુરત : ભટાર જોગર્સ પાર્કની સામે આવેલા એક બંગલામાં ગઈકાલે રાત્રે 3 વાગે ખટોદરા પોલીસની ટીમ ચોર ઘૂસી ગયા હોય તેવી આશંકાએ અંદર ધસી આવી હતી. બંગલાની નીચે આવેલી ઓફિસમાં ખણખોદ કરી બાદમાં મકાન માલિકને બોલાવી ગમે તેમ ખખડાવ્યા હતા. મકાનમાલિક તો આટલી બધી પોલીસને જોઈને પહેલાં તો રીતસર ડઘાઈ ગયા હતા. કમિશનર અજય તોમર પોલીસને લોકો સાથે સારૂં વર્તન કરવાનુ કહી રહ્યાં છે. ત્યારે ખટોદરા પોલીસે આ વખતે ફરીથી મકાન માલિકના ઘરમાં ઘૂસીને એલફેલ વર્તન કર્યું હોવાની ગંભીર ફરિયાદ થઇ છે.

  • બંગલાની નીચે આવેલી ઓફિસમાં ખાના ખોલીને ચેક કર્યા, પોલીસને ચોર ધૂસ્યો હોવાની શંકા હતી તો શું ચોર ખાનામાં ધૂસી ગયો હતો!
  • મકાનમાં ઘૂસીને માલિકને ખખડાવાની ઘટનામાં પોલીસના મનસ્વી વર્તન સામે રોષ

ભટાર વિસ્તારમાં જોગર્સ પાર્ક પાસે આવેલી રાજરાજેશ્વર સોસાયટીની બાજુમાં પિતૃછાયા બંગલો આવેલો છે. આ બંગલામાં રાત્રે 3 વાગે એક મહિલા એએસઆઈ સહિત 6 જેટલા પોલીસકર્મીઓ ઘુસી આવ્યા હતા. બંગલાનો બહારનો ગેટ ખુલ્લો હતો. તે જોઈને પોલીસને ચોર ઘુસ્યાની આશંકા ગઈ હતી. તેઓએ અંદર આવીને બંગલામાં નીચે રહેલી ઓફિસમાં ડ્રોઅર ખોલીને ચેકિંગ કર્યું હતું. અને બાદમાં બંગલાની નીચે ખણખોદ કરીને મકાન માલિકને નીચે બોલાવ્યા હતા. મકાન માલિકને તેમની મોપેડની ચાવી કેમ અંદર જ રાખેલી છે તેમ કહીને ખખડાવ્યા હતા.

આ મામલે તમામ આક્ષેપો ખોટો છે
‘ગુજરાતમિત્ર’ એ આ બાબતે પીઆઇ આર.કે. ધુલિયાને પૂછતા તેઓએ જણાવ્યું કે યુનિવર્સિટી વિસ્તાર નિર્જન છે. તેમાં એક મકાનનો દરવાજો ખુલ્લો હતો. તેથી પોલીસે ટકોર કરી હતી. આ મામલે તમામ આક્ષેપો ખોટા છે. શહેરમાં પોલીસ કમિશનર એક બાજુ સ્ટાફને પ્રજા સાથેનું વર્તન સારૂ રાખવા માટે કહી કહીને થાકી રહ્યાં છે. ત્યાં બીજી બાજુ તેમની પોલીસને લોકોને રંજાડવામાં જ રસ હોય તેવું લાગે છે. ખાખી લોકોની સુરક્ષા માટે હોય છે. ખાખીને જોઈને લોકો નિર્ભય થઈને હિંમત અનુભવતા હોય છે. પરંતુ જ્યારે ખાખી જ લોકો માટે ડર બની જાય તો સમાજમાં તેનો ખોટો દાખલો બેસી શકે છે.

પોલીસે મધરાતે ઘરમાં આવીને જાણે હું પોતે ચોર હોઉ તેવું વર્તન કર્યું હતું
મકાન માલિક રાજદિપભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે પોલીસે દરવાજો ખખડાવ્યો હતો. મારી માતા ગભરાઈ જતા તેમણે કોણ પુછ્યું તો પોલીસ એવો અવાજ સંભળાયો. તેઓ મને બોલાવવા માટે ઉપર આવ્યા હતા. મેં મારા રૂમના ટેરેસ પરથી કોણ છે તેમ પુછ્યું તો પોલીસ છીએ નીચે આવો તેમ કહ્યું હતું. નીચે આવતા સાતેક પોલીસ કર્મીઓ ઉભા હતા. તેમણે પહેલા તો દરવાજો ખખડાવ્યા. બીજા દિવસે સીસીટીવી ચેક કર્યા તો રાત્રે 2:37 પોલીસ અંદર આવે છે. અને ઓફિસમાં બધા ડ્રોઅર ખોલીને ચેક કરતા હતા. બાદમાં પાર્કિંગમાં અને નીચેના રૂમમાં ખણખોદ કરી હતી. બાદમાં દરવાજો ખખડાવ્યો હતો. અને છેલ્લે 3:20 વાગે પોલીસ પરત થઈ હતી. આ દરમિયાન પોલીસે મારા જ ઘરમાં જાણે હું પોતે ચોર હોઉ તે રીતે વર્તન કર્યું હતું.

આવી કોઈ બાબત ધ્યાને આવશે તો તપાસ કરાવીશું
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત મારા ધ્યાને આવી નથી. અને જો મને કોઈ રજુઆત કરશે કે મારા સુધી આવી કોઈ વાત આવશે તો તપાસ કરાવીશ અને તપાસ કરાવી શક્ય તે કાર્યવાહી કરીશું.

Most Popular

To Top