લુણાવાડા : લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ બનાવી ખાનપુરના આસીસ્ટન્ટ ટીડીઓએ રાજકોટના સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીથી શિક્ષણ ઉપકર અને જમીન મહેસુલ રોજમેળના રજીસ્ટર મેળવતા ચકચાર મચી ગઈ હતી. આ કારનામા પાછળ મસમોટુ કૌભાંડ હોવાની શંકા ઉઠી છે. હાલ આ અંગે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે પારસ અશોકભાઈ ચૌહાણને 20મી ઓક્ટોબર,2022ના રોજ નિમણૂંક કરવામાં આવી હતી. દરમિયાનમાં તેમના ધ્યાન પર આવ્યું હતું કે, 7મી જાન્યુઆરી, 2023ના રોજ રાજકોટ સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીમાંથી ડી.એ. પટેલ નામના વ્યક્તિએ શિક્ષણ ઉપકરણ અને જમીન મહેસુલના રોજમેળ લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીના નામે લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં ડી.એ. પટેલ નામનો કોઇ કર્મચારી લુણાવાટા ટીડીઓ ઓફિસમાં ફરજ બજાવતો નહતો. આથી, તપાસ કરતાં ડી.એ. પટેલની લુણાવાડાની કચેરીમાંથી બદલી થઇ ગઇ છે અને હાલમાં તાલુકા પંચાયત કચેરી ખાનપુરમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે.
આ શખ્સે તાલુકા વિકાસ અધિકારી લુણાવાડાના હોદ્દા ઉપર ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી ઓથોરીટી લેટર બનાવ્યો હતો. જેમાં દિનેશ અંબાલાલ પટેલ દ્વારા 7મી જાન્યુઆરી, 2023ના રોજ સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી કચેરી રાજકોટ ખાતે રજુ કરવામાં આવ્યો હતો. જેના આધારે શિક્ષણ ઉપકર રોજમેળ તથા જમીન મહેસુલ રોજમેળની ડીલીવરી મેળવી હતી. આ રોજમેળ જામગીરી ખૂબ જ કિંમતી છે અને તેમાંથી તાલુકાની ગ્રામ પંચાયત કચેરી દ્વારા શિક્ષણ ઉપકર તથા જમીન મહેસુલ ઉઘરાવવામાં આવે છે, તેની પહોંચ છે. તેથી આ પહોંચ બુક એક કિંમતી જામગીરી છે.
લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે તપાસ શરૂ કરતાં ઓથોરીટી લેટર જોતા તેમાં દિનેશ અંબાલાલ પટેલની સહી હતી. અક્ષરો પણ તેમનાં હતાં તથા રોજમેળ મેળવ્યાં હોવાનું લખાણ પણ તેઓએ લખી આપ્યું હતું. જેમાં દિનેશ અંબાલાલ પટેલે પોતાનો મોબાઇલ નંબર પણ દર્શાવ્યો છે. દિનેશ અંબાલાલ પટેલ 6ઠ્ઠી અને 7મી જાન્યુઆરીના રોજ ફરજ પર નહતાં. કારણ કે તેઓને 8મી ઓક્ટોબર,2022ના રોજ બઢતી સાથે ખાનપુર તાલુકા પંચાયત ખાતે બદલી કરવામાં આવી હતી. તેમને 9મી ઓક્ટોબર, 2022ના રોજ છુટા પણ કરી દેવામાં આવ્યાં હતાં.
તેમનો ચાર્જ તલાટી કમ મંત્રી રમણભાઈ સી. માછીને સોંપવામાં આવ્યો હતો. આમ, દિનેશ પટેલ લુણાવાડા ટીડીઓ ઓફિસમાં કર્મચારી તરીકે હતાં જ નહીં. આમ છતાં રાજકોટની સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી કચેરી ખાતે જઇ રોજમેળ મેળવવા તાલુકા પંચાયત, લુણાવાડાનો હુકમ પણ બનાવ્યો હતો. જમીન મહેસુલ, અછત ટેબલનો ચાર્જ ન હોવા છતાં બિન અધિકૃત ખરીદી ખોટી સહીથી કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેઓએ પંચમહાલ જિલ્લા પંચાયત – ગોધરા કચેરીનું આઈકાર્ડ રજુ કર્યું હતું.
જે બનાવટી હતું. ગેટ પાસમાં પણ કાર નં.જીજે 35 બી 9448 છે. જે ખાનગી માલીકીની છે. જેની કોઇ મંજુરી આપવામાં આવી નહતી. આમ, દિનેશ એ. પટેલે તદ્દન બિનઅધિકૃત રીતે પોતાના બદ ઇરાદાઓ પાર પાડવા માટે હોદ્દાનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી રજીસ્ટર મેળવ્યાં હતાં. આ અંગે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણની ફરિયાદ આધારે લુણાવાડા પોલીસે દિનેશ અંબાલાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.