World

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- બધા મુસ્લિમ દેશોએ સાથે મળી ઈઝરાયેલને જવાબ આપવો જોઈએ

લેબનોને આજે હિઝબુલ્લાહના ચીફ સૈયદ હસન નસરલ્લાહની મોતની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહએ એક નિવેદનમાં કહ્યું કે તેના નેતા નસરલ્લાહ માર્યા ગયા છે. તેણે એવી પણ જાહેરાત કરી કે તે “ગાઝા, પેલેસ્ટાઈન અને લેબનોન અને તેના માનનીય લોકોના સમર્થનમાં” ઈઝરાયેલ સામેની લડાઈ ચાલુ રાખશે. હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ મુસ્લિમોને એક થઈને ઈઝરાયેલ સામે યુદ્ધ લડવા હાકલ કરી છે.

ઈઝરાયેલે આજે દાવો કર્યો છે કે એક દિવસ પહેલા બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હવાઈ હુમલામાં નસરાલ્લાહ માર્યો ગયો હતો. નસરાલ્લાહના મૃત્યુની ઘોષણા બાદ હિઝબુલ્લાહના અલ-મનાર ટીવીએ કુરાની આયતોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું. નસરાલ્લાહે ઇઝરાયેલ સાથેના દાયકાઓથી ચાલેલા સંઘર્ષમાં હિઝબુલ્લાનું નેતૃત્વ કર્યું હતું. તેણે આ પ્રદેશમાં અસરકારક લશ્કરી દળ પણ બનાવ્યું અને તેના લોકોની સંભાળ લીધી. દરમિયાન ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા અવિચાઇ અદ્રાઇએ ટ્વિટર પર એક નિવેદનમાં લખ્યું હતું કે ઇઝરાયેલી દળોએ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના નેતા હસન નસરલ્લાહને ખતમ કરી દીધો.

ખામેનીએ કહ્યું- મુસ્લિમ દેશોએ ઈઝરાયેલ સાથે મળીને લડવું જોઈએ
ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ હસન નસરલ્લાહની હત્યા બાદ તમામ મુસ્લિમોને એક થઈને યુદ્ધ લડવા કહ્યું છે. આ પહેલા ખામેનીને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હસન નસરલ્લાહના મૃત્યુથી અન્ય મુસ્લિમ દેશોમાં પણ હલચલ મચી ગઈ છે. ખામેનીએ મુસ્લિમોને એક થઈને ઈઝરાયેલ સામે યુદ્ધ લડવા માટેના આહ્વાન કર્યા બાદ મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધનો ભય વધી ગયો છે.

ખામેની સલામત સ્થળે શિફ્ટ થયા
ઇઝરાયેલે શુક્રવારે દક્ષિણ બેરૂતમાં હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહને માર્યો હોવાની જાહેરાત કર્યા બાદ ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. આગામી પગલાં નક્કી કરવા માટે ઈરાન લેબનોનના હિઝબુલ્લાહ અને અન્ય પ્રાદેશિક પ્રોક્સી જૂથો સાથે સતત સંપર્કમાં છે. તેહરાન દ્વારા જાણકારી આપવામાં આવેલ બે પ્રાદેશિક અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને કડક સુરક્ષા પગલાં હેઠળ દેશની અંદર સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top