ખંભાત : ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખૂબ જ રસાકસીભર્યો બને તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઘૂરંધર ગણાતા આગેવાનો અને કાર્યકરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી સમક્ષ ખેડૂત વિભાગમાં 21 વેપારી વિભાગમાં 6 અને સહકારી વિભાગમાં 2 એમ કુલ 29 ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા હતા.
ખરાખરીના ચુંટણી જંગમાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી વર્તમાન ચેરમેન સંજયભાઈ પટેલ પ્રેરિત પેનલ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે. જેમાં ભાજપના મેન્ડેટ પર ખેડૂત વિભાગમાં 11, વેપારી વિભાગમાંથી 4, સહકારી વિભાગમાંથી 2, ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂત વિભાગમાંથી 10, તેમજ અપક્ષમાંથી વેપારી વિભાગમાં 2 ઉમેદવારી પત્ર ભરાયા છે.
ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ
સહકારી વિભાગમાંથી અશોકભાઈ છોટાભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલએ ઉમેદવારીપત્ર રજૂ કર્યું છે. જેમાં હરિફ પક્ષ તરફથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી.જેથી ભાજપાના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.