Business

ખમણવિવાદ

વર્તમાન ભારતમાં એટલી નગણ્ય ચીજોને એવા તુચ્છ મુદ્દાને લઈને એટલા મોટા વિવાદ પેદા કરવામાં આવે છે કે મથાળું વાંચીને કોઈને ગેરસમજ થઈ શકે. તેમને એવો વિચાર આવે કે પાછું નવું કંઈ સળગ્યું? કોઈ વેબસિરીઝમાં ખમણ ખાતી હીરોઇનની પાછળ ભગવાનની મૂર્તિ આવી જવાથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હશે? અને વિશ્વભરમાંથી ખમણનો બહિષ્કાર કરવાના કોપી-પેસ્ટ સંદેશા છૂટ્યા હશે? કે પછી વડાપ્રધાને સ્વરોજગારીના વિકલ્પ તરીકે પકોડાને પદભ્રષ્ટ કરીને ખમણને સ્થાપ્યાં હશે? ને એમ થવાથી વડાપ્રધાનના ટીકાકારો ખમણની ખામીઓ ગણાવવા બેસી ગયા હશે? રાજકીય પક્ષપલટાના માહોલમાં ખમણ શું કોઈ સન્નિષ્ઠ કાર્યકરના મનદુઃખનું કારણ બન્યાં હશે? શું તેમને એવું લાગ્યું હશે કે ‘વર્ષોથી જૂના પક્ષમાં રાહ જોવા છતાં, ખમણની સાથે મને કદી ચટણી આપવામાં આવી નહીં.

દરેક વખતે ચટણી મારા સુધી આવે તે પહેલાં જ ખલાસ થઈ જતી હતી. મને લોકોની સેવા બહુ પ્રિય છે અને મને ચટણી પણ બહુ પ્રિય છે. હું ખમણ સાથે ચટણી ખાઉં તો જ લોકોની સેવા ઉત્તમ રીતે કરી શકું. એટલે ચટણી માટે પૂરતી રાહ જોયા પછી મને થયું કે લોકોની સેવા કરવા માટે મારે બીજા પક્ષમાં જવું પડશે. નવી જગ્યાએ મારા માટે ખમણનું પડીકું જ નહીં, ચટણી ભરેલો જગ તૈયાર છે એવું કહેવામાં આવ્યું છે. તો પછી લોકોની સેવા કરવાની આવી તક હું શા માટે જતી કરું?’ ખમણના અને આપણા સારા નસીબે ઉપર લખ્યું છે એવું કંઈ હજુ સુધી તો બન્યું નથી. તેની સાથે સામ્ય ધરાવતી ઘટનાઓ તમારા ધ્યાને આવી હોય તો તે સંપૂર્ણપણે સંયોગવશ હશે અને તેમાં આ લખનારની-વાંચનારી કે ખમણની કે ચટણીની પણ કોઈ જવાબદારી નહીં ગણાય.

ખમણને લગતું કશું અઘટિત થયું નથી, તો પછી વિવાદ શાનો છે? જવાબ છેઃ આપણને ભલે ટેવ પડી ગઈ હોય, પણ બધા વિવાદ રાજકીય સ્વાર્થપ્રેરિત નથી હોતા. કેટલાક વિવાદ સૈદ્ધાંતિક હોય છે. છેલ્લા પંદર-વીસ વર્ષોમાં જન્મેલા લોકોના લાભાર્થે જણાવવાનું કે સિદ્ધાંત એટલે એવી વ્યક્તિગત માન્યતા, જે કશા લાભ કે ગેરલાભની ગણતરી વિના, વ્યક્તિની નૈતિકતામાંથી નીપજી હોય. છાપાંની સીટી પૂર્તિઓ સાથે સંકળાયેલાં સજ્જનો-સન્નારીઓના લાભાર્થે ચોખવટ કે સિદ્ધાંતનું ગુજરાતી આઇડીઅલ થાય છે. તો ખમણને લગતી ચર્ચા કશા દુન્યવી લાભને ગતી નથી, પણ વિશુદ્ધપણે સૈદ્ધાંતિક છે. ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલો સવાલ છેઃ રસાદાર, પાણીપોચાં, નાયલોન ખમણ ઉત્તમ કે વાટી દાળનાં (ટેરી કોટન?) ખમણ ચડિયાતાં?

ખાનપાનમાં જેમને રસ પડતો ન હોય, એવા લોકોને થશે કે આ તે કંઈ મુદ્દો છે? પણ એકાદ ધોરણસરના ખમણપ્રેમીને મળ્યા પછી અને આ મુદ્દે તેમની લાગણીની તીવ્રતા જાણ્યા પછી તમને થશે કે ત્રીજું વિશ્વયુદ્ધ વાટી દાળનાં ખમણના પ્રેમીઓ અને પાણીપોચાં ખમણના પ્રેમીઓ વચ્ચે ન લડાય તો સારું. આ બંનેના પ્રેમીઓ ઘણુંખરું અંતિમવાદીઓ હોય છે. પાણીપોચાં ખમણના પ્રેમીઓને લાગે છે કે તેમને ભાવે છે તે જ અસલી ખમણ કહેવાય. બાકી બધાં બોગસ. વાટી દાળવાળા પ્રોટેસ્ટન્ટ અંદાજમાં કહે છે, ‘પાણીપોચાના જમાના ગયા. ક્યાં સુધી આવા દદડતા, નીતરતા, રોતલ રહેશો? વાટી દાળનાં ખમણ ખાવ,જમાના સાથે તાલ મિલાવો.’ થોડાં વર્ષ પહેલાં અમદાવાદના એક પ્રખ્યાત ખમણવીરની દુકાને જઈને પાણીપોચાં ખમણ માગ્યાં ત્યારે તેમની લાગણી દુભાઈ ગઈ હતી.

વિવેકને લીધે તેમનો અવાજ ઊંચો ન ગયો, પણ તેમા ભળેલી ગરમી મારા સુધી પહોંચી. તેમનું કહેવાનું હતું કે ‘પાણીપોચાં ખમણ તો આખું ગામ બનાવે છે. અમારે ત્યાં વાટી દાળનાં જ મળશે.’ અને વાટી દાળનાં ખમણમાં કેટલા પ્રકાર આવે છે, તેની યાદી સામે તેમણે આંગળી ચીંધી હતી.  બંને પ્રકારના ખમણના પ્રેમીઓ તેમના પ્રિય પ્રકારની અસ્મિતા વિશે અત્યંત જાગ્રત હોય છે અને તેની પર કોઈ હાથ નાખે, તો તે ધસી જાય છે. તેમને લાગે છે કે તેમના પ્રિય પ્રકાર સિવાયનાં ખમણ જે ખાય છે, તે આદિમાનવ છે. તેમને સ્વાદની કશી ખબર નથી પડતી અને અસલ ખમણ કેવાં હોય, એનું તેમને ભાન પડતું નથી. આમ તો, ખમણ અને અસ્મિતા એ બંનેમાં ભરપૂર આથાની જરૂર પડે છે.

એટલે તેમનો સંબંધ સમજી શકાય એવો છે. છતાં, નરેન્દ્ર મોદીની તરફેણ અને વિરોધના મુદ્દે કેટલાંક ઘરમાં ભાગલા પડવાના શરૂ થયા તે પહેલાં, સંપીને રહેતું એક સુખી કુટુંબ પાણીવાળાં ને વાટી દાળનાં ખમણના મુદ્દે છાવણીમાં વહેંચાઈ શકતું હતું.  દેશ સમક્ષ ઊભા થયેલા અનેક ફાલતુ મુદ્દા લાગણી સાથે સંકળાયેલા હોવાથી તેમના વિશે શાંત ચિત્તે વિચારવાનું શક્ય બનતું નથી. પરિણામે તેમનો ઉકેલ આવવાને બદલે તે વધારે ગુંચવાય છે. તેનો ફાયદો બે બિલાડીની વાતમાં આવતા હતા એવા વાંદરાને થાય છે. ખમણવિવાદમાં પણ એવું જ થયું હોવાની આશંકા જાય છે. ગુજરાતીઓ પાણીપોચાં અને વાટી દાળ વચ્ચે ખેંચતાણ કરતા રહ્યા અને બિનગુજરાતીઓએ, ખાસ કરીને મુંબઇના ફિલમવાળાઓએ, ખમણમાત્રને ‘ઢોકળા’ તરીકે ખપાવી દીધાં. ભારતની ઐતિહાસિક પરંપરા પ્રમાણે, પાણીપોચાંની છાવણી અને વાટી દાળની છાવણીને ખમણનું ‘ઢોકળા’કરણ મંજૂર હોઈ શકે છે, પણ તે પોતાના જ ભાઈ જેવાં બીજા પ્રકારના ખમણને સ્વીકારવા-અપનાવવા તૈયાર નથી હોતા.

Most Popular

To Top