નડિયાદ, તા.04
તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્રમાં આણંદ સહિત સાત પાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવા જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જન આક્રોશ જોવા મળી રહ્યો છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માગણી છે. જે સરકાર દ્વારા ન સતોષાતા આ સિમિતના સભ્યો દ્વારા આજે સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
આજે રવિવારે સાંજે 4 કલાકે શહેરના હાર્દસમા સરદારની પ્રતિમા પાસે આ સમિતિ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી દેખાવો કરાયા હતા. આ ઉપરાંત સમિતિના સભ્યો દ્વારા થોડા સમય માટે રોડ પર બેસી નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવા માંગ કરી હતી. હાથમાં વિવિધ પ્લેકાર્ડ જેમાં નડિયાદને મહાનગરપાલિકા કેમ નહીં?, નડિયાદને અન્યાય શા માટે ?, નડિયાદના પ્રજાજનો જાગો….નડિયાદને થયેલ અન્યાય દૂર કરો….વર્ષો જૂની માંગણી પૂરી કરો….જેવા મુદ્દાઓ ઉઠાવી જબરદસ્ત દેખાવો કરાયા હતા. મહાનગરપાલિકાના દરજ્જા માટે આ લડત ચલાવાઈ રહી છે.
નડિયાદ નગર સાક્ષરોની ભૂમી છે સાથે સાથે સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. આ ઉપરાંત ઈન્દુલાલ યાજ્ઞિક સહિત અનેક નેતાઓ જે દેશ માટે બલિદાન આપ્યું છે તેઓની ભૂમિ છે. ત્યારે આ મહાનગરપાલિકા નહીં બનાવવતા હડહડતો અન્યાને લઈને આ વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત બે દાયકા પહેલાં ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો છૂટા પડ્યા બાદ આણંદને મહાનગરપાલિકા ઘોષિત કરી છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ સાથે અન્યાય થયો છે.
નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે, હમણાં જ બજેટ સત્રમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે. જેમાં નડિયાદનું નામ બાકાત રાખવામાં આવ્યું છે. અમારી અગાઉ પણ રજૂઆત હતી કે, નડિયાદ નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવો પણ આમ છતાં આ હડહડતો અન્યાય થયો છે. જે અમારી સાથે નહીં પણ નડિયાદના નગરજનોની સાથે થયો છે. વર્ષ 2005થી જ્યારથી આ સમિતિ સ્થપાઈ ત્યારથી અમારી સતત કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ અમારી રજૂઆતો છે. જેમાં અમે સ્પષ્ટ પણે આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. વધુમાં હાલ બજેટ સત્ર ચાલુ છે ત્યારે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી અમારી માંગણી છે. અને આવનાર સમયમાં જો આ માગણી નહી સ્વિકારાય તો મહાનગરપાલિકાના દરજ્જા માટે અમે લડત ચલાવીશું. સૂત્રોચ્ચાર વખતે માનવ સાંકળ રચી થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો. આ વખતે મહામંત્રી ઘનશ્યામભાઇ કા.પટેલ, દશરથભાઈ બારોટ, રસીકલાલ પરમાર, ગોરધન પ્રજાપતિ, પ્રતિક શ્રીમાળી, વિનોદ કોન્ટ્રાકટર, અરવિંદ કા.પટેલ, ચિમનભાઈ મેકવાન, રમેશ આહીર, ગોરધન પ્રજાપતિ, બિપીન પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. અને સૌએ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા માગણી કરી છે.
નડિયાદ મહાનગરપાલિકા નહીં બનતાં વિરોધ પ્રદર્શન
By
Posted on