Vadodara

આણંદ જિલ્લામાં મલાઇદાર પોસ્ટીંગ માટે ખાખીની ખેંચતાણ !

આણંદ તા.4
આણંદ જિલ્લા પોલીસ બેડામાં ત્રણ મહત્વની પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઇ છે. જેમાં આણંદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સમાવેશ થાય છે. આ ત્રણ જગ્યા પર પોસ્ટીંગ માટે નવા આવેલા અને અહીં પહેલેથી જ રહેલા જુના પોલીસ ઇન્સ્પેક્ટર્સ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે. તેઓ ત્રણેય જગ્યામાંથી એક પર નિમણૂંક મળે તે માટે દોડધામ કરી રહ્યાં છે.
આણંદ જિલ્લાના 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આ બદલી પામેલા અધિકારીઓમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટરને સીઆઈડીમાં બદલી કરવામાં આવી છે. આણંદ શહેર પીઆઈ જી. એન. પરમાર અને ખંભાતના પીઆઈ એસ. બી. મોડિયાને સીઆઈડી આઈબીમાં જ્યારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ડાભીને સીઆઈડી ક્રાઈમમાં પોસ્ટીંગ અપાયું છે.
આ ઉપરાંત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીને અમદાવાદ ગ્રામ્ય, એલ. ડી. ગમારાની દેવભૂમિ દ્વારકા અને બી. આર. સંગાડાની પીટીએસ વડોદરામાં બદલી કરાઈ છે. તેવી જ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઠોડ જાગૃતિબેનની નર્મદા, પુરોહિત હેતાબેનની અમદાવાદ શહેર, ચુડાસમા હરપાલસિંહ છનુભાની રાજકોટ ગ્રામ્ય, કે. જી. ચૌધરીની મહેસાણા અને પરીક્ષિતસિંહ સોઢાની તથા વાઘેલા પારૂલબાની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
સામાપક્ષે અન્ય જીલ્લામાંથી આણંદ જિલ્લામાં ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે મુજબ ભાવનગરથી પી. બી. જાદવ , સુરેન્દ્રનગરથી વી. પી. ચૌહાણ તથા વડોદરાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અલ્પેશભાઈ પટેલ, અમરેલીથી સિસોદિયા પ્રવિણસિંહ, જૂનાગઢથી ઉજીયા વિધિબેન કાન્તીલાલ અને બનાસકાંઠાથી પાંચીયા સવાભાઈ મફાભાઈની આણંદ જિલ્લામાં ખાતે બદલી કરાઈ છે.
આ બદલીના પગલે આણંદ શહેર, આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ અને આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ જેવી મહત્વની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા આણંદ પોલીસ બેડામાં ખૂબ જ અગત્યની ગણાય છે. આથી, આ જગ્યા પર બેસવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ગ્રપમાં ખેંચતાણ શરૂ થઇ છે. આ ત્રણમાંથી કોઇ પણ એક જગ્યા પર પોસ્ટીંગ માટે રાજકીય આંકાઓના ઘર પર અવર જવર શરૂ કરી દીધી છે.

Most Popular

To Top