નડિયાદ: માતર વિધાનસભા બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં માતર બેઠક પરથી સંઘના કાર્યકર કલ્પેશભાઈ પરમારને ઉમેદવાર બનાવ્યા, પરીણામે નારાજ થયેલા બે ટર્મના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહના ખાસ્સા નજીકના મનાતા કેસરીસિંહ સોલંકીએ ભાજપનો ખેસ ઉતારી રાતોરાત આમ આદમી પાર્ટીમાં જોડાઈ જઈ લોકોને ચોંકાવી દીધા હતા. મોડી રાતે પડેલા આ ખેલમાં કેસરીસિંહ પોતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાસે માતરના ઉમેદવાર તરીકેની બાહેંધરી લીધા બાદ જોડાયા હોવાનો એકરાર કર્યો હતો.
બીજીતરફ આ બેઠક પર ગુજરાતના યુવાનોમાં સોશિયલ મીડિયા થકી જાણીતા બનેલા અને સર્વ સમાજ સેનાના પ્રમુખ તેમજ સામાજીક કાર્યકર્તા મહિપતસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીએ સપ્તાહ પહેલા જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા. તેમ છતાં કેસરીસિંહ સોલંકીને ટીકીટનું કમિટમેન્ટ આપી ગોપાલ ઈટાલિયા દ્વારા માતરના પોતાના ઉમેદવાર મહિપતસિંહ ચૌહાણને બાજુમાં મુકી તેમના સમર્થકોને પણ અચરજમાં મુકી દીધા છે. મહિપતસિંહ સાથે રાતોરાત કોણે ખેલ પાડ્યો? તે પ્રશ્ન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. એકતરફ ભાજપે જાણે નવા નિશાળીયા ઉમેદવારને મેદાને ઉતારી સરેન્ડર કર્યુ હોય તેમ લાગી રહ્યુ હતુ, પરંતુ બીજીતરફ કદ્દાવર કહેવાતા બે ટર્મના ધારાસભ્ય અચાનક આમ આદમી પાર્ટીની ટીકીટ લઈ આવતા ક્યાંક રાજકીય સોગઠા ગોઠવાયા હોવાનું રાજકીય અગ્રણીઓ જણાવી રહ્યા છે.
મારા મતદારો ખાતર નિર્ણય લીધો છે
ભાજપે મને ટીકીટ આપી હોત તો મારે પક્ષ છોડવાનો પ્રશ્ન ન હતો. પરંતુ મારે પ્રજાની વચ્ચે રહેવાનુ છે, માતરના મતદારોની સેવા કરવાની છે. મારી ટીકીટ કપાતા હું ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયો છુ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મને માતરમાં ઉમેદવાર બનાવવાનું વચન આપ્યુ છે. મહિપતસિંહ અને પક્ષનો પ્રશ્ન તેમના સ્થાને છે, મારે મારા વિધાનસભામાં કામ કરવુ છે, એટલે મતદારો ખાતર નિર્ણય લીધો છે. – કેસરીસિંહ સોલંકી, માતર.