વાયનાડ ભૂસ્ખલનના ચોથા દિવસે શુક્રવારે એક સારા સમાચાર આવ્યા. વન અધિકારીઓએ 8 કલાકના ઓપરેશનમાં 4 બાળકો સહિત 6 લોકોને દૂરના આદિવાસી વિસ્તારમાંથી બચાવ્યા હતા. બાળકોની ઉંમર એકથી ચાર વર્ષની છે. પનીયા સમાજનો આ આદિવાસી પરિવાર પહાડીની ટોચ પરની ગુફામાં ફસાઈ ગયો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હશિસે જણાવ્યું કે અમે ગુરુવારે એક માતા અને 4 વર્ષના બાળકને જંગલની નજીક ભટકતા જોયા. પૂછપરછ દરમિયાન તેમણે પોતાનું નામ શાંતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ચુરલમાલાના એરાટ્ટુકુંડુ ઓરુ (વસાહત)માં રહે છે. તેના અન્ય 3 બાળકો, તેમના પિતા, ટેકરી પરની ગુફામાં ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા છે.
ભૂસ્ખલન વચ્ચે 8 કલાકનો રેસ્ક્યૂ
હશિસે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલનના દિવસે શાંતા તેના બાળક સાથે જંગલમાં જોવા મળી હતી, પરંતુ તેણે કહ્યું કે તે માત્ર આસપાસ જ ફરતી હતી. અમે જાણતા હતા કે તેઓ ભૂખ્યા હતા અને જંગલમાં ઊંડે સુધી જવાની તૈયારી કરી રહ્યા હતા. બે દિવસ પછી તેઓ ફરી દેખાયા. આ વખતે તેઓ અમને જોઈને ભાગ્યા ન હતા. ભૂખને કારણે તેઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે પૂછવામાં આવ્યું તો શાંતાએ જણાવ્યું કે તેનો પરિવાર પહાડી પરની ગુફામાં ફસાયેલો છે.
અમે 4 લોકોની ટીમ બનાવી. ટીમે ભારે વરસાદ વચ્ચે લપસણો અને ઢાળવાળા ખડકોમાંથી 8 કલાકના પ્રયાસો બાદ તેમને બચાવ્યા હતા. લપસણા ખડકો પર ચઢવા માટે ઝાડ સાથે દોરડા બાંધવા પડતા હતા. જ્યારે અમે ગુફા પાસે પહોંચ્યા તો ત્યાં ત્રણ બાળકો અને એક માણસ બેઠા હતા. અમે તેમને અમારી પાસે બોલાવ્યા. તેઓ આગળ આવતા ન હતા. ઘણી સમજાવટ પછી તેના પિતા અમારી સાથે આવવા રાજી થયા. અમારી પાસે દોરડા સિવાય કશું જ નહોતું. અમે એક ચાદરને ત્રણ ટુકડામાં કાપીને બાળકોને અમારા શરીર સાથે બાંધી દીધા અને અમારી પરતની મુસાફરી શરૂ કરી. કેમ્પ સુધી પહોંચવામાં લગભગ સાડા ચાર કલાક લાગ્યા હતા.
હશિસે કહ્યું કે પણિયા સમુદાયના આ લોકો બહારના લોકો સાથે વાત કરવાનું ટાળે છે. તેઓ સામાન્ય રીતે વન ઉત્પાદનો પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં વેચીને ચોખા ખરીદે છે. જો કે એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. જ્યારે તેઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે જોયું કે બાળકો ખૂબ થાકેલા હતા. અમે અમારી સાથે જે પણ ખાદ્યપદાર્થો લીધા હતા તે પહેલા અમે તેમને ખવડાવ્યા. તેઓને પાણી આપ્યું, તેઓને પીઠ પર બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા હતા.
કેરળના સીએમએ ફોરેસ્ટ ટીમની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું – ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં, અમારા હિંમતવાન વન અધિકારીઓએ 8 કલાકના પ્રયત્નો પછી આંતરિક વિસ્તારોમાંથી છ લોકોના જીવ બચાવ્યા. વન અધિકારીઓની આ ભાવના આપણને યાદ અપાવે છે કે કટોકટીના સમયમાં પણ કેરળનું જોમ ચમકતું રહે છે.