National

કેરળમાં ભારે વરસાદ અને પૂરને કારણે તબાહી, 21ના મોત

તિરૂવનંતપુરમ: કેરળમાં (Kerala) વરસાદ (Rain) સતત તબાહી મચાવી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય કેરળમાં સતત વરસાદના કારણે ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલન (Landslides) થયું છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. કેરળમાં ભારે વરસાદ લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ઘણા શહેરોમાં પૂર (Flood) જેવી સ્થિતિ છે. મળતી માહિતી મુજબ, કોક્કાયારમાં ભૂસ્ખલન બાદ આજે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ગુમ છે. મૃતકોમાં 13 લોકો કોટ્ટાયમ અને આઠ ઇડુક્કીના હોવાનું કહેવાય છે.

બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને જોતા પાતનમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પિનારાઈ વિજયન સાથે વાત કરી. બંનેએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિની ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ઘાયલો અને અસરગ્રસ્તોની મદદ માટે જમીન પર કામ કરવામાં આવી રહ્યું છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. તેમણે લખ્યું, “દુખની વાત છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ”

ભારતીય હવામાન ખાતા (IMD) એ શનિવારે કેરળના 5 જિલ્લામાં રેડ અલર્ટ બહાર પાડ્યું હતુ. જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ તથા 2 જિલ્લામાં યલ્લો અલર્ટ જાહેર કર્યું છે. પ્રદેશમાં રેસ્ક્યૂ અને બચાવ માટે આર્મી અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. સેનાની એક ટુકડી કોટ્ટાયમમાં તૈનાત છે. જ્યારે એક અન્ય બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારે વરસાદ વાળા કેરળના અનેક વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે દરેક શક્ય મદદનો ભરોસો જતાવ્યો હતો.

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પરિસ્થિતિને ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમને કારણે આઇએમડીએ રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની ચેતવણી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને કેરળના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરશે.

Most Popular

To Top