અલપ્પુઝા: (Alappuzha) કેરળની એક અદાલતે મંગળવારે આ જિલ્લામાં 2021માં બીજેપી ઓબીસી પાંખના નેતા રંજીથ શ્રીનિવાસનની હત્યાના (Murder) સંબંધમાં હવે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) સાથે સંકળાયેલા 15 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી એમ કેસના વિશેષ વકીલે જણાવ્યું હતું. આ સજા માવેલીક્કારા એડિશનલ સેશન્સ જજ-I વી જી શ્રીદેવીએ સંભળાવી હતી. કોર્ટે કહ્યું કે આ કેસમાં તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાનું સંપૂર્ણ વાજબીપણું હતું.
- કેરળમાં બીજેપી નેતાની હત્યામાં પીએફઆઈના 15 કાર્યકરોને ફાંસીની સજા
- કોર્ટે કહ્યું કે, આ કેસમાં તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાનું સંપૂર્ણપણે વાજબી હતું
- વકીલ શ્રીનિવાસનની 19 ડિસેમ્બર, 2021ના રોજ તેમના પરિવારની નજર સામે તેમના ઘરમાં જ પીએફઆઈના કાર્યકરોએ નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી
કોર્ટે જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે આરોપીઓને અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હોય તેવું દર્શાવવા માટે કોઈ રેકોર્ડ નથી. સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ જઘન્ય અપરાધ કમ્ફર્ટ ઝોનમાં એટલે કે પીડિતના ઘરમાં, તેની માતા, પત્ની અને સગીર બાળકની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ બધું અપરાધની નિર્દયતા દર્શાવે છે. સ્પેશિયલ પ્રોસિક્યુટર પ્રતાપ જી પડિક્કલના જણાવ્યા અનુસાર જોકે આ કેસમાં દોષિત જાહેર કરાયેલા કુલ 15 વ્યક્તિઓમાંથી 14ને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ન્યાયાધીશે મૌખિક રીતે જણાવ્યું હતું કે જે દોષિતને આજે રજૂ કરવામાં આવ્યો ન હતો તેને પણ સજા લાગુ થશે. જ્યારે બાકીનો એક દોષિત જે હાલમાં બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે તેની સામેની સજા સંભળાવવામાં આવશે.
આ કેસમાં દોષિત નઇસમ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ, અબ્દુલ કલામ, સરાફુદીન, મંશાદ, જસીબ રાજા, નવાસ, સમીર, નસીર, સાકીર હુસૈન, શાજી અને શેરનાસ અશરફ છે. વકીલ અને બીજેપી ઓબીસી મોરચાના રાજ્ય સચિવ શ્રીનિવાસન પર 19 ડિસેમ્બર 2021ના રોજ તેમના પરિવારની નજર સામે તેમના ઘરમાં પીએફઆઈ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા (એસડીપીઆઈ) સાથે જોડાયેલા કાર્યકરોએ નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.