કેરળે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજ રોજ તા. 1 નવેમ્બર શનિવારે “કેરળ પીરાવી દિવસ”ના અવસરે જાહેરાત કરી કે હવે રાજ્યમાં કોઈ પણ પરિવાર “અત્યંત ગરીબી”માં નથી. આ સિદ્ધિ સરકારે 3 વર્ષના સતત પ્રયાસો અને રૂ. 1,000 કરોડથી વધુના ખર્ચથી હાંસલ કરી છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં કહ્યું કે કેરળ હવે અત્યંત ગરીબીથી સંપૂર્ણપણે મુક્ત છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાંથી અતિશય ગરીબી નાબૂદ કરવાનો આ નિર્ણય 2021માં સરકાર બન્યા પછીની પહેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે આ પગલું ચૂંટણી દરમિયયાન જનતાને આપેલું વચન હતું જે હવે પૂર્ણ થયું છે.
આ નિર્ણય હેઠર કેરળ સરકારે રાજ્યભરમાં 64 હજારથી વધુ ગરીબ પરિવારોની ઓળખ કરી હતી. દરેક પરિવારની જરૂરિયાતો જુદી હોવાથી તેમના માટે ખાસ સૂક્ષ્મ યોજનાઓ બનાવવામાં આવી. આશરે 20,000થી વધુ પરિવારોને દરરોજ ભોજન પૂરું પાડવામાં આવ્યું, 85,000થી વધુ લોકોને મફત દવાઓ અને તબીબી મદદ મળી, અને 5,400 નવા ઘરો બનાવવામાં આવ્યા.
તે ઉપરાંત 5,500થી વધુ ઘરોનું સમારકામ કરવામાં આવ્યું અને 2,700થી વધુ ભૂમિહીન પરિવારોને જમીન આપવામાં આવી. 21,000થી વધુ લોકોએ પહેલીવાર રેશન કાર્ડ, આધાર કાર્ડ અને પેન્શન જેવા જરૂરી દસ્તાવેજો મેળવ્યા. 4,400થી વધુ પરિવારોને રોજગાર યોજનાઓમાં સામેલ કરવામાં આવ્યા.
રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમ.બી. રાજેશે જણાવ્યું કે આ યોજના પારદર્શક રીતે અમલમાં મુકાઈ હતી અને તેમાં સામાન્ય જનતાની ભાગીદારી પણ રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ અભિયાન કોઈ પણ રાજકીય ભેદભાવ વિના કરવામાં આવ્યો હતો.
જોકે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધને આ દાવાને ખોટો ગણાવ્યો અને વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આંકડા છુપાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.
મુખ્યમંત્રી વિજયને તેનો જવાબ આપતાં કહ્યું કે “આ અચાનક લેવામાં આવેલ નિર્ણય નથી. અમે કામ કર્યું છે અને હવે તેના પરિણામો જણાવી રહ્યા છીએ.”
કેરળ પહેલાથી જ 100% સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા અને દરેક ઘરમાં વીજળી જેવી સિદ્ધિઓ માટે જાણીતી છે. હવે ગરીબી નાબૂદ કરીને કેરળે ફરી એક વાર દેશ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.