મલયાલી એક્ટર દિલીપનો કેસ દેશના મીડિયામાં છવાયેલો છે. એક્ટર દિલીપ મલયાલમ ફિલ્મ ન્ડસ્ટ્રીનું મોટું નામ છે. ઘણા તેને આ ઇન્ડસ્ટ્રીઝનો અક્ષયકુમાર પણ કહે છે. અત્યાર સુધી તેણે 150થી વધુ ફિલ્મો કરી છે. દિલીપ પોતાનાં મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટ ધરાવે છે અને એ રીતે તેણે અમર્યાદ સંપત્તિ એકઠી કરી છે. તેનું એક્ટિંગનું વ્યવસાયિક જીવન અતિ સફળ છે. આ સફળતા પાછળ એક દિલીપ એવો પણ છે જેનું વ્યક્તિગત જીવન ડિસ્ટર્બ છે, તે બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને તે પછી તેના પર જાતીય સતામણીના આરોપ થયા છે. આ આરોપ તળે થઈ રહેલી કાયદાકીય કાર્યવાહીમાં એક્ટર દિલીપના અનેક ચહેરા સામે આવ્યા. દક્ષિણનાં રાજ્યોમાં અભિનેતાની ફેમ અદ્વિતીય હોય છે અને ઘણી વાર પ્રેક્ષકો તેમને રૂપેરી પડદે જોઈને એટલા હરખાય છે કે તે જ ઇમેજ કાયમ માટે ઠસાવી લે છે. દિલીપના કિસ્સામાં પણ તેને મહાન અભિનેતાનું ટેગ લાગી ચૂક્યું હતું પણ હવે જેમ જેમ દિલીપના કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ તે ક્રાઈમ માસ્ટરમાઇન્ડ બનીને બહાર આવી રહ્યો છે.
દિલીપ દ્વારા થયેલી જાતીય સતામણીનો કેસ આજે ચર્ચાસ્પદ બન્યો છે. તે ઘટના બની હતી આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 17 ફેબ્રુઆરી 2017ના રોજ. જેની સાથે જાતીય સતામણી થઈ હતી તે અભિનેત્રી ભાવના છે. જાતીય સતામણી પહેલાં ભાવનાનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં એકથી વધુ લોકો સામેલ હતા અને તેમાં માસ્ટર માઇન્ડ દિલીપ હતો. ભાવના દ્વારા જ્યારે આ અંગે પોલીસ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યાર બાદ દિલીપની ધરપકડ થઈ. દિલીપની ધરપકડથી આ પૂરા કેસની ઝીણામાં ઝીણી ડિટેઇલ કેરળ અને દક્ષિણનાં અખબારોમાં કન્ટેન્ટ બનતી ગઈ. કેસ આગળ વધતો ગયો તેમાં સેલિબ્રિટીઝના પાવર, મની, સેક્સ અને મસલ્સ પાવરનું પૂરું નેટવર્ક ઉજાગર થતું ગયું. થ્રિલર ફિલ્મ સ્ક્રિપ્ટની જેમ તેમાં આવતા અવનવા મોડથી મીડિયાએ તેમાં અનેક અટકળો પણ લગાવી. આજે દિલીપનો આ કેસ ગૂંચવણભર્યો બની ચૂક્યો છે અને તેના સત્ય સુધી પહોંચવું ઇન્વેસ્ટિગેશન ઓફિસર માટે પણ ચેલેન્જ છે.
જો કે પછીથી કેસ માત્ર જાતીય સતામણી સુધી જ ન રહ્યો. તેમાં દિલીપની ઇમેજ દાવ પર લાગેલી હતી. વર્ષોનાં વર્ષો પછી બનેલી દિલીપની ઇમેજ ધૂળધાણી થઈ રહી હતી ત્યારે તેણે અનેક દાવપેચ આરંભ્યા. જાતીય સતામણીના કેસમાં તો દિલીપને બેઇલ મળી ચૂક્યા હતા પણ હાલમાં તેની ધરપકડ આ કેસના તપાસ અધિકારીની હત્યા કરવાનું કાવતરું ઘડવા માટે કરવામાં આવી છે. દિલીપ ફરીથી પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ તેમાં ગુપ્ત ઇન્ટરોગેશન રૂમ્સ, ઓડિયો ક્લિપ્સ અને ભેદી બેન્કીંગ ટ્રાન્સફર્સની વિગતો બહાર આવવા માંડી છે. આ રીતે કોર્ટરૂમમાં જાણે ફિલ્મી ડ્રામા થઈ રહ્યો હોય તેવો માહોલ જામ્યો છે અને સાથે સાથે તેમાં કેરળની મીડિયાની પણ ભૂમિકા છે, જે હવે કેસની દરેક બાબતની પડતાલ કરી રહી છે.
કેરળ આખામાં આ પૂરી કેસની ચર્ચા છે અને તેથી તે વિશેના નિવેદન શિક્ષણવિદ્ પણ આપી રહ્યા છે, જે કેરળની ફિલ્મના અભ્યાસી હોય. યુનિવર્સિટી ઑફ કેરળના આર્ટ ફેકલ્ટીના ડીન મીના ટી. પિલ્લાઈએ પણ આ વિશે કહ્યું કે, ‘મલયાલમય સિનેમા પિતૃસત્તાક ગઢ જેવો છે અને તે ગઢ હવે સ્થિર નથી. આ ઇન્ડસ્ટ્રીઝે હંમેશાં બધું જ ધરબાઈને રાખ્યું છે પણ હવે તે નહીં થઈ શકે. આમ દિલીપના કેસથી પૂરી ઇન્ડસ્ટ્રીઝની વાતો પણ પ્રકાશમાં આવી રહી છે.’ આપણી દૃષ્ટિએ કેરળ અતિશિક્ષિત રાજ્ય છે પણ ત્યાંય કળા સાથે જોડાયેલું મોખરાનું ક્ષેત્ર સિનેમા ‘પિતૃસત્તાક ગઢ’ છે.
દિલીપના કેસ પર પાછા ફરીએ. 17 ફેબ્રુઆરીએ જાતીય સતામણીની જ્યારે ઘટના બની તે પછી પોલીસ બે જ દિવસમાં સાત આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી ચૂકી હતી. તે વખતે મુખ્ય આરોપીમાં નામ પલસર સુન્ની હતું. તેણે અને અન્ય એક આરોપીએ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ સામે 23 ફેબ્રુઆરીએ સરેન્ડર કર્યું. આમ કેસની તપાસ આરંભાઈ અને તેમાં આરોપીઓના ફોન અને મેમરી ડિવાઈસ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. તપાસના પાંચ મહિના પછી એવી વિગત સામે આવી કે પલસર સુન્નીના એક લેટરમાં અભિનેતા દિલીપની સંડોવણી છે. પોતાનું નામ આવતાં જ દિલીપે ન્યૂઝ ચેનલમાં એવું નિવેદન આપ્યું કે પલસર સુન્ની છેલ્લા ઘણા દિવસથી મને ધમકાવી રહ્યો હતો કે દોઢ કરોડ મને આપ નહીં તો તારું નામ આ કેસમાં જોડી દઈશ અને દિલીપે સાથે એમ પણ કહ્યું કે આરોપી પલસર સુન્ની અને પીડિતા ભાવના મિત્રો છે.
દિલીપનું નામ આવ્યા બાદ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટિવ ટીમ દ્વારા તેની તેર કલાક પૂછપરછ કરવામાં આવી અને 10 જુલાઈએ દિલીપની ધરપકડ થઈ. અલુઆ જેલમાં તેને મોકલી આપવામાં આવ્યો. તે પછી આ ગુનો થયો તેના મોટિવની વિગત બહાર આવી. કહેવાય છે કે પીડિતા ભાવના દિલીપનાં પ્રથમ પત્ની મન્જુ વારિયરની મિત્ર હતી અને તેણે જ પત્ની મન્જુને એવી માહિતી આપી હતી કે દિલીપનું અન્ય એક અભિનેત્રી કાવ્યા માધવન સાથે અફેર છે. તે પછી દિલીપ અને મન્જુના ડાઇવોર્સ થયા અને દિલીપ કાવ્યાને પરણ્યો. મીડિયામાં એક વર્ગ દિલીપના આ કૃત્ય સામે અવાજ ઉઠાવવા લાગ્યો અને તે પછી ફરી ઘડાયેલી ચાર્જશીટમાં દિલીપને આરોપી દર્શાવવામાં આવ્યો. કોર્ટે તે ચાર્જશીટ સ્વીકારી પણ ખરી. આપણે ત્યાં હંમેશ થાય છે તેમ ટ્રાયલમાં સમય વહેતો ગયો અને ત્રણ મહિના પછી દિલીપને બેઇલ મળ્યા.
અંદાજે 3 વર્ષ પછી એટલે કે 2020માં કેસની ટ્રાયલ આગળ વધી અને તેમાં જ્યારે દિલીપ સામે આરોપનામું ઘડાયું ત્યારે તેમાં સાક્ષી તરીકે 22 વ્યક્તિઓનાં નામ હતાં તેમાંથી ઘણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં જ જાણીતાં નામો હતાં. તેમાંથી મોટા ભાગના હોસ્ટાઇલ થયા, મતલબ કે તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું. આ રીતે દિલીપનો બચવાનો કારસો તૈયાર થઈ ચૂક્યો હતો પણ આ દરમિયાન એક ફિલ્મ ડિરેક્ટરે દિલીપ પર એવો આરોપ લગાવ્યો કે તેણે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની હત્યાનું કાવતરું ઘડ્યું છે. આ ન્યૂઝ જ્યારે બહાર આવ્યા ત્યારે ફરી દિલીપના નામની હોહા થઈ ને રાજ્યના પોલીસ વડાએ પણ સત્ય સુધી અમે પહોંચીને રહીશું તેવું નિવેદન આપ્યું. આ કેસમાં પોલીસ સહિત ન્યાયાધીશ પર પણ આરોપ લાગ્યા. પીડિતા કેરળ હાઇકોર્ટ સુધી ગઈ અને તેણે ન્યાયાધીશ હની એમ. વર્ગીસ ફરિયાદી પક્ષ તરફ પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવે છે તેમ કહીને તેમની બદલીની અરજ કરી. પીડિતાની ન્યાયાધીશ બદલવાની અરજ કેરળ હાઇકોર્ટે ન સ્વીકારી અને તે કારણે પીડિતાના પબ્લિક પ્રોસિક્યુટર એ. સુરેસને કેસમાં રહેવાનો ઇનકાર કરી દીધો.
આ રીતે કેસ પૂરી રીતે ગૂંચવાયો અને તેમાં બધા જ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતા અને સાથે સાથે સાક્ષીઓ પલટી રહ્યા હતા. પોલીસની તપાસ પર શંકા જઈ રહી હતી, ન્યાયાધીશ પર પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવાનો આરોપ લાગ્યો હતો. સાથે સાથે મીડિયા પણ અનેક વાર્તા ઘડી રહ્યું હતું. આ પૂરા કેસમાં અત્યાર સુધી પીડિતા ભાવનાનું નામ ક્યાંય સામે આવ્યું નહોતું. તેણે 5 વર્ષ પછી પોતાની ઓળખ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છતી કરી અને સાથે સાથે પૂરા કેસમાં ન્યાય મેળવવા કેટલો સંઘર્ષ કર્યો છે તે પણ વર્ણવ્યું. તેની આ પોસ્ટને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક લોકોએ સપોર્ટ કર્યો.
દિલીપ અને તેના સાથીદારોની હવે કડક પૂછપરછ થઈ રહી છે. તે માટે ફોન અને અન્ય સંસાધનો જ્યારે જપ્ત કરવાની વાત આવી ત્યારે દિલીપ અને તેના વકીલે તેમના ફોન બદલી કાઢ્યા હતા. તેમણે કારણ આપ્યું કે અમારા જૂના ફોન ફોરેન્સિક ઇવોલ્યુશન માટે મોકલવામાં આવ્યા છે. આ રીતે પોલીસ હોસ્ટાઈલ થયેલાની પણ જુબાની લઈ રહી છે અને તેમના બેન્ક એકાઉન્ટ તપાસી રહી છે. જો કે હોસ્ટાઈલને પૈસા હાથોહાથ આપવામાં આવ્યા છે તેવી પણ માહિતી વહેતી થઈ છે. આમ અનેક ગૂંચવણોથી ભરેલો આ કેસ અત્યારે કેરળમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો કે દિલીપ પર થયેલાં આટલા આરોપ છતાંયે તેની ફિલ્મો થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે અને હજુ લોકો માટે દિલીપ સિલ્વર સ્ક્રીનનો હિરો છે. જો કે પીડિતા સહિત અન્ય કેટલીય મલયાલમ અભિનેત્રીઓ માટે તે વિલન જ રહેશે.