Comments

દિલ્હીમાં કેજરીવાલ વર્સીસ મોદી માઈનસ કોંગ્રેસ

દિલ્હીની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ૨૦૨૫માં સૌથી પહેલી ચૂંટણી દિલ્હીમાં થવાની છે. સંપૂર્ણ રાજ્યનો દરજ્જો જેને મળ્યો નથી એવા દિલ્હીમાં અત્યારે તો રાજ આપ પાર્ટીનું છે અને ભાજપ અહીં સત્તા મેળવવા બેતાબ છે. કેન્દ્રમાં સત્તા ભાજપ પાસે છે પણ દિલ્હીમાં સત્તા નથી એનો વસવસો ભાજપને ઘણા સમયથી છે. કારણ કે, છેલ્લા બે દાયકાથી અહીં ભાજપ સત્તાથી વંચિત છે. પહેલાં કોંગ્રેસ અને છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપ સામે હારતો આવે છે. આ વેળા કેજરીવાલ અને નરેન્દ્ર મોદી વચ્ચે સીધો જંગ હોય એમ લાગે છે અને કોંગ્રેસ ચિત્રમાં હોય એવું દેખાતું નથી.

દિલ્હીમાં આપ જે રીતે સત્તામાં આવ્યો અને ટકી રહ્યો છે એ રાજકીય ચમત્કારથી જરાય ઓછું નથી. કોઈ પક્ષ એક આંદોલનમાંથી જન્મ લે અને દિલ્હીમાં સત્તા મેળવે એ રાજકારણમાં ના બનતી ઘટના પૈકી એક છે. અરવિંદ કેજરીવાલે ભારતના રાજકારણમાં એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ક્રાઉડ ફંડિંગનો નુસખો આપને એટલો બધો ફળ્યો છે કે, કોંગ્રેસ અને ભાજપ સામે એ આર્થિક રીતે પણ લડ્યો છે અને લોકોને આર્થિક રીતે ઘણો બધો ફાયદો કરાવી આપ્યો છે. ફ્રી બી નો આપે અસરકારક રીતે અમલ કર્યો એવું બહુ ઓછા રાજ્યમાં જોવા મળે છે.

કેજરીવાલે પાણીથી માંડી વીજળી સુધી લોકોને રાહત આપી છે અને છતાં દિલ્હીની આવક ઘટી નથી, વધી છે. શિક્ષણ અને આરોગ્યમાં જે કામ આપ દ્વારા થયું એ પણ મિસાલ ગણવામાં આવે છે અને આ કારણે આપે ગરીબોના જ નહિ પણ મધ્યમ વર્ગના મતો અંકે કર્યા છે. તમે જુઓ કે, ૨૦૧૩માં આપને ૨૮ બેઠક અને લગભગ ૩૦ ટકા મત મળેલા એ વધીને ૨૦૨૦માં ૫૪ ટકા આસપાસ થયા. આ કોઈ નાનીસૂની વાત નથી.

પણ આપ દ્વારા જે રીતે સરકાર ચલાવાય છે એ મુદે્ વિવાદો અહીં અનેક છે. એલજી સાથે આપ સરકાર ઝઘડતી આવી છે અને છેલ્લાં બે ત્રણ વર્ષથી આપ સામે ભાજપે ઇડીથી માંડી સીબીઆઈનો શસ્ત્રની જેમ ઉપયોગ કર્યો છે. સંજય સિંહ, સિસોદિયા અને કેજરીવાલ સુધીના નેતાઓ જેલ જઈ ચૂક્યા છે. શરાબ કૌભાંડથી માંડી જુદા જુદા પ્રકરણમાં તપાસ ચાલતી રહે છે. આમ છતાં કેજરીવાલ અને આપ ભાજપ સામે લડતો આવ્યો છે.

આ વેળા મોદીએ ચૂંટણીમાં મોરચો સંભાળ્યો છે અને કેજરીવાલે સરકારી આવાસમાં બેફામ ખર્ચ કર્યો એ મુદે્ મોદીએ ટોણો માર્યો છે કે, એમણે શીશમહેલ બનાવ્યા છે એમ ગરીબો માટે ઘર બનાવ્યાં છે. તો આપે વળતો પ્રહાર કરી કહ્યું છે કે, મોદી તો રાજમહેલમાં રહે છે. શીશમહેલ વિ. રાજમહેલની ચર્ચા શરૂ થઇ છે. પૂર્વ સાંસદ બીધુડીએ જે રીતે મુખ્યમંત્રી આતિશીના પિતા વિષે કહ્યું એ તો શરમજનક છે પણ હવે રાજકારણીઓને શરમાવા જેવું કાંઈ રહ્યું નથી. એ ગમે એ સ્તરે ઊતરી જાય છે. વિપક્ષમાં પણ આવા નેતા નથી એમ કોઈ ના કહી શકે.

કેજરીવાલ પણ પાક્કા ખેલાડી છે. એમણે પુજારીઓ અને ગ્રંથીઓને પગાર આપવાની વાત કરી એ સામે ભાજપ વળતો પ્રહાર કરવા ગયો પણ ફસાઈ ગયો અને હવે મોદીએ કહેવું પડ્યું છે કે, દિલ્હીમાં આપ સરકારે જે મફતની ‘રેવડી’ આપી છે એ ભાજપ સત્તા પર આવે તોય ચાલુ રહેશે. મોદીએ રેવડી કહી અનેકવાર ટીકાઓ કરી છે પણ ભાજપે જ આવી રેવડી અન્ય રાજ્યોમાં આપી છે,આપવી પડી છે. ભાજપ અહીં ૧૯૯૮થી સત્તાથી બહાર છે પણ સારી વાત એ છે કે, ભાજપની બેઠકો સાવ ઘટી ગઈ પણ વોટ શેર હંમેશા ૩૦ ટકાથી વધુ રહ્યો છે. એટલે એમને આ વેળા આશા છે કે, કેજરીવાલને પછાડી શકીશું. પણ એ લાગે છે એટલું આસાન નથી.

કોન્ગ્રેસના નેતા પૃથ્વીસિંહ ચૌહાણે કહ્યું છે કે, જીતશે તો આપ. કોંગ્રેસની હાલત અહીં શિલા દીક્ષિત ગયા બાદ બહુ ખરાબ થઇ છે. વોટ શેર એક સમયે ૫૦ ટકાથી વધુ હતો એ ૨૦૨૦માં ઘટીને ૫ ટકા પણ નથી રહ્યો. અને અહીં ઇન્ડિયા મોરચો રહ્યો નથી. કોંગ્રેસ આપ સાથે સમજૂતી કરવા તૈયાર નથી અને સપા, ટીએમસીએ આપને ટેકો આપી દીધો છે. દિલ્હી કોંગ્રેસમાં ઘણી બધી સમસ્યા છે અને લોકસભામાં પણ એક બેઠક અહીં મળી નહોતી. અત્યારે પણ કોઈ સારો ચહેરો નથી. રાહુલ અને પ્રિયંકા અહીં કઈ રીતે આગળ વધે છે અને પરિણામ કોન્ગ્રેસની તરફેણમાં કેટલું આવે છે એ રસપ્રદ બનશે. સત્તાથી તો કોંગ્રેસ જોજનો દૂર છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાનાં પરિણામો પછી ભાજપમાં ઉત્સાહ ઘણો બધો છે. પણ ભાજપ પાસે પણ ચહેરો નથી. મોદી પર જ ચૂંટણી લડાવાની છે. આ સ્થિતિમાં આપ ફરી સત્તા પર આવે તો ભાજપ માટે નીચાજોણું ગણાશે અને આપ દિલ્હી બહાર પંજાબમાં સફળ થયો છે એમ અન્ય રાજ્યોમાં પગ પસારવાનું શરૂ કરશે. આ ચૂંટણીનાં પરિણામોના પડઘા દૂર દૂર સુધી પડી શકે છે.

મુંબઈમાં ઉદ્ધવ એકલા હાથે લડશે?
દિલ્હી જેવી સ્થિતિ મુંબઈમાં થઇ શકે છે.ઉદ્ધવની શિવ સેનાના બોલકા પ્રવક્તા સંજય રાઉતનું આવું નિવેદન ઘણું કહી જાય છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની કરારી હાર બાદ ખાસ કરીને ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટીના સૂર બદલાયા છે એનું કારણ મુંબઈ મહાપાલિકાની આવનારી ચૂંટણી હોઈ શકે છે. આ ચૂંટણી મહત્ત્વની છે, કારણ કે, પાલિકાનું બજેટ કોઈ નાના રાજ્ય જેવડું હોય છે અને આ પાલિકામાં સત્તા મેળવવી એ બધા પક્ષો માટે સ્ટેટસ સમાન છે. સંજય રાઉતે કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ ભાજપ પર વાર કરવાના બદલે આપ પર કરે છે. ઉદ્ધવ દ્વારા ફડણવીસનાં જે રીતે વખાણ થયાં અને શરદ પવારની પાર્ટીના સભ્યોએ વખાણ કર્યા એ શું દર્શાવે છે? આ મુદે્ મુંબઈમાં ઘણી બધી ચર્ચા છે. લાગે છે કે, ઉદ્ધવે એકલા હાથે મુંબઈ પાલિકાની ચૂંટણી લડવાનું નક્કી કરી નાખ્યું છે. એવું થયું તો ઇન્ડિયામાં વધુ એક ભંગાણ પડી શકે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top