સુરત મહાનગર પાલિકા સામે જુદી જુદી માંગ સાથે આપના વિપક્ષના નેત અને અન્ય બે કોર્પોરેટર ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતાએ ચીમકી આપી હતી કે, આગામી સમયમાં ત્રણેય માંગ પર ચોક્કસ નિર્ણય નહીં લેવામાં આવે તો જલદ કાર્યક્રમો આપવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકામાં શાસકોએ સોનાની લગડી જેવી સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન મામૂલી પ્રિમિયમ અને નજીવા ભાડાથી 99 વર્ષના પટ્ટે વેપારીઓેને ફાળવી દેવાનો ઠરાવ રદ કરવા, અમુક વિસ્તારમાં મિલકતદારોને હજારો રૂપિયાના ફટકારાયેલાં પાણીનાં બિલો રદ કરવાની માંગ કરી હતી. જેનો અમલ કરવા અને સામાન્ય સભા વખતે વિરોધ પક્ષના જન પ્રતિનિધિઓ સાથે પોલીસ અને માર્શલો દ્વારા જે રીતે દુર્વ્યવ્યહાર, દાદાગીરી, ગુંડાગીરી અને અશોભનીય તેમજ અમાનવીય વર્તન કરાયું તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ડિસમીસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આપના કોર્પોરેટર પર થયેલા દમનની ઘટનાને ગંભીરતાથી લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગંભીરતાથી નોંધ લઇ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તથા તમામ નગરસેવકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ તેમની અત્યાર સુધીની ભૂમિકાને બિરદાવતાં જણાવ્યું હતું કે જે પ્રકારે ભાજપ પોલીસને હાથો બનાવી દમનની ઘટનાઓ અને કેસો આપણા નગરસેવકો પર કરાવે છે તેના પરથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે તમે સૌ એક ચોક્કસ અને સાચી દિશા તરફ આગળ વધી રહ્યા છો. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે જે મીલીભગતથી શાસન ચલાવ્યું છે તેવા સમયે પ્રથમ વખત પ્રજાને એક ઇમાનદાર અને સાચો વિરોધ પક્ષ મળ્યો હોવાની પ્રતીતિ થઇ રહી છે અને ભાજપ શાસકોએ ઇમાનદાર અને સબળ વિપક્ષનો સામનો કરવો પડી રહ્યો છે.