દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 2025 પેટાચૂંટણીના પરિણામોએ રાજકારણમાં નવી ચર્ચાઓ જન્માવી છે. આમ આદમી પાર્ટીને (AAP) કુલ 12માંથી 3 બેઠકો મેળવી છે. પરિણામો જાહેર થતા જ AAPના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી અને તેને પાર્ટી માટે મહત્વપૂર્ણ જીત ગણાવી.
કેજરીવાલે પોતાના X હેન્ડલ પર લખ્યું “આ વખતની પેટાચૂંટણીમાં અમે સમર્પિત કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા. દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે AAP માટે જનસમર્થન ફરીથી વધતું જાય છે. માત્ર 10 મહિનામાં લોકોનો વિશ્વાસ ઝડપથી પાછો આવી રહ્યો છે. હું વિશ્વાસ રાખું છું કે દિલ્હી ટૂંક સમયમાં સકારાત્મક રાજકારણ અને સારા કાર્ય તરફ પાછું ફરશે.”
કેજરીવાલનું આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે દિલ્હીનું રાજકારણ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે ચર્ચામાં રહ્યું છે. પાર્ટી વિરુદ્ધ થયેલા રાજકીય હુમલા, આંતરિક દબાણો અને સત્તામાંથી દૂર થયા બાદ આ પેટાચૂંટણી AAP માટે અગત્યની કસોટી માનવામાં આવી રહી હતી.
પરિણામો શું કહે છે?
MCD પેટાચૂંટણીમાં BJPએ 7 બેઠકો જીતતા આગળ રહી છે જ્યારે AAPને 3 બેઠકો મળી. કોંગ્રેસ અને AIFBને એક-એક બેઠક મળી છે.
પરિણામો બાદ MCDની કુલ સંખ્યા:
- BJP – 122
- AAP – 102
- કોંગ્રેસ – 9
જોકે BJP આગળ છે પરંતુ AAP માટે ત્રણ બેઠકોનો આંકડો કેજરીવાલની દૃષ્ટિએ ‘જનતા પરત ફરી રહી છે’ તેવો સંદેશ આપે છે.
કેજરીવાલ કેમ ખુશ?
કેજરીવાલનું માનવું છે કે પાર્ટી પર છેલ્લા મહિનાઓમાં થયેલી વિપરીત પરિસ્થિતિઓ છતાં જનતા ફરી વિશ્વાસ દર્શાવી રહી છે. ચૂંટણી નાની હોવા છતાં લોકોનો પ્રતિભાવ તેમને રાજકીય રીતે મજબૂત કરે છે. તેમની પોસ્ટ સ્પષ્ટ કરે છે કે તેઓ આ પરિણામોને AAP માટે રિવાઈવલ સિગ્નલ તરીકે જોઇ રહ્યાં છે.
રાજકારણના નિષ્ણાતો કહે છે કે કેજરીવાલ આ પરિણામોને કેપિટલાઇઝ કરીને દિલ્હીમાં પોતાની રાજકીય હાજરી વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
પેટાચૂંટણી નાના સ્તરે હોવા છતાં કેજરીવાલની પ્રતિક્રિયા સૂચવે છે કે તેઓ તેને AAP માટે નવા આત્મવિશ્વાસનું પગથિયું માને છે.