National

દિલ્હીમાં 60થી વધુ વયના વડીલોને ફ્રી સારવાર, જાણો કેજરીવાલની સંજીવની યોજનાની ખાસિયતો

નવી દિલ્હી: આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલે બુધવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના જાહેર કરી છે. આ અંતર્ગત કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે રાજધાનીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે. દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે મફતમાં સારવાર મળશે. આ કેજરીવાલની ગેરંટી છે.

કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે આ સારવાર તમામ વૃદ્ધો માટે મફત હશે પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીમાં આવે. આ પહેલા કેજરીવાલે વૃદ્ધો માટે 2500 રૂપિયા પેન્શન, ઓટો ડ્રાઇવર્સ માટે 5 લાખ રૂપિયા સુધીનો વીમો અને મહિલાઓ માટે 1000 રૂપિયા પ્રતિ મહિને પેન્શનની જાહેરાત કરી હતી.

દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020 માં યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.

આ સ્કીમની ખાસ વાતો
આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દિલ્હીમાં મફત સારવારની સુવિધા મળશે. તેમજ આ સુવિધા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. આ યોજનામાં આવકની કોઈ મર્યાદા નથી. કેજરીવાલે કહ્યું કે આપ કાર્યકર્તા બે-ત્રણ દિવસમાં તમારા ઘરઆંગણે પહોંચી જશે. કેજરીવાલે કહ્યું કે આગામી દિવસોમાં આપ કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

મહિલાઓ માટે દર મહિને રૂ. 1000
ગઈ તા. 12 ડિસેમ્બરે કેજરીવાલે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક મહિલા આ યોજનાના દાયરામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને 2100 કરવામાં આવશે.

ઓટો ડ્રાઇવરો માટે 4 જાહેરાતો કરી
કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવા માટે અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. આ ઉપરાંત ઓટો ચાલકોના બાળકોને કોચિંગ માટે પૈસા આપવામાં આવશે.

5 લાખ લોકોને દર મહિને 2500 સુધીના પેન્શનની જાહેરાત
કેજરીવાલે 21 નવેમ્બરે વૃદ્ધો માટે પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 80 હજાર નવા વૃદ્ધો જોડાયા છે. અગાઉ 4.50 લાખ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે.

60 થી 69 વર્ષના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને 2500 રૂપિયા મળશે. આ સ્કીમની જાહેરાત કરતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- તેઓ તેમના વડીલોના આશીર્વાદથી જેલમાંથી બહાર આવ્યા હતા. આ યોજના તેમનો આભાર માનવા માટે છે.

AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે
દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી હતી. AAPના વડા કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે.

Most Popular

To Top