નવી દિલ્હી: (New Delhi) આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓએ સોમવારે કહ્યું હતું કે પક્ષના તમામ ધારાસભ્યોએ (MLA) અરવિન્દ કેજરીવાલને (Arvind Kejriwal) વિનંતી કરી છે કે કોઈ તપાસ સંસ્થા દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે તો પણ તેમણે દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર ચાલુ રહેવું જોઈએ. કેજરીવાલને ગયા અઠવાડિયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત આબકારી નીતિ કૌભાંડ કેસથી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ જારી કરાયું હતું પણ તેમણે સમન્સ સ્વીકાર્યું ન હતું અને તેને રાજકીય રીતે પ્રેરીત ગણાવ્યું હતું.
- જો કેજરીવાલની ધરપકડ કરાશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે: આપ નેતા
- આપના ધારાસભ્યોએ કેજરીવાલને ધરપકડ થવાના કિસ્સામાં પણ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા કહ્યું
- સ્થિતિઓ જોઈ એવું લાગે છે કે અમે જેલની અંદર કેબિનેટની બેઠકો કરીશું
આપના નેતાઓ અને મંત્રીઓ વિરૂદ્ધ કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા હાલમાં લેવાયેલા પગલાંઓ પર રોષ વચ્ચે મુખ્યમંત્રી કેજરીવાલે આપના ધારાસભ્યોની સોમવારે બેઠક બોલાવી હતી. બેઠક બાદ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યુ હતું કે બેઠકમાં હાજર તમામ ધારાસભ્યોએ કેજરીવાલને કહ્યું હતું કે જો તેમની ધરપકડ થાય તો પણ તેમણે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવું જોઈએ કારણ કે તેમને દિલ્હીના લોકોએ સરકાર ચલાવવાનો આદેશ આપ્યો છે. તમામ ધારાસભ્યોનું માનવું છે કે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિન્દ કેજરીવાલથી ગભરાઈ ગયા છે. ભાજપ જાણે છે કે તે ચૂંટણી મારફતે કેજરીવાલને સત્તા પરથી ઉતારી શકે નહીં અને આ માત્ર કાવતરું રચીને જ શક્ય છે.
તેમણે જણાવ્યું કે સ્થિતિઓ જોઈ એવું લાગે છે કે આતિશીને જેલ નંબર 2 અને મને જેલ નંબર 1 માં રાખવામાં આવશે અને અમે જેલની અંદર કેબિનેટની બેઠકો કરીશું. અમે ખાતરી કરીશું કે દિલ્હીના લોકોના કામ રોકાય નહીં. મંત્રી આતિશીએ કહ્યું કે જો કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો જેલમાંથી સત્તાવાર કામ કરવા માટે મંજૂરી મેળવવા માટે અદાલતનો સંપર્ક કરાશે.