ભગવાન હવે દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રોના આ નીચ વ્યવહારથી જે આપત્તિ ઉપસ્થિત થઈ છે, તેનું કથન પણ હવે કરવાના છે. એટલું જ પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ મહારાજ ધૃતરાષ્ટ્રને એમ પણ સ્પષ્ટ રીતે કહે છે કે જો ધૃતરાષ્ટ્ર ઇચ્છે અને તદનુસાર વ્યવહાર કરે તો આ આપત્તિ ટાળી શકાય તેમ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ સાથે એમ સમજાવે છે કે આ યુદ્ધની આપત્તિ ટાળવામાં જ કૌરવો અને પાંડવો ને સૌનું હિત છે. (શ્લોક – 11થી શ્લોક – 16)
सेयमापन्महाघोरा कुरुष्वेव समुत्थिता । उपेक्ष्यमाणा कौरव्य पृथिवी घातयिष्यति ।।
महाभारत, उद्योगपर्व : ९५-११
संयुगे महाराज दृश्यते सुमहान् क्षयः ।
क्षये चोभयतो राजन् कं धर्ममनु पश्यसि ।।
महाभारत, उद्योगपर्व : ९५-२८
‘હે મહારાજ! આ યુદ્ધ થશે તો તો મહાન સંહાર થશે. આ રીતે બંને પક્ષનો સંહાર કરાવવામાં આપને કયો ધર્મ દેખાય છે?’
ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને યુદ્ધના દુષ્પરિણામો જણાવતાં આગળ કહે છે –
‘આ યુદ્ધમાં પાંડવો મૃત્યુ પામે કે આપના પુત્રો નષ્ટ થાય તો તેમાં તમને કયું સુખ મળશે?’
‘હે રાજન્! આપના પુત્રો અને પાંડુના પુત્રો, આ સૌ શૂરવીર, શસ્ત્રવિદ્યામાં પારંગત અને યુદ્ધાભિલાષી છે. મહારાજ! આપ તેમની સૌની આ મહાન ભયથી રક્ષા કરો.’ ‘યુદ્ધના પરિણામોનો વિચાર કરીએ તો જણાય છે કે કૌરવો અને પાંડવો નષ્ટપ્રાય છે. બંને પક્ષના શૂર યોદ્ધાઓ આ યુદ્ધમાં નષ્ટ થઈ જશે.’
‘હે નૃપશ્રેષ્ઠ! ભૂમંડલના સર્વ રાજાઓ અહીં એકત્રિત થયા છે. વેરભાવથી પ્રેરાઈને તેઓ સૌ સમગ્ર પ્રજાનો નાશ કરશે.’
‘હે રાજન્! આપ આ જગતની રક્ષા કરો. આપ આ સમસ્ત પ્રજાને નાશમાંથી બચાવી લો, આપ શાંત ભાવે વિચાર કરો.’
યુદ્ધના ઘોર દુષ્પરિણામો વિશે કહ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને આ મહાસંહાર ટાળવા માટે આગ્રહપૂર્વક સમજાવે છે.
(શ્લોક – 34 થી શ્લોક – 36)
शुक्ला वदान्या ह्रीमन्त आर्याः पुण्याभिजातयः ।
अन्योन्यसचिवाराजस्तान
पाहि महतो भयात् ।।
महाभारत, उद्योगपर्व : ९५-३८
“હે રાજન! આ સર્વ રાજાઓ શુદ્ધ, ઉદાર, લજ્જાશીલ, શ્રેષ્ઠ, પવિત્ર કુળમાં ઉત્પન્ન અને અન્યોન્ય સહાયક છે. આપ આ સર્વનું આ મહાન ભયથી(અર્થાત મહાસંહારથી) રક્ષણ કરો.”
ભગવાન ધૃતરાષ્ટ્રને આ જ બાબતમાં આગળ સમજાવે છે – ‘મહારાજ! આપ એવો પ્રયત્ન કરો કે જેથી આ સર્વ રાજવીઓ અન્યોન્ય મળીને, સાથે ભોજન કરીને કુશળતાપૂર્વક પોતપોતાના નિવાસ સ્થાને પાછા ફરે.’
આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને યુદ્ધ ટાળવા માટે પ્રયત્ન કરવા સમજાવે છે, ત્યાર પછી ભગવાન ધૃતરાષ્ટ્રને પાંડવો પ્રત્યે પૂર્વવત સ્નેહ રાખવા માટે સમજાવે છે. (શ્લોક-37થી શ્લોક-39)
ભગવાન કહે છે –
बाला विहीनाः पित्रा ते त्वयैव परिवर्धिताः ।
तान् पालय यथान्यायं पुत्रांव भरतर्षभ ।।
महाभारत, उद्योगपर्व : ९५-३८
‘હે ભરતશ્રેષ્ઠ! પાંડવોએ બાળવયથી જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. આપે જ તેમને પાળી – પોષીને મોટા કર્યા છે માટે હે રાજન! હજુ પણ આપ તેમનું અને પોતાના પુત્રોનું ન્યાયપૂર્વક જતન કરો.’
ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને
સમજાવે છે –
‘રાજન! આપનું આયુષ્ય હવે ક્ષીણ થઈ રહ્યું છે. તેથી હવે પાંડવો પ૨ પૂર્વવતું અર્થાત્ પુત્રવત્ સ્નેહ રાખો અને સંધિ કરી લો.’
‘આપે પાંડવોની હંમેશા રક્ષા કરવી જોઈએ. તેમ કરવાને બદલે આપ પાંડવો સાથે વેર બાંધશો તો આપના ધર્મ અને અર્થ બંને નષ્ટ થશે.’
આમ, ભગવાન ધૃતરાષ્ટ્રને ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે.
‘હે કુરુશ્રેષ્ઠ! આ સમયે કુરુવંશમાં આ અત્યંત ભયંકર આપત્તિ ઉપસ્થિત થઈ છે. જો આ આ પરિસ્થિતિની ઉપેક્ષા કરવામાં આવશે, અર્થાત તેનું નિરાકરણ નહીં કરવામાં આવે તો તે આપત્તિ સમસ્ત ભૂમંડલનો વિધ્વંસ કરી નાખશે.’ ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે – ‘રાજન! આ આવી પડેલી વિપત્તિનું હજુ પણ નિરાકરણ થઈ શકે તેમ છે. આ બંને પક્ષો વચ્ચે શાંતિની પ્રતિષ્ઠા શક્ય છે. આ શાંતિ અને સંધિ જ બંને પક્ષોના હિતમાં છે.
હે પ્રજાપાલક કૌરવ નરેશ! આપ આપના પુત્રોને મર્યાદામાં રાખો અને હું પાંડવોને મર્યાદામાં રાખીશ.’ – ‘હે રાજન! આ સંઘર્ષનું પરિણામ સારું નહીં આવે. આ સંધિ દ્વારા આપનું અને પાંડવોનું બંનેનું કલ્યાણ જ છે.’ – ત્યાર પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો સાથે સંધિ કરવાથી અને બંને પક્ષ વચ્ચે ભાઈચારાથી સૌનું હિત સધાશે અને ધૃતરાષ્ટ્રની મહત્તા ખૂબ વધશે. આ વાત ધૃતરાષ્ટ્રને સમજાવે છે.
(શ્લોક – 17 થી 27)
न हि त्वां पाण्डवैर्जेतुं रक्ष्यमाणं महात्मभिः ।
इन्द्रोऽपि देवैः सहितः प्रसहेत कुतो नृपः
महाभारत, उद्योगपर्व : ९५-१८
‘મહાત્મા પાંડવો દ્વારા રક્ષિત થવાથી આપને દેવો સહિત ઇન્દ્ર પણ જીતી શકશે નહીં. તો પછી બીજા સામાન્ય રાજાઓની તો વાત જ શું કરવી?’ ‘ભરતશ્રેષ્ઠ! જે પક્ષમાં ભીષ્મ, દ્રોણ આદિ અને ભીમ, અર્જુન આદિ મહાન યોદ્ધાઓ હોય તેમની સામે કોઈ રાજા યુદ્ધ કરવાનું સાહસ નહીં કરી શકે.’
‘રાજન! કૌરવો અને પાંડવો સાથે રહેશે તો આપ સંપૂર્ણ જગતના સમ્રાટ બનશો અને અજેય રહેશો.’
‘રાજન! આ રીતે પાંડવો સાથે સંપ કરવાથી આપનું સમગ્ર કુળ સુરક્ષિત રહેશે.’
આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ 11 શ્લોકોમાં ધૃતરાષ્ટ્રને પાંડવો સાથે સંપ – સુલેહ કરવાનો મહિમા સમજાવે છે.
ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધના દુષ્પરિણામો દર્શાવે છે.
(શ્લોક -28થી 33)