એક વૃધ્ધ ખેડૂત ખૂબ વર્ષોથી જાતે ખેતી કરતો હતો. ગામમાં ઘણાં વર્ષોથી વરસાદ નહોતો પડ્યો. ગામના બધા ખેડૂતોએ ખેતરને સાફ કરી દીધું કે જેથી જમીન પર બીજા કોઈ ધંધા કરી શકાય.પણ આ વૃધ્ધ ખેડૂત રોજ કૂવામાંથી પાણી ભરતો અને ખેતર પર છાંટતો.રોજે રોજ અટક્યા વિના, થાક્યા વિના ખેડૂત પોતાની જમીનને ભીની રાખવા પાણી સિંચતો.લોકો તેને પાગલ કહેવા લાગ્યા.
એક દિવસ વૃધ્ધ ખેડૂત પાણી છાંટી રહ્યો હતો ત્યારે એક બાળકે પૂછ્યું:
“દાદા, તમે જાણો છો કે વરસાદ નહિ આવે તો પાણી કેમ વેડફો છો?”
ખેડૂત બોલ્યો:
“પાણી જમીન માટે નથી. મારી આશા માટે છે. જ્યારે વરસાદ આવશે, ત્યારે ખેતર વાવણી માટે તૈયાર હોવું જોઈએ.” બાળકે કહ્યું,’ એનો શું ફાયદો થશે? આ પાણી હમણાં સુકાઈ જશે.”
વૃધ્ધ ખેડૂત બોલ્યો,’હા, પાણી સુકાઈ જશે પણ જમીન કૂણી રહેશે અને કાલે હું ફરી પાણી સીંચીશ અને જ્યારે વરસાદ વરસશે ત્યારે અહીં જલ્દી બીજનાં અંકુર ફૂટશે. જે પહેલેથી ભીંજાયેલું હોય છે તે જ નવસર્જન કરી શકે છે. ‘ વૃધ્ધ ખેડૂતે અનુભવથી ભરપૂર સમજ આપી. જિંદગીમાં ઘણી વાર પરિણામ ન જણાય, ત્યારે પણ તૈયારી કરતાં રહેવું જરૂરી છે જેથી સમય બદલાય ત્યારે ગાફેલ રહી પાછળ ન રહી જઈએ અને તરત આગળ વધી શકીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.