Columns

લગાતાર કોશિશ કરતાં રહો

આશ્રમમાં એક શિષ્ય હતો, જેને બધા ‘ઢ’ કહીને ચીડવતા કારણ કે તેને કશું જ આવડતું ન હતું અને તેને ગુરુજી જે કંઈ શીખવતાં તે યાદ ન રહેતું અને ન શ્લોક સમજતા ,ન યાદ રહેતા. બીજા આશ્રમનાં કામ જે તેને કરવાનું કહેતા તે પણ તે બરાબર કરી શકતો નહિ. તે એક દિવસ રડતાં રડતાં ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘‘ગુરુજી, મને કશું જ આવડતું નથી, બધા ‘ઢ’ કહી ચીડવે છે. હું શું કરું?’’ ગુરુજીએ તેની બધી વાત સાંભળી કહ્યું, ‘‘કોશિશ કર. તું માની લે છે કે મને નહિ આવડે અને કોશિશ કરતો જ નથી.’’

શિષ્ય વધુ કોશિશ કરવા લાગ્યો, પણ પરિણામમાં કોઈ ફરક પડ્યો નહિ. બધા તેની વધુ ને વધુ મજાક ઉડાડવા લાગ્યા. શિષ્ય ગુરુજી પાસે ગયો અને કહ્યું, ‘‘ગુરુજી, હું આશ્રમ છોડી જવા માંગું છું કારણ કે ઘણી કોશિશ કરી પણ મને કશું સમજાતું નથી, યાદ રહેતું નથી.’’ ગુરુજી શિષ્યને હાથ પકડીને આશ્રમથી થોડે દૂર એક મંદિર બંધાતું હતું ત્યાં લઇ ગયા. ત્યાં મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. ગુરુજીએ શિષ્યને કહ્યું, ‘‘જો આ પથ્થર તોડનાર મજૂર તરફ ધ્યાન આપ અને તે કેવી રીતે પથ્થર તોડે છે તે જોતો રહે અને તેને પથ્થર પર કેટલા ઘા માર્યા તે ગણજે અને મને કહેજે કે કેટલા ઘા માર્યા પછી પથ્થર તૂટ્યો.

હું પેલા ઝાડ નીચે વિશ્રામ કરું છું.’’ શિષ્ય ગુરુજીએ કામ સોંપ્યું છે અને કોઈ ભૂલ ન થાય તે માટે પથ્થર તોડતાં મજૂરની સામે જઈને બેસી ગયો અને જેવો મજૂરે નવો પથ્થર લઈને તોડવાની શરૂઆત કરી તે હથોડાના ઘા ગણવા લાગ્યો.એક.બે.ત્રણ. ત્રીસ.ચાલીસ.પચાસ ઘા થયા પણ પથ્થર તૂટ્યો નહિ.પેલો શિષ્ય ધ્યાનથી એક એક ઘા ગણતો હતો અને મનમાં વિચારતો હતો કે આ મજૂર પણ મારા જેવો લાગે છે. તેને પથ્થર તોડતાં આવડતું લાગતું નથી.પથ્થર પર હથોડાના ઘા હવે સોની નજીક પહોંચ્યા પણ પથ્થર તૂટ્યો નહિ. ૧૦૧ મો ઘા મજૂરે માર્યો ત્યારે પથ્થરના બે ટુકડા થયા. શિષ્ય ગુરુજી પાસે દોડી ગયો અને કહેવા લાગ્યો, ‘‘ગુરુજી, મજૂરે ૧૦૧ ઘા માર્યા ત્યારે પથ્થર તૂટ્યો. મેં બરાબર ગણ્યું છે.

આ મજૂરને પણ પોતાનું કામ આવડતું ન હતું. તેના ૧૦૦ ઘા માં તાકાત જ ન હતી, ૧૦૧ મો ઘા તેણે બરાબર તાકાતથી માર્યો ત્યારે પથ્થર તૂટ્યો.’’ ગુરુજી બોલ્યા, ‘‘ના શિષ્ય, અહીં તારી ભૂલ છે. પથ્થર ભલે ૧૦૦ ઘા થયા પછી ૧૦૧ મી વાર ઘા માર્યો ત્યારે તૂટ્યો હોય પણ મજૂરે પહેલાં હથોડાના ઘા થી લઈને સો હથોડાના ઘા માર્યા તે બધી કોશિશોએ ભેગા થઈને પથ્થર તોડ્યો છે. તું સમજી લે કે થાક્યા વિના ,લગાતાર, એક સરખી કોશિશ કરતા રહેવાથી કોઇ પણ કાર્યમાં સફળતા મળે જ છે.’’શિષ્ય સમજી ગયો અને કોશિશ કરવાનું ક્યારેય ન છોડવાનું તેણે નક્કી કરી લીધું.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top