‘ગુજરાતમિત્ર’ની ચાર્જિંગ પોઇન્ટ કોલમમાં હેતા ભૂષણ કાયમ પ્રેરણાત્મક કિસ્સા રજૂ કરે છે. તા. 11 એપ્રિલના રોજ જે પાંચ દીવાની વાત દોહરાવી છે તે બાબતે વધુ લખવા પ્રેરાયો છું. એક ઘરમાં ઉત્સાહ, શાંતિ, હિંમત, સમૃધ્ધિના પ્રતીક સમાન ચાર દીવડા પ્રગટતા હતા. આ ચારેય દીવાને વિચાર આવ્યો, આટલો બધો પ્રકાશ રોશની આપીએ છીએ છતાં માણસ જાતને કોઇ કિંમત કે કદર નથી. આમ વિચારીને છેવટે ચારેય દીવડા બુઝાઇ ગયા અને જે નાનો પાંચમો દીવડો હતો તે નાસીપાસ થયા વગર પ્રજવલિત રહ્યો. આ દીવડો હતો તે આશાનો દીવો, ઘરમાં આવીને છોકરાએ જોયું તો ચાર દીવા બુઝાઇ ગયા છે.
આ એક જ દીવો કેમ સળગે છે? છોકરાએ આશાના પ્રતીક સમાન દીવાની મદદથી ઉત્સાહ, શાંતિ, હિંમત, સમૃદ્ધિ નામના ચારેય દીવડાને ફરી પ્રજવલિત કર્યા. આમ જીવનમાં આશા હંમેશા અમર છે, કદી મરતી નથી. એક આશા પૂરી થાય ત્યાં દિલમાંથી બીજી આશાનું કિરણ ફૂટે છે. માણસ જાત બહુ મહત્ત્વાકાંક્ષી છે. આશા અરમાનો કદી પૂરાં થતાં નથી.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ટ્રમ્પ- જિનપિંગના ટેરિફ વોરમાં ભારત સેન્ડવિચ
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર ચરમસીમા તરફ ગતિમાન છે. આ બે દેશોના ટેરિફ વોરમાં ભારતની અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ છે. હાલમાં ટ્રમ્પે માસ્ટર કાર્ડ રમીને ચીન સિવાયનાં ભારત સહિતના અન્ય દેશોને 90 દિવસની રાહત આપી છે. આ સમય દરમિયાન ભારતે પોતાની સ્પષ્ટ ભૂમિકા રજૂ કરવી પડશે. જો અમેરિકાએ આપેલા રાહતના 90 દિવસમાં ભારત જો ચીન તરફ જાય તો તેનાં વિપરીત પરિણામ સ્વરૂપ ટ્રમ્પ તેમના સ્વભાવ અનુસાર ભારતના પાલ પર 26%ની ડ્યૂટીને સીધી 52% પણ કરી શકે છે અને જો અમેરિકાની તરફેણમાં જાય અને ચીનને લાગે કે ભારતને ચીન સાથે મિત્રતા યા રસ નથી તો ભારતને અપાતા કાચા માલ પર જંગી ડ્યૂટી લગાવી શકે છે અને ભારતની સુરક્ષા સામે પણ ખતરો ઉદ્ભવી શકે છે. હવે આગામી 90 દિવસમાં બંને દેશો સાથે ડીપ્લોમેટીક બેલેન્સ જાળવીને ભારત પોતાના હિતને ધ્યાનમાં રાખીને સલામત ભૂમિકા ભજવવી પડશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
