સુરતઃ આજે શિક્ષણ સમિતિની બજેટ સામાન્ય સભા મળી હતી, જેમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા અને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ શિક્ષણ અને શિક્ષકોના હિતમાં અનેક રજૂઆતો કરી હતી.
રાકેશ હીરપરાએ ખાસ તો શિક્ષકોને સરકારી કાર્યક્રમોથી દૂર રાખવામાં આવે તેવી માંગ કરી હતી. સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા શિક્ષકોને ફરજ પડાતી હોવાની અનેકોવાર બૂમ ઉઠતી રહી છે, તેના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડે છે. આ પ્રથાને દૂર કરવા રાકેશ હીરપરાએ રજૂઆત કરી હતી.
હીરપરાએ કહ્યું કે શિક્ષકોને વધુમાં વધુ સમય વર્ગખંડમાં આપવા દેવામાં આવે, જેથી કરીને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે.
હીરપરાએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે કરેલા સર્વેક્ષણમાં શિક્ષણ ક્ષેત્રે દેશના સૌથી 10 નબળા રાજ્યોમાં સ્થાન પામ્યું છે. આનું કારણ શિક્ષકોની અછત છે અને શિક્ષકોને આપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરીઓ છે. સત્ર શરુ થયાને ચાર મહિના જેટલો સમય થયો છે એમાં 40 પ્રકારની પ્રવૃત્તિઓ અને સરકારી કાર્યક્રમોની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી છે, જેની માઠી અસર શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે.