Charchapatra

ધર્મ ઘર અને ધર્મસ્થાન પૂરતો જ રાખો

ફરીદા ખાતુન ઇસ્લામિક સ્કોલર છે અને સેન્ટર ફોર પીસ એન્ડ સ્પિરિટ્યુએલટીના ચેર પર્સન છે. એમણે કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને, કે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ હોવો જોઈએ, યોગ્ય ઠેરવ્યો છે. તેમણે તો એ પણ જણાવ્યું કે, મુસ્લિમ શાળાઓમાં પણ ગણવેશ હોય છે અને મુસ્લિમ છાત્રોને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખવા અપીલ કરી છે. એબીપી ન્યુઝ રીડર રુબીકા લીયાકતે થોડા અરસા પહેલાં પ્રશ્ન કર્યો હતો કે અચાનક આ બુરખા ક્યાંથી આવી ગયા. અમારા મહુવામાં આખો મુસ્લિમ ઇલાકો છે. હું ૨૫ વર્ષનો થયો ત્યાં સુધી મેં આટલાં બધાં બેનો, ચાચીઓ પૈકી ભાગ્યે જ કોઈને પરદાનશીન જોયાં છે. મહંમદ સાહેબને ટાંકતાં તેઓ જણાવે છે કે, તેમણે પુરુષ અને સ્ત્રીને શરીરના અર્ધા અર્ધા અંગ કહ્યાં છે. ઈજિપ્શન લેખક અબ્દુલ હલીમ અબુ શુક્કાએ ઘણા વોલ્યુમ્સમાં સમાય એવું એક જ પુસ્તક લખ્યું છે જેમાં તેઓ જણાવે છે કે, મહંમદ સાહેબને આત્મજ્ઞાન થયું ત્યારે હિજાબ જેવું કશું ન હતું. એકવાર અલ ફદ્લ નામનો ફાંકડો યુવક મહંમદ સાહેબ જોડે હજ પઢવા જતો હતો ત્યારે ખાથમ કબીલાની એક સુંદર સ્ત્રી ત્યાં આવી. યુવક અને યુવતી ઉભયને જોવા લાગ્યાં ત્યારે પયગંબર સાહેબે યુવતીને હિજાબ નહિ પહેરવા બદલ કશું કહ્યું ન હતું. ફદ્લનો ચહેરો ફેરવી લીધો હતો. ફરીદા ખાતુન તો કહે છે કે, કુરાનમાં હિજાબથી ચહેરો ઢાંકવા બાબતે કોઈ વાત નથી. હિજાબને ચહેરાનું આવરણ તરીકે કુરાનમાં લેવામાં આવ્યું નથી.

દરેક ધર્મમાં બને છે તેમ મૂળ વાતને મચકોડીને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે. દરેક ધર્મીએ પોતાના ધર્મ પુસ્તકમાં જે કહ્યું હોય તેણે અનુસરવું જોઈએ નહિ કે, સંત, મુલ્લા કે પાદરી કહે. અરબી લેખક મહંમદ નસીર અલ દિન અલ્બાનીએ પણ પોતાના હિજાબ અંગેના પુસ્તકમાં જણાવ્યું છે કે, કુરાનમાં હિજાબને ચહેરાના આવરણ તરીકે લેવામાં આવ્યું નથી. પયગંબર સાહેબ જોડે મસ્જ્જીદ જતી મોહતરમાઓ હિજાબ વિના જ જતી હતી. જયારે બિલાલ ઈબ્ન રાબાહએ દાન માટે ઝોળી ફેલાવી અને સ્ત્રીઓએ પોતાની વીંટી નાંખી ત્યારે ઈબ્ન હઝમે સ્ત્રીઓના હાથ અને ચહેરા નિહાળ્યાં હતાં. તે સમએ પણ પયગંબર સાહેબને કશું વાંધાજનક લાગ્યું ન હતું. કોઈ પણ  ધર્મ હોય એક વાત નિશ્ચિત છે, અવામમાં અમન હોવું જોઈએ. વળી, માનવીનું વ્યક્તિગત લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિનું હોવું જોઈએ. તે જ રીતે સામાજિક કે વૈશ્વિક લક્ષ્ય પ્રજાની સુખાકારી હોવું જોઈએ. મહંમદ સાહેબ હોય કે રામ-કૃષ્ણ-બુદ્ધ-મહાવીર કે ઇસુ સૌએ જો ઉપદેશો પ્રબોધ્યા તે સૌની સુખાકારી માટે છે. દરેક વ્યક્તિએ નિજ ધર્મને ઘર અને ધર્મસ્થાન પૂરતો રાખી હરેક સ્થાને શાંતિ પ્રવર્તે તેવા પ્રયાસો કરવા જોઈએ. માર-ફાડ, કાપાકાપી હવે બહુ થયું. બસ, હવે ધરતી અધિક રક્તરંજીત ન થાય તે જોવું રહ્યું. ને છતાં રશ્યા- યુક્રેઇન યુદ્ધ તો ચાલુ જ છે. સબકો સન્મતિ દે, ભગવાન.
બારડોલી            – વિરલ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top