આજના યુગમાં વિદ્યાર્થીઓનું જીવન ખૂબ જ તનાવયુકત અને ચિંતાઓથી ભરેલું જોવા મળે છે. માતા પિતાની ઉચ્ચ આશા અપેક્ષાઓ વિદ્યાર્થીઓને માનસિક રીતે ખૂબ જ નકારાત્મક આડઅસર કરે છે જેના પ્રતિકૂળ પરિણામ સ્વરૂપ અલ્પ સહનશકિતવાળા વિદ્યાર્થીઓ અયોગ્ય દિશામાં અયોગ્ય પગલું ભરે છે જેવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આજના તનાવપૂર્ણ સમયમાં વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત કરવા ખૂબ જ જરૂરી છે.
એના માટે આત્મજાગૃતિ ખૂબ જ અનિવાર્ય છે. તેના માટે સરકારે દરેક શાળામાં યોગ આસન અને મેડીટેશનનો એક કલાસ ફરજીયાત રાખવો જોઇએ, જેના માટે દરેક શાળાએ આ વિષય માટે યોગ્ય સક્ષમ યોગ ગુરુની નિમણૂક કરવી જોઇએ જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થશે. તેનાં સકારાત્મક પરિણામ સ્વરૂપ તેમના મન પર નિયંત્રણ મેળવવા સફળ થશે અને શરીરની તમામ બિમારીઓથી મુકત થશે. તેમનું મનોબળ વધુ મજબૂત બનશે અને તેમના શૈક્ષણિક કાર્યોમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશે. આ અંગે સરકાર ગંભીરતાથી વિચારી યોગ્ય નિર્ણય લેશે એવી આશા રાખીએ.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અહંકાર અને અલંકારની વ્યાખ્યા
ગુજરાતીમાં કહેવત છે, અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું ન હતું. અભિમાનનો બીજો અર્થ એટલે અહંકાર, ગુમાન, ઘમંડ થાય છે. જયારે માણસના દિલો-દિમાગમાં ‘હું’ શબ્દ ઘર કરી જાય ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારી માણસ તામસી – સ્વભાવનો – ક્રોધી બની જાય છે. અને ભોગ-વિલાસ – ઐય્યાસી, મદિરાપાનનો બંધાણી બની જાય છે. અને અવળે માર્ગે જાવ એટલે અવળાં ધંધા જ સૂઝે છે. આથી અહંકાર કદી કરશો નહીં. જીવનમાં સદાચારી બનો, સદાચાર એટલે સારું આચરણ, માણસને વિનય – વિવેક, નમ્રતાના ગુણો શીખવે છે. આ બાબતે પંન્યાસ – પ્રવર પૂ. પદમદર્શનજી મ.સા. વ્યાસપીઠ પરથી દોહરાવે છે. જીવનમાં અભિમાનથી નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવો, જુદાં જુદાં ઘરેણાં (અલંકાર – શણગાર – સજાવટ કરે છે. જયારે અહંકાર એ બિનજરૂરી અલંકાર છે, જે પતનના માર્ગે લઇ જાય છે અને અંજામ બૂરો આવે છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.