Columns

માર્ગ શોધતાં રહો

એક રાજા પોતાના ત્રણ કુંવરમાંથી કોને યુવરાજ બનાવવો તે વિષેની મૂંઝવણ લઈને ગુરુજી પાસે ગયા. ગુરુજીએ કહ્યું, ‘વત્સ , આવતી કાલે તું તારા ત્રણે કુંવરોને લઈને મારા આશ્રમમાં આવજે.’ રાજા ત્રણે કુંવરોને આશ્રમમાં લઇ ગયો. ગુરુજીએ કહ્યું, ‘કુંવરો, આજે તમારી એક કસોટી છે.’ ગુરુજીએ રાજા અને કુંવરને પોતાની સાથે આવવા કહ્યું અને આશ્રમના કોઠાર ગૃહમાં તેઓ ગયા.કોઠાર ગૃહ પાસે ત્રણ નાની નાની ઓરડી હતી.ગુરુજીએ ત્રણે રાજકુંવરોને કહ્યું, ‘જુઓ,આ ત્રણ ઓરડીઓ છે, જેમાં કોઈ બારી નથી. માત્ર એક જ દરવાજો છે.તમને ત્રણને એક એક ઓરડીમાં રહેવાનું છે અને ઓરડી બંધ થયા બાદ કોઈ બુમાબુમ કર્યા વિના કે અવાજ કર્યા વિના આપ મહેનતે બંધ ઓરડીમાંથી બહાર આવવાનું છે.જે પહેલાં બહાર આવશે તે વિજેતા ગણાશે અને આપના પિતાજી ઇનામ આપશે.’આટલું કહીને ગુરુજીએ દરેક રાજકુંવરને એક એક ઓરડીમાં અંદર જવા કહ્યું અને દરવાજો બંધ કરવા લાગ્યા.

સૌથી નાના કુંવરે તો ગુસ્સો કર્યો કે ઓરડીમાં દરવાજા સિવાય બહાર નીકળવાની કોઈ શક્યતા જ નથી તો પછી બહાર નીકળવું કઈ રીતે? આવી કસોટીનો કોઈ અર્થ નથી કહીને ઓરડીની બહાર નીકળી ગયો.વચેટ કુંવર ઓરડીમાં ગયો અને ઓરડીમાં કોઈ રોશની આવતી હોય તેવી જગ્યા કે છાપરાં સુધી પહોંચવાની શક્યતા વિચારવા લાગ્યો, પણ ઓરડીમાં એક દરવાજા સિવાય બહાર નીકળવાની કોઈ જગ્યા જ ન હતી. ઘણો સમય પસાર થયો. તે હાર માનીને બેસી ગયો.સૌથી મોટો કુંવર ઓરડીમાં ગયો. શાંતિથી વિચારવા લાગ્યો.તેણે પણ જોયું કે અન્ય કોઈ સ્થળ નથી કે ત્યાંથી બહાર નીકળી શકાય,પણ ચોક્કસ આ કસોટી પાછળ કોઈ ઊંડું કારણ હોવું જોઈએ.થોડી વાર સુધી વિચારી તે ફરીથી બધી શક્યતાઓ શોધવા લાગ્યો.હાર માન્યા વિના ઊભો થયો અને એક એક દીવાલ પર ટકોરા મારી તપાસવા લાગ્યો.દરવાજા પાસે આવ્યો અને દરવાજાને પણ તેણે દરેક સાંકળો અંદરથી ખોલી તપાસ્યો તો તેના આશ્ચર્ય વચ્ચે મુખ્ય કળ ફેરવતાં જ બંધ દરવાજો અંદરથી ખૂલી ગયો.

તે ઓરડીની બહાર આવ્યો.મોટો કુંવર કસોટીમાં વિજેતા થયો. બાદ ગુરુજીએ વચેટ કુંવરને પણ દરવાજો ખોલી બહાર બોલાવ્યો અને નાનો કુંવર તો ઓરડીમાં ગયો જ ન હતો.ગુરુજીએ રાજા સામે જોયું અને કહ્યું, ‘રાજન, તમારા નાના કુંવરે તો કસોટીનો સામનો જ ન કર્યો.જીવનમાં તેઓ કસોટી આવશે તો આમ જ છટકી જશે.વચલા કુંવરે કસોટી સ્વીકારી.કોઈ માર્ગ શોધવાની મહેનત કરી,પણ બધી શક્યતાઓ તપાસી નહિ.દરવાજો બંધ છે એટલે માની લીધું કે ખોલી શકાશે નહિ અને થાકી જઈ પ્રયત્નો છોડી દીધા અને તમારા મોટા કુંવરે તો સતત માર્ગ શોધવાના પ્રયત્ન કર્યા.બધું તપાસ્યું.દરેક દિવાલ પણ ચકાસી અને દરવાજો બંધ હોવા છતાં બધી રીતે તપાસ કરી અને તેમાં જ તેને અંદરથી દરવાજો ખોલતી મુખ્ય કળ મળી ગઈ. એટલે રાજન તમારો યુવરાજ બનવાને લાયક સૌથી મોટો પુત્ર જ છે, જે દરેક સંજોગોમાં છેલ્લે સુધી થાક્યા વિના લડશે ..માર્ગ શોધવાના પ્રયત્નો ચાલુ રાખશે..થાકી ,હારીને બેસશે નહિ.’રાજાએ મોટા કુંવરને યુવરાજ જાહેર કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top