Columns

સાથ અને સમય આપતાં રહો

એક ગામમાં સાધારણ મજૂર તરીકે કામ કરતો, એકલો રહેતો રામનારાયણ, ભગવાનનો ભક્ત હતો. તે રોજ મંદિરે જતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે, ‘હે પ્રભુ, કૃપા કરજો અને હું કોઈને કામ આવી શકું તેવી પ્રેરણા અને તક મને આપજો.’ તે રોજ આવી પ્રાર્થના કરતો અને પોતાનાથી બનતી મદદ બીજાને કરવા સતત તત્પર રહેતો. એક દિવસ તેના પડોશી શ્યામલાલના ઘરની છત ટપકવા લાગી. ઘરમાં નાનાં છોકરાં હતાં. જો બહુ વધુ વરસાદ આવે તો છત પડી પણ ભાંગે તેવી સ્થિતિ હતી.આસપાસનાં લોકો આવ્યાં પણ અમુક લોકોએ સલાહ આપી અને અમુક લોકોએ સહાનુભૂતિ દેખાડી પોતાપોતાના કામે ચાલ્યા ગયા કારણ કોઈ પાસે સમય ન હતો.

પરંતુ મજૂર રામનારાયણ ત્યાં જ હતો. તેની પાસે પોતાના હાથ હતા, પોતાનો સમય હતો અને મનમાં મદદ કરવાની ભાવના હતી. તે પાડોશીના ભીના થતાં પરિવારની સાથે ભીનો થતો ઊભો રહ્યો.નજીકથી લાકડાં લાવી પડું પડું થતી છતને ટેકો આપ્યો,તાડપત્રી લઇ આવી, ઉપર બાંધી ઘરમાં ટપકતાં પાણીને રોક્યું. વરસાદ ધીમો થયો, છત બચી ગઈ. શ્યામલાલે આભાર માનતાં કહ્યું, ‘દોસ્ત, તારો આભાર પણ તારો ઘણો સમય બગડ્યો.’ રામનારાયણ બોલ્યો, ‘અરે, સમય બગડ્યો નથી.મારા સમયનો યોગ્ય ઉપયોગ થયો.પડોશીની મદદ તો કરવી જ જોઈએ.તું ઘર સાફ કર. હું હમણાં થોડી વારમાં રોટલા બનાવીને લઇ આવું છું.’

થોડા મહિના બાદ, મજૂર રામનારાયણ મજૂરી કરતાં ઘાયલ થયો, બંને પગમાં વાગ્યું, કામ છૂટી ગયું, કોઈ ધ્યાન રાખવાવાળું પણ ન હતું.હવે શું થશે તેની ચિંતા મનમાં સતાવી રહી હતી ત્યાં જ શ્યામલાલ પોતાના પરિવાર સાથે ઘરમાં આવ્યો. તે દવા અને ભોજન સાથે લઈને આવ્યો હતો અને સાથે સાથે સંજોગો સાથે લડી લેવાની હિંમત પણ લઈને આવ્યો હતો.’ રામનારાયણે આભાર માન્યો ત્યારે શ્યામલાલે કહ્યું, ‘દોસ્ત, તેં અમારે માટે કેટલું કર્યું છે,તે ઘરની છત જાળવવામાં મદદ કરી હતી તે દિવસે વિશ્વાસ થયો કે કોઈક તો આપણા માટે છે. તેં અમને તારો સમય અને સાથ આપ્યો હતો. આજે અમે એ જ તને આપવા આવ્યા છીએ.’ આટલું કહી શ્યામલાલે તેને દવા આપી અને શ્યામલાલની પત્નીએ થાળી પીરસી જમવાનું આપ્યું. જમતાં જમતાં રામનારાયણ વિચારવા લાગ્યો કે ‘જે સમય આપણે બીજાને આપીએ છીએ, તે સમય જીવનમાં આપણી પાસે સહારો બનીને આવે જ છે.’
એકબીજાને સાથ અને સમય આપતા રહો.      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top