Columns

દોસ્તી જીવંત રાખો, જીવંત રહો

સ્કૂલમાં સાથે ભણતી સખીઓનું સ્કૂલ છોડ્યાના ૨૨ વર્ષ બાદ રીયુનિયન થયું. નાનપણની દોસ્તી ફરી જીવંત થઇ ગઈ.ફરી મળ્યા બાદ હવે મળતાં રહેવાનું વચન આપ્યું.થોડો વખત એકમેકને મળતાં સાથે લંચ કે ડીનર ગોઠવતાં.પણ ફરી ધીરે ધીરે ઓછું થતું ગયું.કોરોના વખતે તો સાવ બંધ.બસ કયારેક વોટ્સ એપ ગ્રુપમાં ચેટ થતી અને પછી ધીમે ધીમે મળવાનું ઓછું થતું ગયું.

દુબઈ રહેતી ફ્રેન્ડ સેજલ ઇન્ડિયા આવી અને તેણે ગ્રુપમાં લખ્યું, પાંચ દિવસ માટે જ આવી છું પણ બધાને મળવું છે.ચાલો લંચ માટે મળીએ.શહેરમાં બધા દૂર દૂર રહેતાં હતાં એટલે વચ્ચેનું સ્થળ નક્કી થયું.પાંચથી છ બહેનપણીઓનો જવાબ આવ્યો કે ચોક્કસ મળીએ. કોઈ મિત્ર બહારગામ હતી ..કોઈની તબિયત ખરાબ હતી તો કોઈનાં વ્રત ચાલતાં હતાં. બધાએ લખ્યું અમને મિસ કરજો.ફરી પાછાં ક્યારેક મળીશું.બે ત્રણ જણે લખ્યું, કામ છે નહિ આવી શકાય.

એક મિત્રે લખ્યું કામ છે, પણ જલ્દી પૂરું કરીને આવવાની કોશિશ કરીશ. શુક્રવારે લંચ માટે મળવાનું નક્કી થયું હતું, સવારે એક સખી સ્નેહાને તાવ આવ્યો. તેણે લખ્યું આવવાની હતી પણ હવે તાવ હોવાથી નહિ આવી શકું.બીજાં બધાંને થયું, ધીમે ધીમે હજી બે ત્રણ ના આવશે અને પ્રોગ્રામ કેન્સલ થશે.એક સખીએ લખ્યું, ‘મોડું થશે..’ દૂર રહેતી શીતલે લખ્યું, ‘ હું નીકળી ગઈ છું એટલે બધાં આવજો.’

બીઝી રહેતી ફ્રેન્ડ અંજલિએ પોતાની આજુબાજુ રહેતી મિત્રો જેમનો કોઈ જવાબ નહોતો તેમને ફોન કરી આગ્રહ કર્યો અને બીજી બે બહેનપણીઓ તૈયાર થઇ ગઈ.  શીતલ સૌથી પહેલાં પહોંચી,કામ પૂરું કરી મોડી આવનારી ફ્રેન્ડ શ્વેતા અને અર્ચના પહોંચી ગયાં અને એકમેકને મળી ખુશ થયાં.ગ્રુપમાં ફોટા પાડી મૂક્યા. પ્રીતિ જવાની ન હતી.

ગ્રુપમાં મુકાયેલા ફોટો જોઇને રહી ન શકી અને વેન્યુ તેના ઘરની નજીક જ હતું અને મેસેજ જોયો કે હજી બધા પહોંચ્યા નથી એથી અને કોઈ મેસેજ વિના વેન્યુ પર જાણે દોડીને પહોંચી ગઈ.તેની આ સરપ્રાઈઝથી બધા ખુશ થઈ ગયા.સવારે તાવ આવતો હતો તે સ્નેહા પણ ઇન્જેક્શન લઈને સીધી દોસ્તોને મળવા દોડી ગઈ.

બધી મિત્રો વર્ષો બાદ એકમેકને મળીને અને તેમાં પણ અચાનક આવેલી ફ્રેન્ડસને મળીને એટલી ખુશ થઈ ગઈ કે પ્રેમથી મોટેથી હાઈ હલ્લો કરી એકમેકને ભેટવા લાગી, હસવા લાગી, જાણે બધા ભૂલી જ ગયા કે રેસ્ટોરાં એક પબ્લિક પ્લેસ છે. પોતે ૪૫ વર્ષની છે. ઘણી વાતો કરી ,મનનો ભાર પણ ઠાલવ્યો, પ્રગતિ કરનાર ફ્રેન્ડને અભિનંદન આપ્યા, નવું કામ કરવા પાનો ચઢાવ્યો.વરસાદમાં પલળ્યા ..ગરમાગરમ કોફી પીધી અને  થોડી જ વારમાં સોફ્ટીની મજા માણી. જાણે થોડા કલાકોમાં ઘણું બધું જીવી લીધું. કેટલી બધી ખુશી ભેગી કરી લીધી. એકમેકને ફરી મળવાનું વચન આપી એક જીવંત અહેસાસ સાથે બધાં છૂટાં પડ્યાં.બસ જો જીવનમાં જીવંત હોવાનો અહેસાસ જીવંત રાખવો હોય તો દોસ્તી જીવંત રાખો.દોસ્તોને મળતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top