વાતાવરણમાં વસંત ઋતુનું આગમન થઇ ચુક્યું હતું ..પ્રકૃતિ સુંદર ખીલી ઉઠી હતી ..પણ વનમાં સુંદર વાતાવરણ દર વખત કરતા કૈંક જુદું હતું.સુનકાર ફેલાયેલો હતો …ન હતો કોયલનો ટહુકાર કે….ન હતો મોરનો ઝંકાર…કારણ કોયલ અને મોર બંને ઉદાસ હતા અને કયાંક દુર છુપાઈને શાંત બેઠા હતા. વનરાજ સિંહે કાગડાને તપાસ કરવા કહ્યું..કાગડાએ તપાસ કરીને જાણ્યું કે મોર અને કોયલ થોડા વખત પહેલા નજીકના ગામમાં ગયા હતા ત્યાં કાર્યક્રમ ચાલતો હતો.અને કાર્યક્રમમાં જેણે સુંદર ગીત ગયું તેને પુરસ્કાર મળ્યો અને જેને સુંદર નૃત્ય કર્યું તેને પણ ઇનામ આપવામાં આવ્યું.
ગાયક અને નૃત્યકારનું આટલું સન્માન જોઇને મોર અન કોયલ વિચારવા લાગ્યા કે વનમાં અમે પણ સુંદર ગાઈને અને નૃત્ય કરીને બધા પશુઓનું મનોરંજન કરીએ છીએ પણ કોઈઅમારું સન્માન નથી કરતું કોઈ અમને માન સન્માન નથી આપતું.અમે બધાને ખુશ કરીએ છીએ અને કોઈ અમારી પ્રશંસા પણ નથી કરતું …જેમ જેમ આવા વિચાર વધતા ગયા તેમ તેમ તેમની ઉદાસી વધતી ગઈ અને હવે ક્યારેય ગાવું જ નથી કોયલે નક્કી કર્યું અને મોરે વિચાર્યું હવે કયારેય નહિ નાચું. આમ વિચારી તો લીધું, પણ તેમની ઉદાસી વધુ ને વધુ વધતી ગઈ કારણ તેઓ પોતાનું જે કામ હતું તે જ કરી રહ્યા ન હતા અને નકારાત્મક વિચારો વધતા જ જતા હતા.
બધી તપાસ કરીને તેમને શોધતો શોધતો કાગડો તેમની પાસે આવ્યો અને બોલ્યો, ‘તમે કે ઉદાસ છો ?? મારું તો કેટલું અપમાન કરવામાં આવે છે.બધેથી મને ભગાડવામાં આવે છે..હું ગંદકી સાફ કરું છું ..અમે ક્યારેય અંદર અંદર ઝઘડતાં નથી…હું મહેમાનના આવવાની ખબર આપું છું…પણ કોઈ મારી ક્યારેય કદર કરતું નથી,પણ હું અને મારા જાતભાઈઓ ભાઈચારો જાળવી રાખીને સતત અમારું કામ કરતા રહીએ છીએ.ક્યારેય કોઈ સન્માનની આશા રાખતા નથી.હવે તમે મને કહો શું અહીં ચુપચાપ બેસવાથી તમે પોતે ખુશ છો ??
શું અત્યાર સુધી તમે કયારેય સન્માન, પ્રશંસા કે ઇનામ માટે નાચતાં કે ગાતા હતા ?? શું આ સુંદર વાતાવરણે આનંદથી વધુ સભર કરવા માટે તમારે તમારું કામ કરવું જરૂરી નથી ??’કાગડાની સમજાવટ પછી કોયલ અને મોર ગાવા અને નાચવા લાગ્યા…જંગલમાં કોયલનો તુકો ગુંજી ઉઠ્યો અને મોરના નૃત્યનો ઝંકાર ફેલાયો..અને આખા જંગલમાં ખુશી અને આનંદની લહેર છવાય ગઈ.બધા પ્રાણીઓ આનંદમાં ઝૂમવા લાગ્યા. કાગડાએ કોયલ અને મોરને કહ્યું, ‘જુઓ ,આ તમારું કામ છે.બધાને ખુશી આપવાનું …તમારા નાચવા અને ગાવાથી બધા આનંદમાં આવી ગયા.બધાની ખુશીનું કારણ તમે છો એથી વધુ પુરસ્કાર શું હોય શકે? કોયલ અને મોરણી ઉદાસી દુર થઇ ગઈ હતી અને સમજાઈ ગયું ખાટું કે કોઈપણ વિશેષ આશા રાખ્યા વિના આપણે આપણું પોતાનું કામ કરતા રહેવું જોઈએ.ક્યારેય અટકવું જોઈએ નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.