રાકેશ એક સેવાભાવી યુવાન. પોતાની મહેનત અને લગનથી બિઝનેસ કરે અને તેમાં સફળ જ થાય, પણ બિલકુલ અભિમાન નહિ. સતત કામ કરતો રહે અને પોતાની કમાણીમાંથી જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ સતત બીજાને મદદ કરવા તત્પર રહે.રોજ સવાર પડે અને સારાં કામો કરવા નીકળી પડે અને પંખીઓને ચણ અને ગાયને ઘાસ અને રસ્તામાં ગરીબોને કેળાં વગેરે આપી મંદિરમાં દર્શન કરી ૯.૩૦ ઓફિસે પણ પહોંચી જાય. રાકેશ પાસે જે કોઈ મદદ માંગવા જાય તે ક્યારેય ના સાંભળીને પાછો ના ફરે.રાકેશ પોતે વર્ષમાં ચાર શર્ટ ખરીદે, પણ આંગણે આવેલ દરેકને મદદ અચૂક કરે.ધીમે ધીમે વાત ફેલાતાં તેની પાસે ઘણાં લોકો મદદ માંગવા આવે, દવા માટે , શાળાની ફી માટે કે બીજી કોઇ પણ જરૂરિયાત માટે.
રાકેશ મદદ કરે જ અને પોતે આટલો સારો બિઝનેસ કરે છે, આટલા પૈસા કમાય છે તે વાત કોઈને જણાવ્યા વિના નમ્રતા સાથે સાદગીભર્યું જીવન અને બની શકે તેટલી બીજાની મદદ એ જ તેની જીવનરીત હતી. એક દિવસ એક મિત્રે કહ્યું, ‘રાકેશ તારા જેટલાં સારાં કામ કોઈને કહ્યા વિના, માન, સન્માન, ખ્યાતિની ઈચ્છા વિના કોઈ નહિ કરતું હોય.’રાકેશે જવાબ આપ્યો, ‘ના દોસ્ત, એવું કંઈ નથી.હું તો કંઈ જ કરતો નથી.મારો ભગવાન મને નિમિત્ત બનાવીને કરાવે છે અને મારા કરતાં પણ વધારે સેવા કાર્યો અનેક લોકો કરે છે અને કરતા જ રહે છે.’મિત્રે કહ્યું, ‘અરે, પણ તું સારાં કામ કરે છે તો લોકોને તે વિષે શું કામ નહિ જણાવવાનું?’
રાકેશે જવાબ આપ્યો, ‘દોસ્ત, હવે તું મારા ગુણગાન ગાવાનું બંધ કર, પ્રશંસા અભિમાનનાં મૂળ રોપે છે. મારી વાત સાંભળ.મારા ગુરુજીએ મને એક સમજ આપી છે કે રોજ એક સારું કાર્ય કરો.બને તેટલાં સારાં કાર્યો કરતાં રહો. ઈશ્વર તમારા દ્વારા બીજાની મદદ કરવા માંગતો હોય છે એટલે કોઈને બને ત્યાં સુધી ના ન પાડો અને માત્ર સારાં કામ કરવાં જરૂરી નથી સાથે જરૂરી છે ચૂપ રહેવું કારણ કે જીવનમાં સારું કામ કરવું તે માટે તત્પર બનવું જ બહુ અઘરું છે અને એથી પણ વધારે અઘરું છે સારું કામ કરીને મૌન રહેવું. તે કામ મેં કર્યું છે તે કોઈને ન જણાવવું.માટે હું માત્ર મારી ફરજ નિભાવું છું. બીજું કંઈ વધારે કરતો નથી સમજ્યો.’મિત્રે રાકેશની નમ્રતા અને અનન્ય સમજને મનોમન બિરદાવી પોતે પણ એક સારું કામ રોજ કરવાનું નક્કી કર્યું.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.