Business

સંબંધોને ચાર્જ કરતા રહો

પરિવારજનો, સગાંવહાલાં, પાડોશી, મિત્રો, પરિચિત અને કલીગ્સ…. નામ ગમે તે હોય પરંતુ આપણી જિંદગીના કેનવાસને મેઘધનુષી રંગોથી સજાવવામાં દરેક સંબંધની ખાસ ભૂમિકા હોય છે. સંબંધોને ખુશનુમા બનાવવા માટે મોબાઇલની જેમ એને પણ હંમેશાં ચાર્જ કરતા રહેવું બહુ જ જરૂરી છે.

હંમેશાં હોય ફુલ ટોકટાઇમ

એ હકીકત છે કે જીવનમાં વ્યસ્તતા વધતી જાય છે ત્યારે લોકોની પાસે કુટુંબીજનો સાથે વાતચીત કરવાનો સમય જ નથી હોતો. આવી પરિસ્થિતિની સંબંધો અને વ્યકિતના માનસિક સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પડે છે. એટલે તમારી આસપાસનાં લોકો સાથે વાચીત કરવાનો સમય જરૂર કાઢો.

Beautiful woman talking on cell phone

મેમરી કાર્ડ એકિટવ રાખો

આમ તો ફેસબુક તમને બધાં ખાસ અવસરોની યાદ અપાવતું જ રહે છે તેમ છતાં કેટલાંક અથવા તો ફેસબુક પર બહુ એકિટવ ન હોય એવાં લોકો ઘણીવાર મેરેજ એનિવર્સરી,બર્થ-ડે, તહેવારો જેવા ખાસ અવસરે સ્વજનોને શુભેચ્છા પાઠવવાનું ભૂલી જાય છે. બની શકે કે તમારી એકદમ નિકટની વ્યકિત કે જેમની સાથે તમારા સંબંધો સારા હોય એમને તમે શુભેચ્છા ન આપો તો એ કોઇ ફરિયાદ ન કરે પરંતુ જયારે તમે એને શુભકામના આપો ત્યારે એ ખુશ તો થાય જ છે. એટલે તમારા મગજના મેમરી ડેટાને હંમેશાં અપડેટ રાખો. જો તમે વ્યસ્તતાને કારણે કોઇ ખાસ દિવસ ભૂલી જાવ છો તો તમારા મોબાઇલમાં રિમાઇન્ડર મૂકો. તમે કોઇ કારણસર ભૂલી જાવ કે તેમની સાથે વાતચીત ન થઇ શકે તો એક-બે દિવસમાં ફોન કરી લો.

વાતચીતમાં સજાગતા

મોબાઇલથી આપણે જે કહેવા માંગતાં હોઇએ એ મેસેજ જ મોકલીએ છીએ પરંતુ સામાજિક જીવનમાં કાયમ એવું નથી થતું. ઘણીવાર વ્યકિતના હાવભાવ, બોડી લેન્ગવેજ કે કોઇ ગેરસમજને કારણે સામેવાળી વ્યકિતને નકારાત્મક મેસેજ પહોંચી જાય છે. જેને કારણે સંબંધ બગડી શકે છે. એટલે સમજયા – વિચાર્યા વિના કંઇ પણ બોલો નહી. પ્રોફેશનલ લાઇફમાં વાતચીત દરમ્યાન શબ્દોની પસંદગીમાં સજાગતા રાખો, નહીં તો અર્થનો અનર્થ થઇ શકે છે. અને અન્યોને તમારી સાચી વાત પણ ખોટી લાગી શકે છે. જો ભૂલમાં પણ તમારાથી કોઇ ખોટો શબ્દ બોલાઇ જાય તો એ સમયે જ માફી માંગી લો.

મજબૂત નેટવર્ક

જે રીતે યોગ્ય વાતચીત માટે મોબાઇલનું નેટવર્ક બરાબર હોવું જરૂરી છે એ જ રીતે જિંદગીની ખુશહાલી માટે  આપણા સામાજિક સંબંધોનું નેટવર્ક પણ મજબૂત હોવું જોઇએ. કેટલાક સંબંધો વ્યકિતના જન્મ સાથે જ એને કુદરતી બક્ષિસ તરીકે મળે છે. દા.ત. માતાપિતા, ભાઇબહેન, એ સિવાય અન્ય સામાજિક સંબંધો વ્યકિત પોતાની મરજીથી બાંધે છે. આવા સંબંધો દરેક ડગલે એમને માટે મદદગાર સાબિત થાય છે. એટલે નાની ઉંમરથી સંતાનોનો ઉછેર એવી રીતે કરવો જોઇએ કે જેથી તેમનામાં સારી સોશ્યલ સ્કિલ્સ ડેવલપ થાય. જેથી નવાં લોકો સાથે વાતચીત કરવામાં એને કોઇ ખંચકાટ ન થાય.

શેરીંગ અને કેરીંગ

આપણે મોબાઇલ પર મેસેજ, વીડિયોઝ શેર કરીએ છીએ. આપણે મિત્રો – સગાંવહાલાં સાથે આપણી શોખની કન્ટેન્ટ શેર કરીએ છીએ. જે રીતે આપણે ડિજિટલ વર્લ્ડમાં શેરીંગ કરીએ છીએ. એ રીતે અંગત જીવનમાં પણ શેરીંગ કરવું જોઇએ. હંમેશાં અન્યોની મદદ કરવા તૈયાર રહો, પોતાની નિકટની વ્યકિત સાથે દિલની વાત શેર કરો. જો કોઇ તમારી સાથે કોઇ વાત કરવા ઇચ્છતું હોય તો થોડો સમય કાઢી એની વાત સાંભળો બની શકે કે તમારા સહાનુભૂતિ કે પ્રેમભર્યા બે શબ્દો એને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રાહ બતાવે અને એ ડિપ્રેશનનો શિકાર થતાં બચે.

ડયુઅલ સીમના ફાયદા

જેવી રીતે મોબાઇલમાં ડયુઅલ સીમ ફાયદાકારક છે એક સીમ પર્સનલ અને એક સીમ પબ્લિક માટે એ રીતે પર્સનલ લાઇફમાં પણ પ્રોફેશનલ અને અંગત સંબંધોને અલગ – અલગ ભાગમાં વહેંચીને રાખવાથી મુશ્કેલી થોડી ઓછી થઇ જાય છે કારણકે દરેક સંબંધની માંગ અને જરૂરતો અલગ હોય છે. જો કે પ્રોફેશનલ અને અંગત સંબંધોને એકદમ અલગ રાખવા મુશ્કેલ છે. છતાં ઓફિસમાં નિજી જીવન વિશે વધારે વાતો ન કરવાનું અને ઘરમાં ઓફિસની પરેશાનીઓની ચર્ચા ન થાય એ ધ્યાન રાખો. એનાથી ઓફિસમાં પણ કલીગ્સ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે અને ઘરે આવ્યા બાદ તમે પરિવારજનો સાથે પણ શાંિતથી થોડીક પળો વિતાવી શકશો.

Most Popular

To Top